હિઝબુલ્લાહની ધમકી, ઈઝરાયલ સજા ભોગવવા તૈયાર રહે, ફરી એકવાર મધ્યપૂર્વના દેશોમાં તંગદિલી

હિઝબુલ્લાહની ધમકી, ઈઝરાયલ સજા ભોગવવા તૈયાર રહે, ફરી એકવાર મધ્યપૂર્વના દેશોમાં તંગદિલી

લેબેનોનમાં એક પછી એક અનેક પેજર બ્લાસ્ટની ઘટનાએ આખી દુનિયાને હચમચાવી મૂકી છે. આ રીતે હુમલો કરવાનો આરોપ ઈઝરાયલ પર લાગી રહ્યો છે જેણે તાઈવાની કંપનીની મદદથી આ ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા છે. કલાકો સુધી એક પછી એક વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 11 લોકો માર્યા ગયા છે જ્યારે 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાથી હડકંપ મચી ગયું છે. 

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર 200થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર હોવાને કારણે મૃત્યુઆંકમાં મોટો ઉછાળો નોંધાય તેવી શક્યતા છે. આ મામલે હિઝબુલ્લાહ લાલઘૂમ થઈ ગયો છે અને તેણે હવે ઈઝરાયલ સામે સીધી રીતે આંગળી ચીંધતા તેને સજા ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી છે. 

ઈરાન સમર્થિત હિઝબુલ્લાહની ધમકી 

ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હિઝબુલ્લાહ પણ હમાસના સમર્થનમાં ગાઝા માટે લડી રહ્યું છે ત્યારે ઈઝરાયલ દ્વારા તેને પણ અનેકવાર હુમલાની ચેતવણીઓ આપવામાં આવી હતી. હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયલ પર અનેકવાર ભીષણ રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા જેના જવાબરૂપે જ આ કાર્યવાહી કરાઈ હોવાનું મનાય છે.