મથુરા, પ્રયાગરાજના પ્રસિદ્ધ મંદિરોમાં બહારના પ્રસાદ પર પ્રતિબંધ, અયોધ્યામાં પણ તૈયારી

મથુરા, પ્રયાગરાજના પ્રસિદ્ધ મંદિરોમાં બહારના પ્રસાદ પર પ્રતિબંધ, અયોધ્યામાં પણ તૈયારી

તિરૂપતિ મંદિરના લાડવાના પ્રસાદમાં કથિત ભેળસેળ સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશના મંદિરોમાં એલર્ટ જોવા મળી રહ્યું છે. અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરાના મોટા મંદિરોની પ્રસાદ વ્યવસ્થા અને નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારીએ બહારની એજન્સીઓ પાસેથી પ્રસાદ લેવા પર પ્રતિબંધ લાદવાની માંગ કરી છે. મથુરા મંદિરે મિઠાઇના બદલે ફળ-ફૂલ અપનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રયાગરાજના ત્રણ મોટા મંદિરોમાં પણ પ્રસાદના નિયમોમાં ફેરફાર કર્યા છે. 

 

અયોધ્યામાં રાજ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે બહારની એજન્સી દ્વારા તૈયાર પ્રસાદ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તેમણે મંદિરના પ્રસાદમાં ઉપયોગ થનાર ઘીની શુદ્ધતા પર ચિંતા વ્યક્ત કરી અને આગ્રહ કર્યો કે તમામ પ્રસાદ મંદિરના પૂજારીઓની દેખરેખમાં તૈયાર કરવામાં આવે. 

સત્યેન્દ્ર દાસે દેશભરમાં વેચાતા તેલ અને ઘીની ગુણવત્તાની ગહન તપાસની જરરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે તિરૂપતિ બાલાજીના પ્રસાદમાં ચરબી અને ફિશ ઓઇલના કથિત ઉપયોગ પર વિવાદ આખા દેશમાં વધી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પ્રસાદમાં અયોગ્ય પદાર્થનું મિશ્રણ મંદિરોને અપવિત્ર કરવાનું એક આંતરરાષ્ટ્રીય કાવતરું છે. બીજી તરફ મથુરામાં ધર્મ રક્ષા સંઘે 'પ્રસાદમ' વ્યંજનોની પ્રાચીન શૈલી પર પરત ફરવાની પોતાની નિર્ણયની જાહેરાત કરી છે. એટલે કે મીઠાઇના બદલે ફળ-ફૂલ અને અન્ય પ્રાકૃતિક સામગ્રીઓથી બનેલો પ્રસાદ સામેલ કરવામાં આવશે. 

ધર્મ રક્ષા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સૌરભ ગૌડે પ્રસાદમ સિસ્ટમમાં મહત્વપૂર્ણ સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે ધર્મગુરૂઓ અને સંગઠનો વચ્ચે શુદ્ધ, સાત્વિક પ્રસાદમ ચઢાવવા અને સ્વિકાર કરવાની પારંપારિક પ્રથાઓ પર પરત ફરવા પર સહમતિ બની ગઇ છે. તો બીજી તરફ 'સંગમ' નગરી' પ્રયાગરાજમાં અલોપ શંકરી દેવી, મોટા હનુમાન અને મનકામેશ્વર સહિત ઘણા મંદિરોએ ભક્તોને પ્રસાદના રૂપમાં મીઠાઇ અને બહારથી તૈયાર અન્ય વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

લલિતા દેવી મંદિરના મુખ્ય પૂજારી શિવ મૂરત મિશ્રાએ કહ્યું કે મેનેજમેન્ટે ભક્તોને ફક્ત નારિયેળ, ફળ અને સુકા મેવા લાવવાનો અનુરોધ કરવાનો નિર્ણય લીધો છે. મનકામેશ્વર મંદિરના મંહંત શ્રીધરાનંદ બ્રહ્મચારીજીએ કહ્યું કે તપાસમાં જ્યાં સુધી મીઠાઇઓની શુદ્ધતા સ્પષ્ટ થઇ જતી નથી, ત્યાં સુધી તેમને મંદિરમાં ચઢાવવાની અનુમતિ આપવામાં આવશે નહી. અલોપ શંકરી દેવી મંદિરના મુખ્ય સંરક્ષક અને શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના સચિવ યમુના પુરી મહારાજે કહ્યું કે 'ભક્તોને બહારથી મીઠાઇ અને પ્રસાદ લાવવાની અનુમતિ આપવામાં આવશે નહી.