ચાઇનીઝ માલ-સામાનની બેફામ આયાતને કારણે ભારતીય ઉદ્યોગો ત્રસ્ત, છતાં કેન્દ્ર સરકારનું ભેદી મૌન

ચાઇનીઝ માલ-સામાનની બેફામ આયાતને કારણે ભારતીય ઉદ્યોગો ત્રસ્ત, છતાં કેન્દ્ર સરકારનું ભેદી મૌન

કોંગ્રેસે કેન્દ્ર સરકારના આત્મનિર્ભરતાના દાવાઓનો છેદ ઉડાડતા  કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું હતું કે ચીનની નિરંકુશ આયાતના લીધે ભારતીય ઉદ્યોગો ત્રસ્ત છે તો કેન્દ્ર સરકાર આત્મનિર્ભરતાના ગાણા ગાવવામાં મસ્ત છે. આ મુદ્દે કેન્દ્રનું ભેદી મૌન ચીનની આયાત જેટલું જ ભયજનક છે. સરકાર આયાતોને અંકુશમાં લાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. 

જીટીઆરઆઈએના રિપોર્ટમાં ટિપ્પણી કરવામાં આવી છે કે ચીનમાંથી છત્રીઓ અને મ્યુઝિકલ આઇટેમોની આયાતના લીધે ભારતના ઉદ્યોગોને ગ્રહણ લાગી રહ્યુ છે. તેમા પણ ખાસ કરીને ભારતના મધ્યમ ઉદ્યોગો પર વધુ અસર પડી રહી છે. દિવસ વીતવાની સાથે કથિત આત્મનિર્ભર ભારતના ચાઇનીઝ આયાત પર વધતાં જતા અવલંબનને લઈને નવાનવા સમાચાર આવી રહ્યા છે.આજે અમને જાણવા મળ્યું છે કે ભારતમાં ઉપયોગમાં લેવાતી ૯૬ ટકા છત્રીઓની આયાત ચીનથી થાય છે અને ભારતમાં વેચાતા ૫૦ ટકાથી વધુ મ્યુઝિકલ ઇન્સ્ટુરમેન્ટ્સ ચીનમાં બનેલા છે.

ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવી મહત્ત્વની ઇન્ડસ્ટ્રીઝમાં ભારતમાંથી ચીનની આયાત ૨૦૧૬-૧૭ના ૧.૪ અબજ ડોલરથી નવ ગણી વધીને ૨૦૨૩-૨૪માં ૧૨.૧ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. ભારતના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ અને ડ્રગ કમ્પોનન્ટ્સની આયાત આ સમયગાળઆ દરમિયાન ૧.૬ અબજ ડોલરથી વધીને ૩.૩ અબજ ડોલર થઈ ગઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.

સમગ્ર વિશ્વની સરકારો નિરંકુશ ચીની આયાતને અંકુશમાં લેવા તેના પરના દરો વધારી રહી છે અને એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ કરી રહી છે ત્યારે ભારતીય અર્થતંત્રમાં તેનાથી વિપરીત ચીન પરનું અવલંબન વધી રહ્યુ છે. ચીન પર વધુ પડતો મદ્દાર રાખવાના બદલે વિશ્વની સરકારો  ડીકપલિંગની થિયરી અપનાવી રહી છે અને ચીન પરનું અવલંબન બને તેટલું ઘટાડવા પ્રયત્નશીલ છે. તેની સામે ભારત સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના ડર છતાં ટિકટોક જેવી ચાઇનીઝ એપ જેવા છૂટાછવાયા પગલાં લઈને સંતોષ માની રહી છે. 

તેમણે જણાવ્યું હતું કે ચીનની આયાતના લીધે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૩ ભારતીય સ્ટીલ ઉદ્યોગના ૩૦થી ૩૫ ટકા એમએસએમઇ બંધ થઈ ગયા હતા. આ બધા પીએમના જ ગૃહરાજ્ય ગુજરાતના હતા. તે નોંધનીય છે કે ગુજરાત દેશના એમએસએમઇ સેક્ટરમાં ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. ફક્ત સ્ટીલ જ નહી સ્થાનિક ઉદ્યોગ પણ તેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. ભારતનો ઉત્પાદન આધાર જીડીપીના પ્રમાણમાં સંકોચાઈ રહ્યો છે. તે છેલ્લા દાયકામાં ૧૬.૫ ટકાથી ઘટીને ૧૪.૫ ટકા થયો છે.