દિવાળી પહેલા ST કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કરાયો વધારો, એરિયર્સ પણ ચૂકવાશે
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી છે. હાલ ચૂકવાતાં ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવનાર એસ.ટી. નિગમના સર્વે કર્મચારીઓના જીવન ધોરણને વધુ સરળ અને સમૃદ્ધિમય બનાવવા ગુજરાત સરકાર નિરંતર પ્રયાસરત છે.
રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને વર્તમાન સમયમાં ચૂકવવામાં આવતાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. હવેથી 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતાં ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી કુલ 125 કરોડ રૂપિયાથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને મળશે.'