યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય:મફત રાશન યોજના જૂન 2022 સુધી લંબાવી, રાજ્યના 15 કરોડ લોકોને થશે ફાયદો

યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય:મફત રાશન યોજના જૂન 2022 સુધી લંબાવી, રાજ્યના 15 કરોડ લોકોને થશે ફાયદો

 
  • ડેપ્યુટી સીએમએ કહ્યું- સરકારનું લક્ષ્ય ગરીબોની સેવા કરવાનું છે
  • ઉત્તરપ્રદેશના CM પદના શપથ લીધા બાદ યોગી આદિત્યનાથે લોક ભવનમાં કેબિનેટની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજી હતી. યોગીએ કહ્યું કે રાજ્યના 15 કરોડ લોકોના હિતમાં અમે મફત રાશન યોજનાને 3 મહિના એટલે કે જૂન 2022 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. યોગીએ કહ્યું કે અમારો આ નિર્ણય જનતાને સમર્પિત છે. કેબિનેટ બેઠક બાદ ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે કહ્યું કે સરકારનું લક્ષ્ય ગરીબોની સેવા કરવાનું છે. 15 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે.

    સંકલ્પ પત્ર પર ધ્યાન કેન્દ્રીત
    યોગી આદિત્યનાથે શુક્રવારે 52 સાથીઓ સાથે બીજી વખત ઉત્તરપ્રદેશના CM પદના શપથ લીધા હતા. 2 ડેપ્યુટી સીએમ સહિત 18 કેબિનેટ, 14 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 20 રાજ્ય મંત્રીઓ સાથે તેમનું કેબિનેટ તૈયાર થઈ ગયું છે. હવે આ કેબિનેટની સામે પક્ષના સંકલ્પ-પત્રના વચનો પૂરા કરવા અને યુપીને નંબર-1 બનાવવાના એજન્ડા પર કામ કરવાનો પડકાર છે.

  • આ પહેલા ગઈકાલે શપથગ્રહણ બાદ સાંજે 7 વાગે સીએમ યોગીએ લોક ભવનમાં કેબિનેટના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દરેકનો પરિચય પણ થયો હતો, સાથે સાથે મુખ્યમંત્રીએ કેબિનેટનાં મંત્રીઓને શાસનનો મંત્ર પણ આપ્યો હતો.
  • સતીશ મહાના વિધાનસભાના સ્પીકર બની શકે છે
    ભાજપના દિગ્ગજ નેતા અને કાનપુરના આઠમી વખત ધારાસભ્ય સતીશ મહાના યોગી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેબિનેટ મંત્રી હતા. આ વખતે પણ તેઓ ધારાસભ્ય બન્યા છે પરંતુ કેબિનેટમાં સ્થાન મળ્યું નથી એટલા માટે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સતીશ મહાનાને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવી શકે છે. ટુંક સમયમાં સતીશ મહાના સુનીલ બંસલ અને કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાને મળશે.
  • સીએમ યોગીએ મંત્રીઓને આપી સલાહ
    શુક્રવારે સાંજે 7 વાગ્યે શપથ લીધા પછી તરત જ, લોક ભવનમાં કેબિનેટ સાથેની બેઠકમાં સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું કે રાજકારણમાં આપણે પારદર્શિતા માટે આવ્યા છીએ. આ બીજી ઈનિંગમાં પણ એવું કોઈ કામ કરવાનું નથી કે જેનાથી સરકારની છબીને અસર થાય.

    સીએમએ કહ્યું કે મંત્રીઓનું કોઈ અંગત જીવન હોતું નથી. જ્યારે તમે જાહેર જીવનમાં હોવ છો, ત્યારે તમારી ભૂમિકા તમારા પરિવાર અને સમાજ બંને માટે અલગ-અલગ હોય છે. મુખ્યમંત્રીએ તેમના સ્ટાફની પસંદગીમાં સાવચેત રહેવાની પણ સલાહ આપી હતી. આ સાથે તમામ મંત્રીઓને યુપીને નંબર-1 બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.