સુરક્ષા પરમો ધર્મ : ભારતમાં જ આ વિવાદ શા માટે; વિશ્વના આ દેશો હિજાબ અને બુરખાને ધર્મ સાથે નહીં, સુરક્ષા સાથે સાંકળી નિયંત્રણો ધરાવે છે, જાણો શા માટે

સુરક્ષા પરમો ધર્મ : ભારતમાં જ આ વિવાદ શા માટે; વિશ્વના આ દેશો હિજાબ અને બુરખાને ધર્મ સાથે નહીં, સુરક્ષા સાથે સાંકળી નિયંત્રણો ધરાવે છે, જાણો શા માટે

  • કેમરૂનમાં બુરખામાં આવેલી બે મહિલાએ આત્મઘાતી હુમલો કરતાં પ્રતિબંધ મુકાયો
  • શ્રીલંકામાં આતંકવાદી હુમલા બાદ પ્રતિબંધ મૂકવામાં આવ્યો
  • ચીનમાં ધાર્મિકતાને ઓળખ આપતા પોશાક સાથે શાળા- સરકારી કાર્યાલયોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે
  • હિજાબને લઈ કર્ણાટકમાં સતત વિવાદ વધી રહ્યો છે અને હવે આ વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. વિશ્વભરમાં ખાસ કરીને પાકિસ્તાન, તુર્કી સહિત અનેક દેશોને આ વિવાદને લઈ ભારતની ટીકા કરવાની તક મળી ગઈ છે. નોબલ પુરસ્કાર વિજેતા મલાલા અને નવાજ શરીફની દીકરી મરિયમ નવાજે પણ આ વિવાદમાં ઝંપલાવી દીધું છે. વિશ્વમાં એવા અનેક દેશો છે, જે પોતાની સુરક્ષા વ્યવસ્થા અને નાગરિકોના જીવનની રક્ષા માટે હિજાબ, બુરખા સહિત મોઢાને કવર કરતા પોશાક પર પ્રતિબંધ ધરાવે છે અથવા તો નિયંત્રણ ધરાવે છે.

    આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરવાના સંજોગોમાં દંડની પણ જોગવાઈ ધરાવે છે. ખાસ કરીને આતંકવાદીઓ આ પ્રકારના પોશાકનો ગેરલાભ ન લે તેમ જ સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખી આ દેશોએ પોતાને ત્યાં પ્રતિબંધ મૂકેલા છે. ફ્રાંસ, બેલ્જિયમ, નેધર્લેન્ડ, રશિયા સહિત અનેક દેશોમાં આ પ્રકારનાં નિયંત્રણો અમલી છે.

    શું છે હિજાબ, નકાબ અને બુરખો
    મુસ્લિમ ધર્મના પવિત્ર પુસ્તક કુરાનમાં હિજાબનો સંબંધ કપડાં સાથે નહીં, પડદા સાથે છે. પડદો કે જે મહિલાઓ અને પુરુષો વચ્ચે હોય છે. કુરાનમાં મુસ્લિમ પુરુષો અને મહિલાઓ બન્નેને શાલીન કપડાં પહેરવા કહેવામાં આવ્યું છે. હિજાબ અંતર્ગત મહિલાઓ અને પુરુષોને ઢીલાં અને આરામદાયક કપડાં પહેરવા કહેવામાં આવ્યું છે. આ સાથે પોતાનું માથું ઢાકવા કહેવામાં આવ્યું છે, જ્યારે નકાબનો ઉપયોગ મહિલા ચહેરાને ઢાકવા માટે કરે છે.

    શ્રીલંકામાં આતંકવાદી હુમલા બાદ પ્રતિબંધ
    શ્રીલંકામાં એપ્રિલ, 2021માં કેબિનેટે જાહેર સ્થળો પર મોં ઢાંકવા સહિત બુરખા પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. આ અંગે અમેરિકાના નિષ્ણાતોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘ કરવાનો આરોપ મૂકેલો, જેને આ નાના એવા દેશે નજરઅંદાજ કરી દીધેલા અને પોતાના દેશના નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્યતા આપવાની વાત કહી હતી.

    અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ધાર્મિક પોશાકનો દુરુપયોગ કરી આતંકવાદીઓએ ઈસ્ટર સનડે આત્મઘાતી હુમલો કરતાં 260થી વધારે નિર્દોષ નાગરિકોનાં મોત થયાં હતાં, જેને પગલે સરકારે આ પ્રકારનાં નિયંત્રણો લાદવાની શરૂઆત કરેલી.

