આજે શીતળા સાતમ ૫ર્વે માતાજીના દર્શનાર્થે ઉમટશે હજારો શ્રધ્ધાળુઓ
ગોહિલવાડમાં શ્રાવણી પર્વમાળા અંતગર્ત શનિવારે પરંપરાગત રીતે રાંધણ છઠ્ઠ ઉજવાઈ હતી. આવતીકાલે રવિવારે શીતળા સાતમના પર્વ માટે ટાઢુ ભોજન બનાવવાની વર્ષોજુની ધાર્મિક માન્યતા અનુસાર ગૃહિણીઓ શનિવારે રસોઈકાર્યમાં વ્યસ્ત જણાઈ હતી. આવતી કાલે રવિવારે સવારથી શીતળા સાતમના પર્વે શહેરના ઘોઘા રોડ પરના શીતળા માતાજીના દર્શનાર્થે હજજારો ભાવિકો ઉમટી પડશે. આ સાથે માતાજીના સાનિધ્યમાં પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો ભરાશે.
શીતળા સાતમના પર્વે ઘરમાં ગરમ રસોઈ ન કરવાની અને ટાઢુ ખાવાની પૌરાણિક પરંપરાનુ પાલન કરવાનુું હોવાથી ભાવનગર શહેર અને જિલ્લામાં ગૃહિણીઓ શનિવારે બપોરથી મીઠાઈ અને ફરસાણની સાથે થેપલા, સુકી ભાજી, વડા, પુડલા, રાયતુ, ગાંઠીયા, ફાફડા, પુરી પત્તરવેલીયા તેમજ અન્ય મીઠાઈ અને ફરસાણ બનાવવાના કાર્યમાં વ્યસ્ત જણાઈ હતી.રસોઈકાર્ય સંપન્ન થયા બાદ મોડી સાંજે ચુલો પૂજન અર્ચન કરી ઠારી દેવામાં આવ્યો હતો. જયારે રસોઈકાર્યની કડાકૂટમાં પડવાના બદલે મીઠાઈ અને ફરસાણની દુકાનેથી રેડીમેડ ખાદ્ય સામગ્રીઓની ખરીદી માટે ભારે ભીડ જણાઈ હતી. આવતીકાલે તા.૨૫ ઓગસ્ટને રવિવારે શીતળા સાતમના પર્વ નિમીત્તે શહેરના ઘોઘા રોડ પરના ઐતિહાસિક શ્રધ્ધેય શીતળા માતાજીના મંદિરે પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો ભરાશે. જેમાં શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ ભાવિકો પરિવારજનો સાથે ઉમટી પડશે. અત્રે માર્ગની બંને બાજુ અસંખ્ય ખાણી પીણીના લારી ગલ્લાવાળાઓ, મનોરંજનના અનેકવિધ સાધનો, ફજેતફાળકાઓ, ગૃહ સુશોભન અને શણગાર માટેની અઢળક વેરાયટીઓના સ્ટોલ, રમકડાની લારીઓમાં સવારથી જ ભારે ભીડ જોવા મળશે. આ સાથે શીતળા માતાજીની ચૂંદડી, અબીલ, ગુલાલ, શ્રીફળ, નાગરવેલનું પાન,મીઠાઈ સહિતની ધૂમ ખરીદી થશે. ગોહિલવાડના શીતળા માતાજીના મંદિરોમાં રવિવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી માનવ મહેરામણ ઉમટતો હોય મીની મેળાવડા જેવો અનેરો માહોલ જોવા મળશે. શીતળા સાતમે ગૃહિણીઓમાં પરિવારજનોની સાથે પ્રાકૃતિક, ધાર્મિક અને પર્યટન સ્થળોએ વન ભોજનનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વડવામાં નાના રૂવાપરી માતાજીના સાનિધ્યમાં વિસામોધામ ખાતે સેવા મંડળ દ્વારા સાતમ આઠમના અવસરે ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગોને આવરી લેતું બકાસુર વધ નામક ઈલેકટ્રોનિકસ મુવીંગ દ્રશ્ય ખુલ્લુ રહેશે. જેમાં સુશોભિત સ્ટેજ ઉપર ઈકો સાઉન્ડ સિસ્ટમના સંગાથે ઐતિહાસિક દ્રશ્ય આબેહુબ ખડુ કરાશે. તા.૨૫ અને ૨૬ ના સાંજે ૫-૪૫ કલાકે આ દ્શ્ય ખુલ્લુ મુકાશે. અત્રે એ નોંધનીય છે કે, વડવા રૂવાપરી માતાજીના મંદિરના પ્રાંગણમાં ઈ.સ.૧૯૫૬ થી ૫૭ સુધી દેવ દેવીઓની રંગોળી દોરાતી હતી. બાદ સેવા મંડળ દ્વારા ઈ.સ.૧૯૬૪ થી આજ દિન સુધી દર વર્ષે વિવિધ મુવીંગ દ્રશ્યો રજુ કરાઈ રહ્યા છે જેને શહેરીજનોમાંથી સારો એવો પ્રતિસાદ સાંપડે છે.શહેરના વડવા ઉપરાંત શિવાજી સર્કલ સહિતના અનેક સ્થળોએ પણ મુવીંગ દ્રશ્યો ખુલ્લા મુકાશે.