આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ 2024 - ગુજરાતના સ્કાયસ્ક્રેપર પ્રોજેક્ટ્સમાં ઉછાળો: 30 નવી ગગનચુંબી ઈમારતોને મંજૂરી મળી
ગગનચુંબી ઇમારતો અને તેમનું આકર્ષક સ્થાપત્ય વિકાસનું મહત્વનું પરિમાણ છે અને તેને ધ્યાનમાં રાખીને દર વર્ષે 3જી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત માટે આ દિવસ ખૂબ મહત્વનો છે કેમ કે, તાજેતરના વર્ષોમાં રાજ્ય અનેક ગગનચુંબી ઇમારતો બનાવીને અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્કાયસ્ક્રેપર બિલ્ડીંગ્સના નિર્માણની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે, જે તેના ઝડપી શહેરી વિકાસ અને આર્કિટેક્ચરલ ઇનોવેશનનો પુરાવો છે.
વર્ષ 2017 સુધી ગુજરાતમાં ઈમારતો માટે મહત્તમ 70 મીટરની ઊંચાઈ માન્ય હતી. શહેરી વિસ્તરણની જરૂરિયાત અને વર્ટિકલ ગ્રોથની સંભાવનાને ઓળખીને રાજ્ય સરકારે 100 મીટરથી વધુ ઊંચી, આઇકોનિક બિલ્ડિંગોના નિર્માણને પ્રોત્સાહન આપતા નિયમોમાં સુધારો કરવા માટે સક્રિય પગલાં લીધા હતા. 27 મે, 2021ના રોજ જાહેર થયેલા આ નવા નિયમોએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં ગગનચુંબી ઇમારતોના વિકાસ માટે માર્ગ મોકળો કર્યો છે.
સરકારના નવા નિયમો 5.4ના મહત્તમ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) સાથે હાઈ-રાઈઝ બિલ્ડિંગોને મંજૂરી આપે છે. બેઝ FSI કરતાં વધી ગયેલી પ્રીમિયમ FSI રેડી રેકનર રેટના 50% પર ઉપલબ્ધ છે, જે ડેવલપર્સને વર્ટિકલ ગ્રોથમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ નિયમો અમલમાં આવ્યા બાદ અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 ગગનચુંબી ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતના ફાઇનાન્શિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં પહેલેથી જ બે ગગનચુંબી ઇમારતોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને અન્ય 10 ઇમારતોનું બાંધકામ થઈ રહ્યું છે.
ગુજરાતમાં વર્ટિકલ ડેવલપમેન્ટના કારણે નોંધપાત્ર આવક ઊભી કરવામાં સફળતા મળી છે, જેમાં સ્થાનિક સંસ્થાઓને પ્રીમિયમ FSI દ્વારા આશરે ₹1000 કરોડની આવક ઊભી થઈ છે. દિવાળી પહેલાં આવા અનેક પ્રોજેક્ટ પૂર્ણ થવાની ધારણા છે, જે રાજ્યના શહેરી લેન્ડસ્કેપને વધુ સુંદર બનાવશે.
આ ઇમારતો ઊંચાઈના નવા રેકોર્ડ તો તોડી જ રહી છે, સાથે ટેરેસ લેવલ પર મિવાન ફોર્મવર્ક, શીયર વૉલ અને સ્કાયવૉક્સ જેવી અદ્યતન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો પણ સમાવેશ કરી રહી છે. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની જોગવાઈ એ સુનિશ્ચિત કરે છે કે આ તમામ ડેવલપમેન્ટ્સ ભવિષ્યમાં આવનારા પરિવર્તન માટે પણ સજ્જ છે.
ઊંચા બિલ્ડીંગોના નિર્માણ માટેના પ્રોજેક્ટ્સની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવા માટે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરે સ્પેશિયલ ટેક્નિકલ કમિટી (STC) નું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીમાં સોઇલ મિકેનિક્સ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને ફાયર સર્વિસીસના નિષ્ણાતોનો સમાવેશ થાય છે, જેઓ સુનિશ્ચિત કરે છે કે સલામતી એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોય.
આમાંની ઘણી ગગનચુંબી ઇમારતોને ગ્રીન બિલ્ડીંગ્સ તરીકે રેટ કરવામાં આવી છે, જે ટકાઉ શહેરી વિકાસમાં ફાળો આપે છે અને નવા બાંધકામની પર્યાવરણીય અસરોને ઘટાડે છે. ગુજરાતની સ્કાયલાઇનમાં આવેલું પરિવર્તન અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે જેવા મુખ્ય રોડ ઉપર સ્પષ્ટપણે પ્રદર્શિત થાય છે, જ્યાં કમર્શિયલ સ્પેસ ડેવલપમેન્ટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હવે જ્યારે, ઉચ્ચ FSI ઉપલબ્ધ છે, ત્યારે આ વિસ્તાર સ્કાયસ્ક્રેપર્સ એટલે કે ગગનચુંબી ઇમારતોનું હબ બનવા માટે સજ્જ છે, જે જમીનના કાર્યક્ષમ ઉપયોગ અને ટકાઉ શહેરી વિકાસ માટેની રાજ્યની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
વિશ્વ આજે જ્યારે સ્કાયસ્ક્રેપર ડેની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાત પ્રગતિ, નવીનીકરણ અને ભવિષ્યના વિઝન માટેના પ્રતીક તરીકે ઊભું છે. રાજ્યમાં થઈ રહેલા નવા વર્ટિકલ ડેવલપમેન્ટ્સ માત્ર રહેણાંક અને વ્યાપારી જગ્યાની વધતી જતી માંગને જ નથી સંબોધતા, પરંતુ, તેના સ્થાપત્ય વારસામાં એક નવો અધ્યાય લખવા માટેનું મંચ પણ તૈયાર કરી
રહ્યા છે.