    કેમરૂનમાં બુરખામાં આવેલી બે મહિલાએ આત્મઘાતી હુમલો કરતાં 13 લોકો માર્યા ગયેલા
    વર્ષ 2015માં કેમરૂનમાં ફોટોકોલ શહેરમાં બે મહિલા ધાર્મિક પોશાકમાં આવી આત્મઘાતી હુમલો કરતાં 13 નિર્દોષ નાગરિકનાં મોત થયાં હતાં. આ ઉપરાંત બોકો હરામ નામના આતંકવાદી સંગઠને પણ ચાડ દેશમાં બુરખા અને હિજાબનો દુરુપયોગ કરી આતંકવાદી હુમલો કર્યો હતો. નાઈજીરિયામાં બોકો હરામના આતંકવાદીઓ મહિલા આત્મઘાતી બોમ્બરનો ઉપયોગ કરતા હતા. આ સંજોગોમાં કેમરૂને પોતાને ત્યાં બુરખા અને ફેસ કવરિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

    ફ્રાંસમાં હિજાબ પર સંપૂર્ણ પ્રતિબંધ
    ફ્રાંસમાં વર્ષ 2004થી જ શાળાઓ અને કોલેજોમાં ધર્મને લગતા પોશાકો પહેરવા પ્રતિબંધ મૂકેલો છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી વર્ષ 2011માં ફ્રાંસે જાહેર સ્થળો પર મોં ઢાકવા કે પછી હિજાબ પહેરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ઉપરાંત આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ આકરો દંડ કરવામાં આવે છે. ફ્રાંસમાં કોઈ નાગરિક મોંને કવર કરતા પોશાક પહેરે તો તેને 150 યુરોનો દંડ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ મહિલાને મોં ઢાકવા માટે દબાણ કરે તો તેને 30,000 યુરો દંડ થાય છે.

    નેધરલેન્ડમાં વર્ષ 2016થી બુરખા અને હિજાબ પર પ્રતિબંધ
    મહિલાઓએ જ્યાં પણ પોતાના ઓળખપત્ર દેખાડવાની જરૂર પડે એવી કોઈપણ જગ્યાએ ચહેરાને કોઈપણ રીતે ઢાકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છેનેધરલેન્ડે વર્ષ 2016માં જાહેર સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, વિમાની મથકો સહિતનાં સ્થળો પર બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂક્યો હતો. નેધરલેન્ડે આ પ્રતિબંધ પાછળ સુરક્ષા વ્યવસ્થાનું કારણ દર્શાવ્યું હતું.

    સ્વિટ્ઝર્લેન્ડમાં બુરખા કે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવા અંગે મતદાન થયેલું
    સ્વિટઝર્લેન્ડે વર્ષ 2021માં નકાબ કે હિજાબ પર પ્રતિબંધ મૂકનારા દેશોની યાદીમાં જોડાઈ ગયા હતા. વર્ષ 2021ના માર્ચ મહિનામાં આ અંગે લોકો પાસેથી અભિપ્રાય માગી મતદાન કરાયું હતું, જેમાં બહુમતિ લોકોએ જાહેર માર્ગો, શોપિંગ સેન્ટરો, રેસ્ટોરન્ટ, શાળા-કોલેજોમાં ચહેરાને કવર કરવાથી લોકોને પ્રતિબંધિત કરવાની તરફેણમાં પોતાનો મત આપ્યો હતો. અલબત્ત, ધાર્મિક સ્થાનમાં તથા પોતાના પરંપરાગત વિધિઓમાં આ માટે મંજૂરી આપવામાં આવેલી હતી.

    ડેનમાર્કમાં વર્ષ 2018માં કાયદો પસાર થયેલો
    ડેનમાર્કમાં હિજાબ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. હિજાબ પહેરવા અથવા તો મોંને કવર કરવાને લગતો કડક કાયદો છે. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો દંડ ફટકારવામાં આવે છે. વર્ષ 2018માં ડેનમાર્કની સંસદમાં આ અંગે એક કાયદો પણ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ડેનમાર્કની પોલીસ કોઈપણ મહિલા ચહેરા પર નકાબ અથવા બુરખો કે પછી મોં ઢાકવાની સ્થિતિમાં જોવા મળે તો તેની સામે કાર્યવાહી કરી શકે છે અને એને હટાવવા ફરજ પાડી શકે છે. આ ઉપરાંત 12 હજારથી 85 હજાર રૂપિયાનો દંડ પણ કરી શકે છે.

    બેલ્જિયમમાં બુરખા અને હિજાબ પર વર્ષ 2011થી પ્રતિબંધ

    આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી બેલ્જિયમ સરકારે દેશમાં હિજાબ પહેરવા કે મોંને ઢાકવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલો છે. બેલ્જિયમ સરકારે મોઢાને ઢાકતા પોશાક સામે કડક કાયદો પણ બનાવેલો છે. પોતાના દેશના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આતંકવાદીઓ કોઈ જ પ્રકારનો ગેરલાભ ન લે તે માટે શાળા-કોલેજો, હોસ્પિટલો, જાહેર સ્થળો તથા સરકારી ઈમારતોમાં હિજાબ કે ફેસ કવરિંગ પર પ્રતિબંધ મૂકેલો છે, એટલે કે બેલ્જિયમે વર્ષ 2011માં બુરખા અને હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો.

