દુનિયામાં હિંદુઓ પર હુમલા 1000% વધ્યા:અમેરિકામાં ભારતીયો પર મોટાભાગના હુમલા થયા; પાકિસ્તાની જેહાદી ગેંગ યુકેમાં મંદિરો પર હુમલા કરે છે
દુનિયાભરમાં હિંદુઓ પર હુમલાની ઘટના વધી રહી છે. નફરતમાં પણ વધારો થઈ રહ્યો છે. અમેરિકાની સંસ્થા નેટવર્ક કન્ટેજિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં સામે આવ્યું છે કે હિંદુઓ વિરુદ્ધ નફરત અને હિંસાના કેસમાં 1000%નો વધારો થયો છે.
હિંદુ વિરોધી મીમ્સથી એજન્ડા બનાવવામાં આવી રહ્યો છે
અમેરિકન સંસ્થા નેટવર્ક કન્ટેજિયસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહ-સંસ્થાપક જોએલ ફિન્કેલસ્ટીને કહ્યું કે હિંદુ વિરોધી મીમ્સથી હિંદુ વિરોધી એજન્ડા બનાવી નફરત ફેલાવવમાં આવી રહી છે. શ્વેત અને કટ્ટરપંથી ઇસ્લામિક તત્વો વિશ્વભરમાં હુમલા અને નફરતનું વાતાવરણ ઉભું કરવામાં મોખરે છે.
છેલ્લા પાંચ વર્ષમાં ઘટનાઓ વધી
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન હિંદુઓ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ફિન્કેલસ્ટીન અનુસાર, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશોમાં હિંદુઓ પર હિંસા વધી છે. હિંદુ ફોબિયાનું ષડયંત્ર રચવામાં આવે છે.
અમેરિકામાં સૌથી વધારે હુમલા
અમેરિકન તપાસ એજન્સી FBIના અહેવાલ અનુસાર, અમેરિકામાં 2020માં ભારતવંશીય અમેરિકન લોકો પર હુમલામાં 500%નો વધારો થયો છે. તેમાંથી મોટાભાગના હિંદુ ધર્મના છે. બીજી તરફ ઉત્તર અમેરિકામાં હિંદુઓના સંગઠન COHNAના નિકુંજ ત્રિવેદીનું કહેવું છે કે, જે દેશમાં હિંદુ જઈને રહે છે, તે લોકો ત્યાંના વિકાસમાં યોગદાન આપે છે.
બ્રિટનમાં પાકિસ્તાની જેહાદી ગેંગ મંદિરોમાં હુમલા કરાવે છે
યુકેના લિસ્ટર અને બર્મિંગહામના સ્મેડેકમાં મંદિરો પર તાજેતરમાં થયેલા હુમલામાં પાકિસ્તાની જેહાદી ગેંગના સંચાલકો સામે આવ્યા છે. બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે પાકિસ્તાનનું જેહાદી આતંકવાદી નેટવર્ક બ્રિટનને યુરોપમાં જેહાદ ફેલાવવા લાગ્યું છે.
બ્રિટનના મદરેસામાં ચાલતા સુરક્ષિત આશ્રય ગૃહોમાં પાકિસ્તાનથી આતંકવાદીઓને લાવવામાં આવે છે અને રાખવામાં આવે છે.
30 વર્ષથી નેટવર્ક
બ્રિટનમાં 30 વર્ષ પહેલા પાકિસ્તાની આતંકવાદી મસૂદ અહઝરે જેહાદી નેટવર્ક બનાવ્યું હતું. 2005ના લંડન બોમ્બ ધડાકામાં અલ કાયદાનું નેટવર્ક સામેલ હતું. જેમાં 56 લોકોના મોત થયા હતા.
બ્રિટન જેલમાં બંધ કેદીઓમાં 18% મુસ્લિમ
બ્રિટનની સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર, બ્રિટનની લગભગ 7 કરોડની વસતિમાં 4% મુસ્લિમ છે, પરંતુ મુસ્લિમોનો ક્રાઈમ રેટ વધારે છે. બ્રિટનની જેલમાં કેદીઓમાંથી 18% મુસ્લિમ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ઈંગ્લેન્ડ અને વેલ્સની કુલ વસતિમાં 2% હિંદુ છે, પરંતુ જઘન્ય અપરાધ માટે કોઈ હિંદુ જેલમાં બંધ નથી.
બ્રિટનની વસતિ ગણતરીની રિપોર્ટ અનુસાર, લગભગ 14 લાખથી વધુ હિંદુ રહે છે. જ્યારે લગભગ 11 લાખ પાકિસ્તાની છે. બ્રિટનમાં રહેનારી કુલ મુસ્લિમ વસતિ લગભગ 28 લાખ છે.
10 હજારથી વધુ ગેરકાયદેસર રહેતા પાકિસ્તાનીને પાછા મોકલ્યા
બ્રિટને આ વર્ષે 10 હજારથી વધુ ગેરકાયદેસર વસવાટ કરતા પાકિસ્તાનીને પાછા ધકેલવામાં આવ્યા છે. લાંબા સમયથી બ્રિટન પાકિસ્તાન પર તેમને પરત લેવા દબાણ કરી રહ્યું હતું. ઓગસ્ટ 2022માં, યુકેના તત્કાલીન ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે કડક વલણ અપનાવ્યું હતું અને તેના પર કાર્યવાહી કરી હતી.
બ્રિટિશ ગુપ્તચર વિભાગ ત્યાં ગેરકાયદેસર વસવાટ કરતા પાકિસ્તાનીઓની શોધખોળ કરી રહ્યો છે. બ્રિટનમાં ગેરકાયદેસર રીતે આવતા પાકિસ્તાનીઓ અહીં રહેતા અફઘાનિસ્તાન, ઈરાક, સીરિયા, મોરોક્કો, અલ્જીરિયાના મુસ્લિમો સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે.