આગામી લોકસભાની ચૂંટણી 543 નહીં પણ 750 બેઠકો પર થઇ શકે છે
લોકસભાની આગામી ચૂંટણી વધારાયેલી બેઠકો સાથે કરવામાં આવી શકે છે અને ૫૪૩ નહીં પણ ૭૫૦ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી શકે છે. ૨૦૦૨ના સિમાંકન કાયદામાં બેઠકો વધારવા માટે વર્ષ ૨૦૨૬ સુધી રોક લગાવાઇ છે. જે બાદ વસતી ગણતરીના આંકડાના આધારે સિમાંકન કરી શકાશે. નવા સિમાંકન બાદ લોકસભાની બેઠકો વધી શકે છે. જોકે તેને લઇને વિવાદ પણ થવાની શક્યતાઓ છે.
- 2027માં વસતી ગણતરી થાય તો 2029 પહેલા નવા સિમાંકનનો માર્ગ મોકળો થશે
જો વસતી ગણતરી વર્ષ ૨૦૨૭માં કરવામાં આવે તો તેના આંકડાના આધારે સિમાંકનની પ્રક્રિયામાં કોઇ અડચણ ઉભી નહીં થાય. વર્ષ ૨૦૨૧માં વસતી ગણતરી થવાની હતી, જોકે તે સમયે કોરોના મહામારીને કારણે આ પ્રક્રિયા અટકી પડી હતી. હવે વસતી ગણતરી વર્ષ ૨૦૨૭માં કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જેથી વર્ષ ૨૦૦૨ના સિમાંકન કાયદામાં સુધારા વગર જ ૨૦૨૯ પહેલા નવુ સિમાંકન કરવામાં આવી શકે છે. જેમાં લોકસભાની બેઠકોમાં વધારો થઇ શકે છે.
લોકસભાની બેઠકો વધાર્યા વગર જ વર્ષ ૨૦૦૨માં સિમાંકન કાયદામાં વસતી આધારિત સિમાંકનની જોગવાઇ કરવામાં આવી હતી. જેના આધારે બાદમાં વર્ષ ૨૦૦૮માં લોકસભાની બેઠકોનું સિમાંકન કરવામાં આવ્યું હતું. તે સમયે એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે હવે ૨૦૩૧માં વસતી ગણતરી બાદ જ નવુ સિમાંકન થશે, જોકે ૨૦૨૧માં વસતી ગણતરી નથી થઇ શકી જે હવે ૨૦૨૭માં હાથ ધરવામાં આવે તો વર્ષ ૨૦૩૧ સુધી રાહ નહીં જોવી પડે. વર્ષ ૨૦૨૯માં આગામી લોકસભાની ચૂંટણી યોજાઇ શકે છે, હાલ લોકસભામાં ૫૪૩ બેઠકો છે, જો નવુ સિમાંકન કરવામાં આવે તો બેઠકો વધીને ૭૫૦ થઇ શકે છે. જો સમાન વસતીના આધારે બેઠકો ફાળવવામાં આવે તો દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. જેનો દક્ષિણ ભારતના રાજ્યો વિરોધ કરી શકે છે.