ખરડાને મંજૂરી:યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય 21 વર્ષ થશે, આધાર સાથે વોટરકાર્ડ લિન્ક થશે

ખરડાને મંજૂરી:યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય 21 વર્ષ થશે, આધાર સાથે વોટરકાર્ડ લિન્ક થશે

 
  • કેબિનેટમાં બે મોટાં સુધારાનાં બિલ પાસ...સંસદના ચાલુ સત્રમાં જ રજૂ થઇ શકે છે
  • કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બે મોટા સુધારા અંગેના ખરડાને મંજૂરી આપી દીધી. પહેલો મોટો સુધારો યુવતીઓની લગ્નની લઘુતમ વય અંગેનો છે. કેબિનેટે યુવકો અને યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય એકસમાન એટલે કે 21 વર્ષ કરવા અંગેના ખરડાને મંજૂરી આપી દીધી છે.

    આ કાયદો લાગુ થશે તો તમામ ધર્મો અને વર્ગોમાં યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય બદલાઇ જશે. ચૂંટણી સુધારા અંગેના એક ખરડાને પણ મંજૂરી આપી દેવાઇ છે, જે ખરડો સંસદમાં પસાર થયા બાદ વોટર આઇડીને આધાર કાર્ડ સાથે જોડવા ઉપરાંત નવા મતદારોને રજિસ્ટ્રેશનની વધુ તકો મળશે.

    બંને ખરડા સંસદના ચાલુ સત્રમાં જ રજૂ થવાની શક્યતા છે. બંને સુધારા ક્રાંતિકારી ગણાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં યુવકો અને યુવતીઓ માટે લગ્નની લઘુત્તમ વય એકસમાન કરવાની જાહેરાત કરી હતી જ્યારે ચૂંટણી સુધારાનો મુદ્દો ચૂંટણીપંચ લાંબા સમયથી ઉઠાવતું આવ્યું છે.

    લગ્નની લઘુતમ વયમાં ફેરફાર માટે ટાસ્ક ફોર્સે 4 કાયદામાં સુધારા સાથે તમામ ધર્મો પર સમાન રીતે લાગુ કરવા ભલામણ કરી હતી
    યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય અંગે વિચારણા માટે જયા જેટલીની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ રચાઇ હતી, જેણે ગત વર્ષે ડિસેમ્બરમાં નીતિ આયોગને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. ટાસ્ક ફોર્સે યુવતીઓ માટે લગ્નની લઘુતમ વય વધારીને 21 વર્ષ કરવાનો પૂરો રોલઆઉટ પ્લાન સોંપ્યો હતો અને તેને દેશભરમાં તમામ વર્ગો પર સમાન રીતે લાગુ કરવાની મજબૂત ભલામણ કરી હતી. મોદી સરકારના કાર્યકાળમાં લગ્ન સંબંધમાં આ બીજો મોટો સુધારો છે, જે બધા જ ધર્મો માટે એકસમાન રીતે લાગુ થશે. અગાઉ NRI મેરેજ 30 દિવસમાં રજિસ્ટર્ડ કરાવવાનું મોટું પગલું ભરાયું હતું.