મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા ‘અમૃતકાળમાં કૃષિ પેદાશોની પ્રક્રિયા અને મૂલ્યવર્ધન’ અંગે સેમિનાર યોજાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘બેક ટુ બેઝિક’ મંત્ર આપીને દેશના વિકાસને નવી દિશા આપી છે. આ દિશામાં જ આગળ વધીને આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સાકાર કરવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શાંતિપુરા, અમદાવાદ ખાતે ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા આયોજિત ‘અમૃતકાળમાં કૃષિ પેદાશોની પ્રક્રિયા અને મૂલ્યવર્ધન’ અંગેના સેમિનારમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં જમીનના સ્વાસ્થ્ય અને તેના પોષક તત્વો ઉપર રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ દ્વારા થતી વિપરીત અસરોના પરિણામે જમીન તેના કુદરતી પોષકતત્વો ગુમાવી રહી છે.
આ સમસ્યાના સમાધાન અંગે તેમણે કહ્યું હતું કે, ભાવિ પેઢીને પોષણયુક્ત આહાર આપવા માટે સારી ગુણવત્તાવાળો પાક પેદા કરી શકે તેવી પોષક તત્વોથી ભરપૂર જમીન ખૂબ જરૂરી છે. તેમણે જમીનના પોષણને સુધારવાના ઉપાય તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ઉત્તમ સમાધાન ગણાવ્યું હતું. આ તકે તેમણે ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો. ઉત્તમ જમીન સ્વાસ્થ્યની સાથે ખેડૂતોને સારી આવક મળી રહે તેનું સમાધાન પણ પ્રાકૃતિક ખેતીમાં નિહિત છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વૉર્મિંગના પડકારોને પહોંચી વળવાના ‘બેક ટુ બેઝિક’નો મંત્ર આપ્યો છે. આ મંત્ર અંતર્ગત અનેક ઉપાયોનો અમલ કરીને વિકાસનો નવો રાહ ચિંધ્યો છે. આદિકાળથી ઊર્જાના સ્ત્રોત સૂર્યનો ઉપયોગ કરીને ગ્રીન ઊર્જા મેળવવા માટે તેમણે ‘ગ્રીન ગ્રોથ’ની સંકલ્પના આપી છે. એટલું જ નહિ, જળસંચય માટે દરેક જિલ્લાઓમાં અમૃત સરોવરોના નિર્માણથી જળસ્તર ઊંચા લાવવાની પ્રેરણા પણ વડાપ્રધાનશ્રીએ આપી છે.
‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા દેશવ્યાપી શરૂ કરાયેલું આ અભિયાન પણ ગ્લોબલ વૉર્મિંગમાંથી બહાર નીકળવાનો જ એક પ્રયાસ છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવી, ઉછેરી અને માવજત કરશે તો એ જ વૃક્ષ આપણને ગ્લોબલ વૉર્મિંગમાંથી તારશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ભાવિ પેઢી માટે પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કરવા સકારાત્મક અભિગમ અને સહિયારા પ્રયાસોથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે આ સેમિનારમાં ઉપસ્થિત તમામ કૃષિ યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓને પ્રાકૃતિક ખેતી અંગે વધુ ગહન સંશોધનને વેગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળના ખજાનચી ડૉ. કે. જી. મહેતાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. તદુપરાંત કૃષિક્ષેત્રે વિશેષ અભ્યાસ, સંશોધન અને પ્રયોગોમાં વિશિષ્ટ યોગદાન બદલ ખેડૂતો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે કૃષિ વિજ્ઞાન મંડળના પ્રમુખ શ્રી એ. આર. પાઠક, સરદારધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, બંસી ગૌશાળાના સંચાલક શ્રી ગોપાલભાઈ સુતરિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી.ચોવટીયા, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એન. એમ. કેલાવાલા, નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી-આણંદના કુલપતિ શ્રી સી. કે. ટીંબડિયા તેમજ રાજ્યભરના કૃષિ વિજ્ઞાન મંડળના હોદ્દેદારો, સભ્યો અને ખેડૂતો હાજર રહ્યા હતા.