કેનેડા જવાનું વિચારતા ભારતીયો આટલું ખાસ જાણી લેજો: બહારના લોકો માટે બદલાઈ રહ્યો છે માહોલ
કેનેડાની ઓળખ અન્ય દેશોના વસાહતીઓને નાગરીકતા અને રોજગાર આપતા દેશ તરીકે રહી છે. બીજા દેશના લોકો રોજગાર મેળવવા કેનેડા જતા હોય છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ હોય છે, પરંતુ હવે કેનેડા વિદેશી વસાહતીઓ માટે પડકારજનક દેશ બની ગયું છે. કેનેડામાં હવે વિદેશી લોકોને કામ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડામાં વર્તમાન સમયમાં બેરોજગારીનો દર ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે.
કેનેડાની રાષ્ટ્રીય એજેન્સીએ આ અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. જે મુજબ, દેશમાં ઓગસ્ટ મહિનામાં કામ કરી શકે તેવા લોકોની સંખ્યામાં 96 હજારથી વધુની વૃદ્ધિ થઇ છે. દેશના લેબર ફોર્સમાં 82 હજારથી વધુ લોકો જોડાયા છે, જેની સામે માત્ર 22 હજાર લોકોને રોજગાર મળ્યું છે. કેનેડામાં ઘટી રહેલી નોકરીઓ વચ્ચે દેશમાં બેરોજગારી વધી રહી છે. દેશમાં હાલ દર છ કામદાર પર એક નોકરી ઉત્પન્ન થઇ રહી છે. જે પાછલા વર્ષની તુલનામાં બહુ ચિંતાજનક ઘટાડો છે.
પાછલા વર્ષે કેનેડાની વસતી 3.2 ટકા વધી હતી, જેમાં વિદેશી વિદ્યાર્થીઓ અને અસ્થાયી શ્રમિકોની મહત્ત્વની ભૂમિકા હતી. આ સતત બીજો વર્ષ છે જ્યારે કેનેડામાં દસ લાખથી વધુ વિદેશી લોકો રોજગાર મેળવવા કે અભ્યાસ કરવા આવ્યા હોય. કેનેડામાં સતત વધતી વસતીએ રહેઠાણ અને બેરોજગારીની સમસ્યા સર્જી છે, જે પછી વસાહતીઓની સંખ્યા ઘટાડવા સરકારે કેટલાક મોટા પગલાં લેવા પડ્યા હતા. આ વર્ષના ઓગસ્ટ મહિનામાં પાછલા પાંચ વર્ષોમાં કેનેડા આવેલા વસાહતીઓનો બેરોજગારી દર 12.3 ટકા હતું, જે પાછલા 10 વર્ષમાં સૌથી વધુ છે.