ભારતે 'રતન' ગુમાવ્યું : 21 વર્ષની ઉંમરે ટાટા ગ્રુપના ચેરમેન બન્યા, દેશ-વિદેશમાંથી મેળવ્યું સન્માન
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જીવન દરેક વ્યક્તિ માટે મોટા ઉદાહરણ સમાન છે. ભારતની કરોડરજ્જૂ ગણાતા એવા ઉદ્યોગપતિ રતન ટાટાનું જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ તેમના ઉદાર કાર્યો અને દૂરદર્શિતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતા.
રતન ટાટાએ તેમના જીવનમાં ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. આ સિવાય જ્યારે પણ દેશ પર કુદરતી આપત્તિ કે કોરોના જેવી કોઈ મુસીબત આવી ત્યારે દેશની મદદ કરવા તેઓ સૌથી આગળ જોવા મળતા હતા. આવા દિગ્ગજ ઉદ્યોગપતિની વિદાય એ ભારત માટે મોટી ખોટ છે.
દેશના સૌથી લોકપ્રિય ઉદ્યોગપતિ અને અબજોપતિ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ નવલ ટાટા અને સુની ટાટાના ઘરે થયો હતો. તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને દેશના સૌથી જૂના બિઝનેસ ગ્રુપમાંના એક ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા હતા. આ જ કારણ છે કે દેશમાં દરેક વેપારી તેમજ બિઝનેસ જગતમાં એન્ટ્રી લેનારા યુવકો તેમને પોતાનો આદર્શ માને છે.
રતન ટાટાએ ભારતમાં આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું હતું. આ પછી, તેઓ વર્ષ 1962 માં ભારત પાછા ફર્યા અને ટાટા સ્ટીલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
રતન ટાટાને 1991માં 21 વર્ષની ઉંમરે ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. 1996 માં, ટાટાએ ટેલિકોમ કંપની ટાટા ટેલિસર્વિસિસની સ્થાપના કરી અને 2004 માં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) બજારમાં સૂચિબદ્ધ થઈ હતી. ચેરમેન પદ છોડ્યા પછી, તેમને ટાટા સન્સ, ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના માનદ ચેરમેનનું બિરુદ આપવામાં આવ્યું હતું.
ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓમાં કામ કરીને પોતાની રતન ટાટા વર્ષ 1971માં નેશનલ રેડિયો એન્ડ ઈલેક્ટ્રોનિક્સ (નેલ્કો)માં ડિરેક્ટર બન્યા હતા. એક એપ્રેન્ટિસથી ડિરેકટર મનવાની સફર સુધી પહોંચવામાં તેમને નવ વર્ષ લાગ્યા હતા. ભારતમાં ગમે ત્યાં એક નજર કરો, તો તમને એક બ્રાન્ડ લગભગ બધે જ મળશે. એ ટાટા છે. દેશમાં એવી વ્યક્તિ શોધવી મુશ્કેલ હશે જેમણે ટાટાની પ્રોડક્ટનો ઉપયોગ ન કર્યો હોય. ટાટા સોલ્ટ(મીઠું)થી લઈને ટાટા મોટર્સ સુધી ટાટા ભારતની સૌથી સર્વવ્યાપક બ્રાન્ડ રહી છે. વર્ષ 1991માં જેઆરડી ટાટા પાસેથી ટાટા સન્સના ચેરમેન અને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળનાર રતન ટાટાએ ભારતના આર્થિક ઉદારીકરણના સમયે ટાટા ગ્રૂપની નવરચનાની શરૂઆત કરી હતી.
