દિલ્હી હાઈકોર્ટની ટ્વિટરને ફટકાર:કહ્યું- જો ટ્રમ્પને બ્લોક કરી શકે છે તો હિન્દુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ પોસ્ટ કરનાર યુઝર્સને કેમ નહીં

દિલ્હી હાઈકોર્ટની ટ્વિટરને ફટકાર:કહ્યું- જો ટ્રમ્પને બ્લોક કરી શકે છે તો હિન્દુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ પોસ્ટ કરનાર યુઝર્સને કેમ નહીં

દિલ્હી હાઈકોર્ટે સોમવારે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનેને જોરદાર ફટકાર લગાડી છે. કોર્ટે પૂછ્યું જ્યારે તમે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કરી શકો છો, તો પછી હિન્દુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ આપત્તિજનક કન્ટેન્ટ પોસ્ટ કરનારના એકાઉન્ટ કેમ બ્લોક નથી કરતા? કોર્ટે કહ્યું કે તમારું વલણ જણાવે છે કે ટ્વિટર આવા સંવેદનશીલ મુદ્દાઓ પ્રત્યે કેટલું ગંભીર છે.

કોર્ટે ટ્વિટરને પૂછ્યું- આ મામલે શું કાર્યવાહી થઈ
કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંધી અને ન્યાયમૂર્તિ નવીન ચાવલાની બેંચ કાલી માતા પર કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી વિરૂદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કોર્ટે ટ્વિટરને પૂછ્યું કે તમે આ ટિપ્પણી કરનારના એકાઉન્ટ વિરૂદ્ધ શું કાર્યવાહી કરી છે.

હાઈકોર્ટે ટ્વિટર પાસે જવાબ માગ્યો
ટ્વિટર તરફથી હાજર વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ કહ્યું કે ટ્વિટરે આપત્તિજનક કન્ટેન્ટ હટાવી દીધું છે, સાથે જ આ મામલે FIR પણ દાખલ કરી છે. કોર્ટે કહ્યું કે ટ્વિટર આ પ્રકારના એકાઉન્ટને બ્લોક કેમ નથી કરતા. બેંચે ટ્વિટરને નિર્દેશ આપ્યા કે તેઓ કોઈ યુઝરના ખાતું સ્થાયી રીતે સસ્પેન્ડ કરવાને લઈને પોતાની નીતિની વ્યાખ્યા આપતા જવાબ દાખલ કરે.

કેન્દ્ર સરકારને કોર્ટે પૂછ્યો આ સવાલ
કોર્ટે કેન્દ્ર સરકારને પણ આ અંગે જવાબ આપવાના નિર્દેશ આપ્યા છે. બેંચે સરકારને પૂછ્યું કે શું સૂચના પ્રોદ્યોગિક અધિનિયમ અંતર્ગત આ પ્રકારના એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત છે? આ પોસ્ટ એથિસ્ટ રિપબ્લિક નામના ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવી હતી.

ગત વર્ષે દાખલ થઈ હતી અરજી
આદિત્ય સિંહ દેસવાલે ગત વર્ષે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. ઓક્ટોબર 2021માં થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટ્વિટર પર આપત્તિજનક કન્ટેન્ટ હટાવવાના નિર્દેશ આપ્યા હતા. કોર્ટે કહ્યું કે આ પ્રકારની પોસ્ટથી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.