ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: IMDનું ઍલર્ટ
ગુજરાત સહિત દેશભરના ઘણાં રાજ્યોમાં વરસાદની સ્થિતિ યથાવત્ છે અને આજે પણ અનેક સ્થળોએ સામાન્યથી અતિભારે વરસાદ પડ્યો છે, ત્યારે હવામાન વિભાગે (IMD) 15 રાજ્યોમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
- આઇએમડીએ રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આવતીકાલે છ સપ્ટેમ્બરે ભારે વરસાદની ચેતવણી આપી ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ સામાન્ય વરસાદથી લઈને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે રાષ્ટ્રીય રાજધાનીમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. રાજધાનીમાં નવમી સપ્ટેમ્બર સુધી વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા છે.
- ઉત્તરાખંડમાં છ સપ્ટેમ્બરે અને રાજસ્થાનના જુદાં જુદાં વિસ્તારોમાં સાત સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં છ સપ્ટેમ્બરે, ઉત્તરાખંડમાં સાતમી સપ્ટેમ્બર સુધી અને રાજસ્થાનમાં નવમી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.
- નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 11 સપ્ટેમ્બરે, આસામ, મેઘાલય, ઓડિશામાં સાતમી સપ્ટેમ્બરે અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
- ગુજરાતની વાત કરીએ તો સાતમી અને આઠમી સપ્ટેમ્બરે રાજ્યના અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ, જ્યારે નવમી સપ્ટેમ્બરે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.