ગુજરાત સહિત 16 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
ભારતીય હવામાન વિભાગે (IMD) ગુજરાત સહિત નવ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીના જણાવ્યા મુજબ ગુજરાત, રાજસ્થાન, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, કેરળ, આસામ અને મેઘાલયમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે ઍલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં 22થી 30 ઑગસ્ટ દરમિયાન અતિભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે આ સમયગાળામાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 21થી 26 ઑગસ્ટ દરમિયાન, ઉત્તરાખંડમાં 26 ઑગસ્ટ સુધીમાં, ઉત્તર પ્રદેશમાં 24 ઑગસ્ટ સુધી જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશમાં 26 ઑગસ્ટ સુધી, મહારાષ્ટ્રમાં 21-26 ઑગસ્ટ વચ્ચે, છત્તીસગઢમાં 24 ઑગસ્ટ સુધી, ગોવામાં 26 ઑગસ્ટ સુધી વરસાદ પડવાની સંભાવના છે.
