ઉશ્કેરવાનું બંધ કરો નહીંતર પરમાણુ હુમલામાં વાર નહીં કરીએ
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉને કહ્યું હતું કે દક્ષિણ કોરિયા અને અમેરિકાએ સાથે મળીને ન્યુક્લિયર એક સ્ટ્રેટેજિક પ્લોમિંગ હાથ ધર્યું છે તેથી ઉત્તર કોરિયાએ પણ પરમાણુ ઉત્તર આપવા તૈયાર થવું જ પડશે. ઉત્તર કોરિયા તેની તમામ તાકાતથી દુશ્મનો પર તૂટી પડવા સક્ષમ તેમજ તૈયાર છે અને જરૂર પડશે તો પરમાણુ સસ્ત્રો પણ વાપરતાં અચકાશે નહીં જ.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ કરારો કર્યા છે. જેમાં અમેરિકાએ દક્ષિણ કોરિયાને પરમાણુ છત્ર પૂરૂ પાડવાની ખાતરી આપી છે. કારણ કે દક્ષિણ કોરિયા પાસે પરમાણુ શસ્ત્રો નથી. દક્ષિણ કોરિયાના પ્રમુખ યુન સુક યેમોલે કહ્યું હતું કે ઉત્તર કોરિયાના સરમુખત્યારે આ તબક્કે આપેલી ધમકી પાછળ મહત્ત્વનું કારણ અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી સમયે દુનિયાનું ધ્યાન તેઓની તરફ દોરવાનું હોઈ શકે.
અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે જ કીમ જોંગ ઉને તેનો ઘૂંઘવાટ કાઢ્યો હતો. જો કે પરમાણુ સસ્ત્ર વાપરવાની તેણે આપેલી ધમકી કોઈ નવી વાત નથી. વારંવાર અનેક વાર ઉને આ ધમકી ઉચાર્યા જ કરી છે પરંતુ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ટાણે જ તેણે આપેલી ધમકીની વિશ્વના મહત્વના દેશોએ સવિશેષ નોંધ લીધી છે. અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથે કરેલી આ પરમાણુ સમજૂતીથી ધૂંધવાઈ ઉઠેલા ઉને આવી ખુલ્લી ધમકી ઉચ્ચારી છે. નિરિક્ષકો કહે છે કે ઉનથી ચેતતા રહેવું જરૂરી છે. તે શું કરશે તે કરતાં શું નહીં કરે તેની ચિંતા છે.