કીવમાં મહાત્માજીની પ્રતિમાએ શ્રદ્ધાંજલિ અર્પવા ગયેલા મોદી ફરતી અભેદ્ય સુરક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાત પૂર્વે જ યુક્રેનમાં રહેતા ભારતવંશીઓને ભારત પ્રત્યે યુક્રેનમાં પ્રસરી રહેલી નફરતથી આપણા દૂતાવાસને જાણ કરી દેતાં, તેઓની મુલાકાત સમયે સ્પેશ્યલ પ્રોટેકશન ગુ્રપ પૂર્ણત: તૈનાત થઈ ગયું હતું. વિશેષત: મોદી અહીંના પીસ-પાર્કમાં રહેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા ઉપર પુષ્પાંજલી અર્પવા જવાના હતા ત્યારે તેઓ ઉપર સ્નાઈપર એટેક થવાની પૂરી સંભાવના જોઈ આ એસ.પી.જી.ના વડા આલોક શર્માનાં નેતૃત્વ નીચે ૬૦ જેટલા જવાનોએ વડાપ્રધાન મોદી ફરતું બુલેટ રેઝિસ્ટિંગ શીલ્ડ સાથે સુરક્ષા કવચ રહી દીધું હતું.
ભારતની રશિયા સાથેની દાયકાઓ જૂની મૈત્રી અને નરેન્દ્ર મોદીની રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથેની નિકટતાને લીધે યુક્રેનની જનતામાં અને સરકારમાં ભારત પ્રત્યે તેમજ વિશેષત: નરેન્દ્ર મોદી પ્રત્યે વ્યાપેલી નફરતને લીધે તેઓ જ્યારે 'ઓએસીસી ઓફ પીસ પાર્કમાં' રહેલી મહાત્માજીની પ્રતિમા પર શ્રધ્ધાંજલિ અર્પવા જવાના હતા, ત્યારે તેઓ ઉપર ગમે ત્યાંથી સાઈબર હુમલો થવાની શક્યતાને અનુલક્ષી તે જવાનોએ વડાપ્રધાન ફરતું અભેધ સુરક્ષા કવચ રચ્યું હતું.
પ્રમુખ ઝેલેન્સ્કી સાથેની મંત્રણા દરમિયાન મોદીએ તેમ કહ્યું હોવાનું કહેવાય છે કે તમો માનો છો કે ભારત પક્ષપાતી છે. અમે પક્ષપાતી છીએ જ અમો શાંતિના પક્ષપાતી છીએ. ભારત હંમેશાં કહેતું જ આવ્યું છે કે કોઈપણ વિવાદનો ઉકેલ યુદ્ધ હોઈ શકે જ નહીં, હું તો બુદ્ધ અને ગાંધીની ભૂમિમાંથી આવ્યો છું. શાંતિનો સંદેશો લઈને આવ્યો છું. જોકે મોદી ૭ કલાકની મુલાકાત પછી બુલેટપ્રુફ ટ્રેનમાં પોલેન્ડ જવા રવાના થયા ત્યારે જ એસપીજીએ શાંતિનો શ્વાસ લીધો.