બ્રુનેઇ, સિંગાપોર બાદ વડાપ્રધાન મોદી અમેરિકા મુલાકાતે જશે, ક્વૉડ સમિટમાં ભાગ લેશે

બ્રુનેઇ, સિંગાપોર બાદ વડાપ્રધાન મોદી અમેરિકા મુલાકાતે જશે, ક્વૉડ સમિટમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વૉડ  લીડર્સ સમિટમાં ભાગ લેવા 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જવાના છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે વિલમિંગ્ટનમાં ચોથી ક્વૉડ  લીડર્સ સમિટમાં ભાગ લેશે, 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધશે, જ્યારે 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 'સમિટ ઓફ ધ ફ્યુચર'માં સંબોધશે.

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ન્યૂયોર્કમાં કેટલીક અગ્રણી કંપનીઓના સીઇઓ સાથે પણ બેઠક કરશે, જેથી એઆઈ, ક્વાન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર વગેરે ક્ષેત્રોમાં વેપાર વધારી ભારતમાં ટેક્નોલોજી ક્ષેત્રે નવી તકો ઉભી કરી શકાય અને ભારત અને અમેરિકા વચ્ચે દ્વિ-પક્ષીય ભાગીદારી મજબૂત કરી શકાય. વિદેશ મંત્રાલયે પ્રધાનમંત્રીના આ ત્રણ દિવસના કાર્યક્રમની વિગતવાર વિગતો પણ જાહેર કરી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે "ક્વૉડ  સમિટમાં સભ્ય દેશો ગયા એક વર્ષમાં ક્વૉડ  દ્વારા પ્રાપ્ત કરેલી પ્રગતિની સમીક્ષા કરશે અને હિંદ-પ્રશાંત ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને અપેક્ષાઓને પૂર્ણ કરવામાં સહકાર આપવાના એજન્ડા પર ચર્ચા-વિચારણા કરશે. આ ઉપરાંત પીએમ મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધશે અને 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 'સમિટ ઓફ ધ ફ્યુચર'ને સંબોધશે.

વિદેશ મંત્રાલયે વડાપ્રધાનના આ પ્રવાસની જાહેરાત કરતાં કહ્યું કે, પીએમ મોદી 21 સપ્ટેમ્બરે ડેલાવેરના વિલમિંગ્ટનમાં ક્વૉડ  લીડર્સ સમિટની બેઠકમાં ભાગ લેશે, જેના આયોજનની યજમાની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કરશે. આ વર્ષે ક્વૉડ  શિખર બેઠકની યજમાની ભારત કરવાનું હતું, પરંતુ અમેરિકાની વિનંતી બાદ ભારત 2025 માં આગામી ક્વૉડ  શિખર બેઠકની યજમાની માટે સંમત થયું હતું.