રશિયા-યુક્રેન યુદ્ધ:PM મોદીએ મેક્રોન સહિત યુરોપિયન નેતાઓ સાથે વાત કરી, ભારતે ફૂડ પેકેટ્સ અને દવા રાહતરૂપે મોકલ્યાં

રશિયા-યુક્રેન યુદ્ધ:PM મોદીએ મેક્રોન સહિત યુરોપિયન નેતાઓ સાથે વાત કરી, ભારતે ફૂડ પેકેટ્સ અને દવા રાહતરૂપે મોકલ્યાં

 
  • વડાપ્રધાને યુદ્ધનો અંત લાવવાની અને વાતચીત કરવાની ફરી અપીલ કરી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન પર રશિયા હુમલાથી શરૂ થયેલી મુશ્કેલીઓ વિશે મંગળવારે ઘણા યુરોપીય નેતાઓ સાથે ચર્ચા કરી હતી અને આ દરમિયાન તેમણે યુક્રેનમાં ચાલતા યુદ્ધ અને ખરાબ થતી માનવની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી કહેવામાં આવ્યું છે કે મોદીએ ફોન પર આ નેતાઓ સાથે ચર્ચા કરી છે અને યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાની અને વાતચીત કરીને ઉકેલ લાવવાની ફરી અપીલ કરી છે.

    વડાપ્રધાને યુરોપીય નેતાઓ સાથે વાતચીત કરી

    રશિયન સેના તરફથી યુક્રેન પર હુમલા વધારવામાં આવ્યા પછી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રઝેજ ડુડા અને યુરોપીય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ સાથે વાતચીત કરી હતી. યુક્રેનમાં ચાલતા યુદ્ધ દરમિયાન મંગળવારે એક ભારતીય વિદ્યાર્થીનું પણ મોત થયું છે.

    પીએમઓના જણાવ્યા પ્રમાણે, મેક્રોન સાથેની ચર્ચા દરમિયાન મોદીએ કહ્યું હતું કે ભારત સ્વીકારે છે કે આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને દરેક દેશોની ક્ષેત્રીય એકતા તથા અંખડિતતા પ્રતિ સન્માન હાલની વિશ્વ વ્યવસ્થાને મજબૂતી આપે છે. વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચેની ચર્ચાને આવકારી છે અને આગળ પણ વાતચીતથી ઉકેલ લાવવાની ભલામણ કરી છે.

    આ ઉપરાંત વડાપ્રધાને પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રઝેજ ડુડા સાથે વાતચીત કરી હતી અને યુક્રેનથી ભારતીય નાગરિકોને મદદ કરવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વાતચીતમાં તેમણે યુક્રેનથી પોલેન્ડ સીમામાં પ્રવેશ કરવા માટે વિઝામાં ઢીલ આપવા માટે આભાર માન્યો હતો. મોદીએ ડુડાને જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોને યુક્રેનથી બહાર કાઢવામાં આવશે ત્યાં સુધી કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પોલેન્ડમાં જ અભિયાનની દેખરેખ કરશે.

    ભારતે ફૂડ પેકેટ્સ-દવા મોકલી
    ભારતે યુક્રેનમાં ફસાયેલા લોકોને પોલેન્ડના રસ્તેથી દવાઓ અને અન્ય રાહત સામગ્રીનો પહેલો જથ્થો મંગળવારે મોકલ્યો છે. ભારત દવા ઉપરાંત ફૂડ પેકેટ્સ પણ મોકલ્યાં છે. ANI તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયો પ્રમાણે, એરફોર્સ C-17 વિમાનથી મોકલામાં આવેલા સામાનમાં મગદાળ અને સિંગ ભૂજિયાનાં પેકેટ જોવા મળે છે.

  • મોદીએ યુરોપીય અધ્યક્ષ સાથે શું વાત કરી?
    યુરોપીય પરિષદના અધ્યક્ષ સાથેની વાતચીતમાં મોદીએ યુદ્ધ સમાપ્ત કરીને ફરી વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવાની વાત કરી છે. પીએમઓએ કહ્યું હતું કે વડાપ્રધાને એ વાત પર ભાર આપ્યો છે કે હાલની વિશ્વ વ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય કાયદા, યુએ ચાર્ટર અને દરેક દેશની ક્ષેત્રીય એકતા અને અખંડિતતાને મજબૂત આપવી જરૂરી છે. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતનું સ્વાગત કર્યું છે અને આગામી સમયમાં પણ પરિસ્થિતિને સરળ બનાવવાનો આગ્રહ રાખ્યો છે.