ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં પાણીની પુષ્કળ આવક

ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં પાણીની પુષ્કળ આવક

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક નદીઓમાં સતત બીજા દિવસે પણ પાણીની આવક જોવા મળે છે. વરસાદને કારણે જળાશયની સપાટીમાં આંશિક વધારો નોંધાયો છે. સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

વાત્રક ડેમમાં સાડા ચારસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. શામળાજીના મેશ્વો ડેમમાં સાડા ત્રણસો ક્યુસેક પાણીની આવક થઈ હતી.હાથમતી જળાશયમા ત્રણસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ગુહાઈ ડેમમાં અઢીસો ક્યુસેક પાણીની આવક થઈ છે. આ તરફ પોલો ફોરેસ્ટમાં આવેલા હરણાવ ડેમમાં અઢીસો ક્યુસેક પાણીની આવક થઈ છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની ધરખમ આવક થઈ છે. ઉકાઈ ડેમમાં 2લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. તાપી નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. તાપી નદીની આસપાસના ગામોમાં અલર્ટ અપાયુ છે.  હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 102.13 મીટર પહોંચી છે.