    રશિયામાં નિયંત્રણો
    વિશ્વના ઘણાબધા દેશોમાં હિજાબ પહેરવા સામે પ્રતિબંધ છે અને આ માટે કડક નિયમોનું પાલન કરવાનું રહે છે. રશિયાના સ્ટેવરુપોલ પ્રાંતમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે. વર્ષ 2012-13માં શાળાઓ અથવા કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુપ્રીમકોર્ટમાં જ્યારે આ મુદ્દો પહોંચ્યો હતો ત્યારે કોર્ટે પ્રતિબંધને યથાવત્ રાખવાનો ચુકાદો આપ્યો હતો.

    બલ્ગેરિયામાં દંડની જોગવાઈ
    વર્ષ 2016માં બલ્ગેરિયાએ નેધરલેન્ડની જેમ બુરખા પર પ્રતિબંધ મૂક્યો હતો. મોંને કવર કરતા કોઈપણ પોશાકને લગતા આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 750 યુરો દંડની જોગવાઈ છે. જોકે ધાર્મિક સ્થાનો, ધાર્મિક વિધિઓ કે પોતાના વાર-તહેવારો પર આ માટે કેટલીક છૂટછાટ આપવામાં આવેલી છે.

    સિરિયા અને ઈજિપ્ત જેવા મુસ્લિમ દેશોમાં પણ પ્રતિબંધ છે
    સિરિયા અને ઈજિપ્ત જેવા મુસ્લિમ દેશોમાં પણ શાળા, કોલેજોમાં સંપૂર્ણપણે ચહેરાને ઢાકવા પર પ્રતિબંધ છે. અહીંની સરકારે યુનિવર્સિટીઓમાં અનુક્રમે વર્ષ 2010 અને વર્ષ 2015માં ચહેરાને ઢાકવા પર પ્રતિબંધ મૂક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સિરિયામાં મુસ્લિમ વસતિ આશરે 70 ટકા છે, જ્યારે ઈજિપ્તમાં આશરે 90 ટકા છે.

    ચીનમાં પણ વ્યાપક પ્રમાણમાં નિયંત્રણો
    ચીનની શી જિનપિંગની સરકારે શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકેલો છે. ચીનમાં ધાર્મિકતાને ઓળખ આપતા કોઈપણ પ્રકારના પોશાક સાથે શાળા અને સરકારી કાર્યાલયોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ ઉપરાંત ચીનમાં દાઢી રાખવા પર પણ પ્રતિબંધ છે.

    યુકેમાં શાળા-કોલેજોને તેમના ડ્રેસ કોડ ઘટવા છૂટ અપાયેલી છે
    UK (યુનાઈટેડ કિંગડમ)માં ઈસ્લામિક ડ્રેસ પર કોઈ પ્રતિબંધ નથી, પણ વર્ષ 2007ના ચુકાદા બાદ શૈક્ષણિક સંસ્થાઓને તેમના પોતાના ડ્રેસ કોડ માટે પરવાનગી આપી હતી. જોકે વર્ષ 2016માં કરવામાં આવેલા પોલમાં બ્રિટિશની બહુમતી પ્રજાએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મત આપ્યો હતો.

    અન્ય મુસ્લિમ દેશોમાં બુરખા અને હિજાબ અંગે શું નિયમો છે

    સાઉદી અરેબિયા
    સાઉદી અરબેરિયામાં મહિલાઓને હિજાબ, નકાબ, બુરખા પહેરવા ફરજિયાત છે. મહિલાઓએ આ પોશાક એવાં તમામ સ્થળો પર પહેરવો જરૂરી છે કે જ્યાં પુરુષો હોય.

    ઈરાન
    વર્ષ 1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદ ઈરાનમાં હિજાબ પહેરવો ફરજિયાત છે. મહિલાઓ જાહેર સ્થળો પર ઢીલાં કપડાં પહેરવાં અને મોં તથા ગરદનને ઢાકવા માટે આદેશ કરાયેલો છે.

    પાકિસ્તાન
    પાકિસ્તાન એક મુસ્લિમ બહુમતિ ધરાવતો દેશ છે, જોકે ત્યાં હિજાબ અને બુરખાને લગતા કોઈ નક્કર કાયદો નથી. જોકે દેશમાં મુસ્લિમ મહિલાઓ વચ્ચે બુરખો પહેરવો એ સામાન્ય બાબત છે.

    ઈન્ડોનેશિયા
    ઈન્ડોનેશિયા એક મુસ્લિમ બહુમતિ ધરાવતો દેશ છે, જ્યાં મહિલાઓને એ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવી છે કે તેઓ હિજાબ અથવા નકાબ જેવા પોશાક પહેરવા ઈચ્છે છે કે નહીં.