લક્ઝુરિયસ કારના કાર્ગો શિપમાં આગ:એટલાન્ટિક મહાસાગરમાં ફસાયું 3 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું વિશાળ જહાજ; એમાં પોર્શ, ઓડી જેવી 3,965 લક્ઝુરિયસ કાર છે
એટલાન્ટિક મહાસાગરમાં અઝોરેસ આયર્લેન્ડ નજીક બુધવારે બપોરે પનામા ફ્લેગ કોર્ગો શિપ ફેસિલિટી એસમાં ભીષણ આગ લાગી છે. જર્મનીથી અમેરિકા જઈ રહેલા આ જહાજમાં હજારો લક્ઝુરિયસ કાર છે, જ્યારે 22 ક્રૂ-સભ્યોને પોર્ટુગલના નૌકાદળે અને એરફોર્સની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામ લોકો સલામત છે.
નેવીનું કહેવું છે કે જહાજ પર નજર રાખવામાં આવી રહી છે. આગ હજુ પણ ચાલુ છે. જહાજને નજીકના બંદર પર લઈ જવાની યોજના બની રહી છે. પોર્ટુગલના અઝોરેસ ટાપુ પરનું એક બંદર નજીકમાં છે, પરંતુ ત્યાં જહાજ લઈ જવાનું શક્ય નથી, કારણ કે જહાજ ત્રણ ફૂટબોલ મેદાન જેટલું મોટું છે.
જહાજમાં 3,965 લક્ઝરી કાર
ફોક્સવેગનના યુએસ ઓપરેશન્સના એક ઈમેલથી જાણવા મળ્યું છે કે જહાજમાં 3,965 ફોક્સવેગન એજી કારો છે. જેમાં પોર્શ, ઓડી અને લેમ્બોર્ગિનીનો સમાવેશ થાય છે.
હ્યુસ્ટન પોર્ટ પર વાહનો મોકલવામાં આવી રહ્યાં છે
જહાજમાં 100થી વધુ GTI, Golf R અને ID.4 મોડલના વાહનોને ટેક્સાસના હ્યુસ્ટન પોર્ટ પર મોકલવામાં આવી રહ્યાં છે. આગ લાગવાને કારણે મોટું નુકસાન થવાની આશંકા છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ પહેલેથી જ ખોટમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આગને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે.
પોર્શની 1,100 કાર છે
પોર્શના પ્રવક્તા લ્યુક વાંડેજાંડેએ જણાવ્યું હતું કે કંપનીનો અંદાજ છે કે આગ લાગવાના સમયે તેની લગભગ 1,100 કાર જહાજમાં હતી. ઘટનાથી અસરગ્રસ્ત ગ્રાહકોનો ઓટોમોબાઈલ ડીલરો સંપર્ક કરી રહ્યા છે. બીજી તરફ, લેમ્બોર્ગિનીની યુએસ શાખાના પ્રવક્તાએ આ ઘટના અંગે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો છે.
ગ્રાહકોએ નિરાશા વ્યક્ત કરી
કેટલાક ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર નિરાશા વ્યક્ત કરી છે. એક ટ્વિટર યુઝરે જણાવ્યું છે કે તેમની કસ્ટમ સ્પેસિફિક પોર્શ બોકસ્ટર સ્પાઈડર કાર પણ શિપમાં છે, જેની કિંમત લગભગ 99,650 ડોલરથી શરૂ થાય છે.
2019માં પણ આવો અકસ્માત થયો હતો
2019માં ગ્રાન્ડ અમેરિકા જહાજમાં આગ લાગી હતી, જેને કારણે એ વાહનોની સાથે ડૂબી ગયું હતું. એ સમયે એ જહાજમાં ઓડી અને પોર્શ સહિત 2,000થી વધુ લક્ઝરી કાર હતી.