વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં તથા આયોજકોનું ટેન્શન વધ્યું
નવલી નવરાત્રિના આડે હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પહેલાં ત્રણ નોરતામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે. વરસાદના કારણે ગરબા આયોજકોને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.
સામાન્ય રીતે ભાદરવા સાથે જ ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. પરંતુ આ વખતે 5 ઑક્ટોબર બાદ નૈૠત્યનું ચોમાસું વિદાય લેશે. વિદાય પહેલાં પણ મેઘરાજા હજુ એક વાર ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી 3થી 5 ઑક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. બુધવારથી જ રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ શરુ થઈ ગયો છે. જેના કારણે ગરબાના મેદાનો પાણીથી ભરાઈ ગયા છે.