જેમના નેતૃત્વમાં ટાટા ગ્રૂપ દ્વારા અનેક એક્વિઝિશન કરવામાં આવ્યા હતા. જેમાં ટેટલીનું 43.13 કરોડ ડૉલરમાં, કોરસ સ્ટીલ જાયન્ટનું 11.3 અબજ ડૉલરમાં અને જેગુઆર લેન્ડ રોવરનું 2.3 અબજ ડૉલરમાં એક્વિઝિશન મુખ્ય છે. આ સંખ્યાબંધ એક્વિઝિશન સાથે વૈશ્વિક પટલ પર ટાટા ગ્રૂપનું સામ્રાજ્ય 100 થી વધુ દેશમાં ફેલાયું હતું. ટાટા ગ્રૂપ દ્વારા આ સમયગાળામાં ઘણી હોટેલ, કેમિકલ્સ કંપનીઓ અને કોમ્યુનિકેશન્સ નેટવર્ક તથા એનર્જી ક્ષેત્રે પણ બિઝનેસ હસ્તગત કરવામાં આવ્યા હતા. સવિશેષ એર ઈન્ડિયાને ફરી ટાટાએ તેમની હસ્તક લેવામાં સફળતા મેળવી હતી. જે તેમના કાકા અને મેન્ટર જેહાગીર રતનજી દાદાભોય ટાટા દ્વારા 1932 માં સ્થાપિત કરવામાં આવી હતી. રતન ટાટા માટે કામ પૂજા સમાન હતું. તેમના મતે કામ ત્યારે જ સારું થાય છે જ્યારે તમે તેનું સન્માન કરો છો. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ હંમેશા શાંત અને નમ્ર રહેતા હતા. તે કંપનીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી અને સન્માનથી મળતા હતા, તેમની જરૂરિયાતોને સમજતા હતા અને દરેક શક્ય રીતે મદદ કરતા હતા. તેઓ કહેતા હતા કે, જો તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય, તો તે કામની શરૂઆત ભલે તમે એકલા હાથે કરી હોય, પરંતુ તેને ઉંચાઈ પર પહોંચાડવા માટે લોકોના સહયોગ જરૂરી છે. લોકોના સાથે મળીને જ આપણે આગળ વધી શકીએ છીએ.
રતન ટાટાને પ્રાણીઓ અને ખાસ કરીને રખડતા કૂતરા ખૂબ જ પસંદ હતા. તે ઘણી એનજીઓ અને એનિમલ શેલ્ટર્સને પણ દાન આપતા હતા. તેમનો ટ્રસ્ટ આર્થિક સંકટથી પીડાતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. આવા વિદ્યાર્થીઓએ જે.એન. ટાટા એન્ડોમેન્ટ, સર રતન ટાટા સ્કોલરશિપ અને ટાટા સ્કોલરશિપ દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે. રતન ટાટા ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા, પરંતુ તેમને ઘણી વસ્તુઓનો શોખ પણ હતો. જેમાં કાર ચલાવવી, પિયાનો વગાડવું, આ સાથે વિમાન ઉડાવવું પણ તેમની ફેવરિટ લિસ્ટમાં સૌથી ઉપર હતું. ટાટા સન્સમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કહ્યું હતું કે હવે હું મારા બાકીના જીવનમાં મારા શોખ પૂરા કરવા માંગુ છું. હવે હું માત્ર પિયાનો વગાડીશ અને વિમાન ઉડાવાનો મારો શોખ પૂરો કરીશ.
રતન ટાટાને ઘણા નોંધપાત્ર પુરસ્કારો અને સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી દ્વારા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના માનદ ડોક્ટર, ઉરુગ્વે સરકાર દ્વારા ઉરુગ્વે ઓરિએન્ટલ રિપબ્લિક મેડલ, કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કાયદાના માનદ ડોક્ટર, સિંગાપોર સરકાર દ્વારા માનદ નાગરિક પુરસ્કાર, બ્રિટનના રાણી એલિઝાબેથ (બીજા) દ્વારા ઓનરરી નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (KBE), ઇટાલિયન સરકાર દ્વારા ઇટાલિયન રિપબ્લિકના ઓર્ડર ઓફ મેરિટના ગ્રાન્ડ ઓફિસર, એશિયન એવોર્ડ્સ દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર, જાપાન સરકાર દ્વારા ગ્રાન્ડ કોર્ડન ઓફ ધ ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન, ફ્રાન્સ સરકાર દ્વારા લીજન ઓફ ઓનરના કમાન્ડર સહિતના અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.