બે દિગ્ગજ અભિનેત્રીનું 'ભાઈ'એ ટેન્શન વધાર્યું , બાઇક ચાલકને કાર વડે મારી ટક્કર, પોલીસે કરી ધરપકડ

બે દિગ્ગજ અભિનેત્રીનું 'ભાઈ'એ ટેન્શન વધાર્યું , બાઇક ચાલકને કાર વડે મારી ટક્કર, પોલીસે કરી ધરપકડ

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી એક્ટર સમ્રાટ મુખર્જીની કોલકાત્તામાં ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સવારે દક્ષિણ-પશ્ચિમ કોલકાત્તાના બેહાલા વિસ્તારમાં અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેની કાર કથિત રીતે બાઇક સાથે અથડાઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બેહાલાના વિદ્યાસાગર કોલોની નિવાસી 29 વર્ષીય બાઇક ચાલકને અકસ્માત બાદ શરુઆતમાં એમ. આર બંગુર હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ બાદમાં આગળની ટ્રીટમેન્ટ માટે તેને એસએસકેએમ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે સમ્રાટની તપાસ કરવામાં આવી રહી છે.

બાઇક ચાલકે ઘટના અંગે જણાવ્યું કે, હું રાત્રે લગભગ 12:30 વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રોન્ગ સાઇડથી તેજ રફ્તારથી આવી રહેલી કારે મને ટક્કર મારી દીધી, જેના કારણે હું બેહોશ થઈ ગયો. 

ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સમ્રાટ મુખર્જી બેહાલાથી ટોલીગંજ તરફ જઈ રહ્યો હતો અને અચાનક તેણે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો. જેના કારણે તેની કાર મોટરસાઇકલ સાથે અથડાઈ હતી. બાઇક સાથે અથડાયા બાદ તેની કાર નજીકના ઘર સાથે પણ અથડાઈ હતી, જેના કારણે ઘરની બાઉન્ડ્રી વોલ ડેમેજ થઈ ગઈ હતી. 

હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. બેહાલા પોલીસ સ્ટેશને સમ્રાટની કાર જપ્ત કરી લીધી છે. મંગળવારે 20 ઑગસ્ટે તેને કોલકાત્તાની અલીપોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને 23 ઑગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

સમ્રાટ કાજોલ, રાની મુખર્જી, તનિષા મુખર્જી અને બ્રહ્માસ્ત્ર ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીનો પિતરાઈ ભાઈ છે. તેણે રામ ઔર શ્યામ, ભાઈ ભાઈ, જંજીર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે 'તપેશ્યા', 'કાકા નંબર 1' અને 'આકાશ કુસુમ' જેવા બંગાળી ટીવી શોનો પણ હિસ્સો રહી ચૂક્યો છે.