સેન્ચુરી:ગુજરાતમાં પેટ્રોલે ફરી સદી ફટકારી, પાંચ મહિના 23 દિવસ બાદ રૂપિયા 100ને પાર ગયું; સરકારે આપેલી રાહત અડધોઅડધ ધોવાઈ ગઈ

સેન્ચુરી:ગુજરાતમાં પેટ્રોલે ફરી સદી ફટકારી, પાંચ મહિના 23 દિવસ બાદ રૂપિયા 100ને પાર ગયું; સરકારે આપેલી રાહત અડધોઅડધ ધોવાઈ ગઈ

  • 22 એપ્રિલથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં રૂપિયા 5.57નો વધારો થયો
  • ગુજરાતમાં દૈનિક 2.50 કરોડ લિટર પેટ્રોલ-ડીઝલનું વેચાણ થાય છે
  • પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 22 માર્ચથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે પેટ્રોલના ભાવ ફરી રૂ. 100 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયા છે. ગુજરાતમાં પાંચ મહિના અને 23 દિવસ બાદ ફરી પેટ્રોલના કિંમતે સેન્ચુરી લેવલ ક્રોસ કર્યું છે. અગાઉ 7 ઓકટોબર 2021ના રોજ પેટ્રોલમાં રૂપિયા 100નો ભાવ થયો હતો. આજે પેટ્રોલમાં લિટર દીઠ 80 પૈસા અને ડીઝલમાં લિટર દીઠ 82 પૈસાનો વધારો થયો છે. ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હાલમાં થયેલા ભાવ વધારાના કારણે સરકારે જે રાહત આપી હતી તે અત્યારની સ્થિતિએ અડધી થઈ ગઈ છે.

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનું દૈનિક અઢી કરોડ લિટરનું વેચાણ
    ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી આવી નથી.

    ગુજરાતના ચાર મહાનગરમાં પેટ્રોલના ભાવ (રૂપિયામાં)

    તારીખ અમદાવાદ રાજકોટ સુરત વડોદરા
    22 માર્ચ 95.91 95.67 95.78 95.57
    23 માર્ચ 96.71 96.47 96.58 96.37
    24 માર્ચ 96.71 96.47 96.58 96.37
    25 માર્ચ 97.50 97.26 97.38 97.96
    26 માર્ચ 98.29 98.06 98.17 97.96
    27 માર્ચ 98.79 98.55 98.67 98.46
    28 માર્ચ 99.09 98.85 98.97 98.76
    29 માર્ચ 99.88 99.65 99.76 99.55
    30 માર્ચ 100.68 100.45 100.56 100.35

    ગુજરાતના ચાર મહાનગરમાં ડીઝલના ભાવ (રૂપિયામાં)

    તારીખ અમદાવાદ રાજકોટ સુરત વડોદરા
    22 માર્ચ 89.95 89.72 89.84 89.61
    23 માર્ચ 90.77 90.54 90.66 90.43
    24 માર્ચ 90.77 90.54 90.66 90.43
    25 માર્ચ 91.59 91.37 91.48 91.25
    26 માર્ચ 92.41 92.19 92.31 92.08
    27 માર્ચ 92.98 92.76 92.87 92.64
    28 માર્ચ 93.34 93.12 93.23 93
    29 માર્ચ 94.06 93.84 93.95 93.72
    30 માર્ચ 94.88 94.66 94.77 94.54

    પેટ્રોલમાં અત્યાર સુધીમાં રૂપિયા 5.57નો વધારો થયો
    22 માર્ચથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂપિયા 5.57નો વધારો થયો છે. તેવી જ રીતે ડીઝલમાં પણ રૂપિયા 5.77 જેટલો વધારો થયો છે. પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા પ્રમાણે જે રીતે ક્રૂડના ભાવની સ્થિતિ છે તેને જોતાં આગામી દિવસોમાં પણ ભાવ વધારો ચાલુ રહી શકે છે. ગુજરાતમાં 2 નવેમ્બર 2021ના રોજ રૂ. 106.63 પ્રતિ લિટરનો સર્વોચ્ચ ભાવ થયો હતો. આ લેવલ પણ ટૂંક સમયમાં જોવા મળી શકે છે.

    ક્રૂડમાં આવેલી તેજીને પગલે ભાવવધારો જરૂરી બન્યો
    રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના પગલે વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ બેરલદીઠ 118 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. બંને દેશ વચ્ચે હાલ તણાવ ઓછો થયો છે તેમ છતાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર આસપાસ ચાલી રહ્યા છે. આ બધાને પગલે પેટ્રોલ અને ડીઝાલમાં ભાવ વધારવા પડે એવી સ્થિતિ બની છે. ચૂંટણી હોવાને કારણે ચાર મહિના સુધી ભાવ વધ્યા નહોતા અને હવે જો ભાવ ન વધારવામાં આવે તો પેટ્રોલિયમ કંપનીઓને મોટી નુકસાની વેઠવી પડે તેમ છે.

    ઓઇલ કંપનીઓને રૂ. 19 હજાર કરોડનું નુકસાન
    મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસના રિપોર્ટ મુજબ, ભારતમાં ટોપ ફ્યૂલ રિટેલર્સ IOC, BPCL અને HPCLને નવેમ્બરથી માર્ચ વચ્ચે લગભગ 2.25 અબજ ડોલર (19 હજાર કરોડ રૂપિયા)ની રેવન્યુનું નુકસાન થયું છે. કંપનીએ ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો હોવા છતાં 4 નવેમ્બર, 2021થી 21 માર્ચ 2022 વચ્ચે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. નવેમ્બરમાં ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 80 ડોલર પ્રતિ બેરલ હતી, જે હવે વધીને 110 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

  • ( Source _ Divyabhaskar )