ભારતીયો માટે ગ્રીનકાર્ડનો માર્ગ મોકળો:22 નવા કોર્સ શરૂ કરાયા, અમેરિકામાં કોર્સ કર્યા પછી ત્રણ વર્ષ સુધી નોકરી શોધવાની મુદત

ભારતીયો માટે ગ્રીનકાર્ડનો માર્ગ મોકળો:22 નવા કોર્સ શરૂ કરાયા, અમેરિકામાં કોર્સ કર્યા પછી ત્રણ વર્ષ સુધી નોકરી શોધવાની મુદત

અમેરિકન ડ્રીમઃ સ્ટાર્ટ અપ શરૂ કરનારા માટે નવા ડબલ્યુ-1 વિઝા, સ્ટાર્ટઅપ કર્મીઓ માટે ડબલ્યુ-2

ભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’ ઝડપથી સાકાર થશે. બાઈડેન સરકારે વિદ્યાર્થીઓ, ટેક ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ શરૂ કરનારા માટે ગ્રીનકાર્ડ એટલે કે પરમેનેન્ટ રેસિડન્સીનો માર્ગ વધુ સરળ કરી દીધો છે. અમેરિકામાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (સ્ટેમ)ના નવા 22 કોર્સ શરૂ કરાયા છે. આ તમામ પ્રોગ્રામમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી પણ ભારતીયોને અમેરિકામાં નોકરી શોધવા માટે ત્રણ વર્ષનો સમય મળશે. તેને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) નામ અપાયું છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, બાઈડેનનો ભારતીયો પર આ દાવ ઉત્પાદન ક્ષેત્રે ચીનને માત આપવા માટે છે. અમેરિકામાં ભણતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયો બીજા સ્થાને છે. અમેરિકામાં 2.50 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે તેમાંથી 1.20 લાખે ઓપીટી હેઠળ અરજી કરી છે. આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. સ્ટાર્ટ અપ માટે અલગ ડબલ્યુ વિઝા કેટેગરી પણ બનાવાઈ છે. તે અંતર્ગત જોબ ક્રિએશનનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા ઈમિગ્રન્ટ આંત્રપ્રિન્યોરને ડબલ્યુ-1 વિઝા અને આવા સ્ટાર્ટઅપના કર્મચારીઓને ડબલ્યુ-2 વિઝાની જોગવાઈ કરાઈ છે.

ટ્રમ્પ સરકાર વખતે ભારતીયોને ગ્રીન કાર્ડ અને વિઝા મળવા ઘણાં મુશ્કેલ થઈ ગયા હતા, પરંતુ બાઈડેન સરકારે યોગ્યતા ધરાવતા ભારતીયો માટે વિઝા લિમિટ ખતમ કરી દીધી છે. અમેરિકન યુનિવર્સિટી અથવા તેને સમકક્ષ ભારતીય યુનિવર્સિટીના સ્ટેમ પ્રોગ્રામમાં ડૉક્ટરેટ મેળવવા યોગ્ય ભારતીયોને સરળતાથી વિઝા મળી જશે. બાઈડેન સરકારે આ છૂટછાચ અમેરિકા કોમ્પિટિસ એક્ટ 2022 હેઠળ આપી છે. બાઈડેન સરકારનું માનવું છે કે, ઉત્પાદન ક્ષેત્રને મજબૂતી મળવાથી અર્થતંત્રને ગતિ મળશે. હાલમાં સપ્લાય ચેઈનમાં આવી રહેલી મુશ્કેલીઓ પણ ખતમ થઈ જશે. સેમીકન્ડક્ટરોનો પુરવઠો યોગ્ય રીતે મળશે અને તેના કારણે જ અમેરિકાનો મધ્યમ વર્ગ ઘણો પરેશાન છે.

સ્ટેમના નવા કોર્સમાં ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને બાયો એન્જિનિયરિંગ પણ સામેલ
સ્ટેમના 22 ફિલ્ડ ઓફ સ્ટડીઝમાં બાયો એન્જિનિયરિંગ, હ્યુમન ટેક્નોલોજી ડિઝાઈન, જિયોગ્રાફી-એન્વાયર્મેન્ટ સ્ટડી, મેથેમેટિકલ ઈકોનોમિક્સ, મેથેમેટિક્સ એન્ડ ઓશિએનિક સાયન્સ, એન્થ્રોલોજી, ક્લાઈમેટ સાયન્સ, અર્થ સાયન્સ, ઈકોનોમિક્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સ, એન્વાયર્મેન્ટ જિયો સાયન્સ, જિયોબાયોલોજી, ડેટા સાયન્સ, બિઝનેસ એનાલિટિક્સ, ડેટા વિઝ્યુઅલાઈઝેશન, ફાઈનાન્સિયલ એનાલિટિક્સ, ડેટા એનાલિટિક્સ, ઈન્ડસ્ટ્રિયલ સાઈકોલોજી, ફોરેસ્ટ્રી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સોશિયલ સાયન્સ, રિસર્ચ મેથડોલોજી અને ક્વૉન્ટિટેટિવ મેથડ્સ છે.