GSTમાં મોટી રાહત: સસ્તી થશે કેન્સરની દવા અને ચવાણું, હેલ્થ ઈન્શ્યૉરન્સ પર પણ લેવાયો મોટો નિર્ણય

GSTમાં મોટી રાહત: સસ્તી થશે કેન્સરની દવા અને ચવાણું, હેલ્થ ઈન્શ્યૉરન્સ પર પણ લેવાયો મોટો નિર્ણય

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની 54મી બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું છે કે, કેન્સરની દવા અને ચવાણું (નમકીન) પર જીએસટી દર ઘટાડી ભાવ ઘટાડવામાં આવ્યા છે. આ ઉપરાંત હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રિમિયમ, વિદેશી એરલાઇન્સ અને ધાર્મિક યાત્રા કરતાં લોકોને પણ મોટી રાહત આપવામાં આવી છે. 

જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચવાણું (નમકીન) અને કેન્સરની દવા પર ટેક્સ ઘટાડી મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે કેન્સરની દવા પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી પાંચ ટકા અને ચવાણાં પર જીએસટી દર 18 ટકાથી ઘટાડી 12 ટકા કર્યો છે.

GST કાઉન્સિલની બેઠકમાં હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતાં GST દરને ઘટાડવા પર વ્યાપક રૂપથી સહમતી બની ગઈ છે. જોકે હજુ સુધી અંતિમ નિર્ણય લઈ શકાયો નથી. હવે નવેમ્બર મહિનામાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક નેતાઓએ પ્રીમિયમ પર લાગતાં ટેક્સને ઘટાડવાની માંગ કરી હતી. 

આ બેઠકમાં ધાર્મિક યાત્રા કરતાં લોકોને પણ રાહત આપવામાં આવી છે. ધાર્મિક યાત્રામાં હેલિકોપ્ટરથી દર્શન કરવા પર 18 ટકા GST લાગતો હતો જે ઘટાડીને હવે પાંચ ટકા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે કેદારનાથ બદ્રીનાથ સહિતના અનેક મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે પગપાળાની જગ્યાએ હેલિકોપ્ટરથી દર્શન કરવા જવાનું પસંદ કરે છે.