NRIની લગ્ન સિઝન શરૂ:આજથી કમૂરતા છતાં ડિસેમ્બર અને જાન્યુઆરીના 11 દિવસોમાં 300થી વધુ લગ્ન યોજશે

NRIની લગ્ન સિઝન શરૂ:આજથી કમૂરતા છતાં ડિસેમ્બર અને જાન્યુઆરીના 11 દિવસોમાં 300થી વધુ લગ્ન યોજશે

ડિસેમ્બરની 19,20,21,22,24,25,26, 27 તારીખમાં સૌથી વધુ લગ્નો યોજાશે

16 ડિસેમ્બરના રોજ સુર્ય ધનરાશિમાં પ્રવેશતા ધનારક એટલે કમુરતાની શરૂઆત થતા લગ્નના આયોજન પર બ્રેક વાગશે.કમુરતામાં પણ એન.આર.આઈના લગ્નોનું આયોજન થશે.જેમાં ડિસેમ્બર અને જાન્યુઆરીના 11 દિવસોમાં 300થી વધુ લગ્નોનું આયોજન શહેરમાં થવાનું છે. ઉલ્લેખનિય છે કે, ધનારક 14 જાન્યુઆરી 2022ના રોજ પુરા થયા બાદ પણ શુક્ર અને ગુરૂ ગ્રહ અસ્ત હોવાથી લગ્નોના આયોજન 20 જાન્યુઆરી 2022 બાદ મળી શકશે.

શહેર ફરાસખાના એસો.ના પ્રમુખ અનીલભાઈ પટેલે જણાવ્યું હતું કે, 16 ડિસેમ્બરના રોજ કમુરતાની શરૂઆત થઈ રહી છે.પરંતું ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એન.આર.આઈના લગ્નો મોટાપાયે થતા હોય છે.ચાલુ વર્ષે પણ ડિસેમ્બર મહિનાની 19,20,21,22,24,25,26 અને 27 તારીખોમાં સૌથી વધુ લગ્નો છે.આ ઉપરાંત જાન્યુઆરી મહિનાની 8,9 અને 10 તારીખોમાં પણ એનઆરઆઈ લગ્નોના મોટી સંખ્યામાં છે.

એન.આર.આઈ લગ્નો માટે શહેરના પોશ વિસ્તાર ગણાતા સેવાસી-ગોત્રી રોડ, ઉમેટા, સિંધરોડ, અલકાપુરી, વાસણા રોડ, સમા-સાવલી રોડ તેમજ પાવાગઢ તરફના ફાર્મ હાઉસ બુક થઈ ગયા છે. ડિસેમ્બર-જાન્યુઆરીના 11 દિવસોમાં જ 300થી વધુ એન.આર.આઈ લગ્નોના આયોજનો છે. 16 ડિસેમ્બરના રોજ સુર્યગ્રહ ધનરાશિમાં આગળ વધતા ધનસંક્રાતિનો પ્રારંભ થશે જે 14 જાન્યુઆરી 2022 સુધી રહેશે. ધનરાશિ ગુરૂગ્રહની રાશિ છે. અને સુર્યગ્રહ રાજા છે. રાજા અને ગુરૂ જ્ઞાનકાર્યમાં વ્યસ્ત હોવાથી માંગલીક કાર્યો યોજી શકાતા નથી. ત્યાર બાદ 14 જાન્યુઆરીથી ધનારક પુર્ણ થયા બાદ માંગલિક પ્રસંગો થશે.

ડેસ્ટિનેશન વેડિંગ હોટ ફેવરિટ
એન.આર.આઈના લગ્નોમાં લગ્નનું આયોજન મોટાભાગે શહેરની બહાર જિલ્લામાં કે પછી રાજસ્થાન સહિતના શહેરોમાં ફાર્મ હાઉસ કે પછી રીસોર્ટમાં કરવામાં આવતા હોય છે.જેના માટે 3 થી 4 દિવસના પેકેજનું બુકીંગ થતું હોય છે. મહેમાનોને રીસોર્ટમાં જ રખાય છે.