‘સ્વાવલંબન અભિયાન’:સરદાર ધામની 1 લાખ બહેનો 2022માં 10 હજારથી વધુ કન્યાનો અભ્યાસ ખર્ચ ઉઠાવશે, 1 વર્ષમાં 3.65 કરોડનું ભંડોળ ઊભું કરશે

‘સ્વાવલંબન અભિયાન’:સરદાર ધામની 1 લાખ બહેનો 2022માં 10 હજારથી વધુ કન્યાનો અભ્યાસ ખર્ચ ઉઠાવશે, 1 વર્ષમાં 3.65 કરોડનું ભંડોળ ઊભું કરશે

 
  • પાટીદાર સમાજની યુવતીઓ શિક્ષિત બની પગભર થાય તે માટે અનોખું અભિયાન
  • આજના સમયમાં નાણાંની ખેંચના કારણે માતા-પિતા દીકરીઓનો અભ્યાસ ખર્ચ ઉઠાવી શકતા નથી. આવી પરિસ્થિતિમાં અધવચ્ચેથી અભ્યાસ ન છોડવો પડે તે માટે સરધારધામની 1 લાખ બહેનોએ બીડું ઝડપ્યું છે. પાટીદાર સમાજની દીકરીઓ શિક્ષિત બનીને પગભર થાય તે માટે દીકરી સ્વાવલંબન અભિયાન અંતર્ગત 2022માં દીકરીઓનો અભ્યાસ ખર્ચ ઉઠાવવામાં આવશે. 1 લાખ પાટીદાર પરિવાર- બહેનો રોજે રોજ 1- 1 રૂપિયો ભેગો કરીને આખું વર્ષ રૂ. 3 કરોડ 65 લાખનું ફંડ ભેગું કરશે. આ ભંડોળમાંથી અંદાજિત 10 હજારથી વધુ દીકરીઓનો અભ્યાસ ખર્ચ નીકળશે.

    આ અભિયાન અંતર્ગત સરદારધામની 1 લાખ બહેનોની 33 જિલ્લામાં અલગ- અલગ ટીમ બનાવવામાં આવી છે. તેમ સરદારધામ યુવા તેજસ્વિનીના શર્મિલાબેન બાંભણિયા જણાવ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા તેને જણાવ્યું હતું કે, હાલના સમયમાં અભ્યાસનો ખર્ચ દિન-પ્રતિદિન વધતો જાય છે. દીકરી તો પરણીને સાસરે જવાની છે. એવી માન્યતાને કારણે અનેક પરિવારમાં દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું નથી, તો ક્યાંક એવું પણ જોવા મળ્યું કે, દીકરીનો અભ્યાસ ખર્ચ તેના માતા-પિતા ઉઠાવે અને તે ભણી- ગણીને પગભર થાય ત્યાં તેના સગપણનો સમય થઈ જાય અને દીકરી સાસરે ચાલી જાય છે, તો દીકરી ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી હોય ત્યારે તેના માટે એક મૂંઝવણ ઊભી થાય છે કે તેની આવક તેના માતા- પિતાને આપે કે તેના સાસરિયાને આપે.

    માતા-પિતા અને દીકરીઓની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે તાજેતરમાં એક ચિંતન શિબિર ગોઠવવામાં આવી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત કોઈ એક વર્ષ માટે કોઈ પાંચ વર્ષ તો કોઇ દશ વર્ષ કે આજીવન માટે આ રીતે દીકરીઓનો અભ્યાસ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર થઈ ગયા છે. આ અભિયાન અંતર્ગત જે દીકરી ક્લાર્ક, હેડ ક્લાર્ક, પોલીસ, આઈપીએસ, આઈએએસ કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પોતાની કારકિર્દી બનાવવા માગતી હોય તેના માટે આ ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે.

    સિસ્ટમ પણ ઓનલાઈન,પૈસા સીધા ખાતામાં જમા થશે...
    દીકરી સ્વાવલંબન યોજના હેઠળ જે રકમ આવશે તે સીધી સરદારધામના ખાતામાં જ જમા થશે. આ માટે ખાસ બેન્ક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જે દાતા,બહેનો કે પરિવાર આ યોજનામાં જોડાવા માગતા હશે તેમણે આપેલા પૈસા સીધા બેન્ક એકાઉન્ટમાં જ જમા થશે. આમ આખી સિસ્ટમ પારદર્શક બનાવવામાં આવી છે.