માનવતાનું અદભૂત ઉદાહરણ:હળવદનું એક ગ્રુપ ગરીબ મુસ્લિમ પરિવારની વ્હારે, હિન્દુ યુવાનોએ મુસ્લિમ દીકરીનું કરિયાવર કરી સાસરે વળાવી

માનવતાનું અદભૂત ઉદાહરણ:હળવદનું એક ગ્રુપ ગરીબ મુસ્લિમ પરિવારની વ્હારે, હિન્દુ યુવાનોએ મુસ્લિમ દીકરીનું કરિયાવર કરી સાસરે વળાવી

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા મુસ્લિમ પરિવારની મદદે આવ્યું

ગ્રુપે પરિવારની દીકરીને દાતાઓના સહયોગથી કરિયાવર આપવાનું નક્કી કર્યુ

 

હળવદમાં કોમી એકતાની એક અદભૂત મિસાલ જોવા મળી હતી. જેમાં હળવદમાં રહેતા અને સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા મુસ્લિમ પરિવારની દીકરીના લગ્ન હતા, પરંતુ પરિવાર આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે લગ્નના ખર્ચને પહોંચી વળે એમ ન હોવાથી હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ આ પરિવારની વ્હારે આવ્યું હતું. તેમજ આ ગ્રુપ દ્વારા મુસ્લિમ દીકરીનું કરિયાવર લઈ આપવામાં આવ્યું હતું.

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજે શનિવારે એક જરૂરિયાતમંદ ફકીરની દીકરીને કરિયાવર આપવામાં આવ્યું હતું. દીકરીના થોડા સમયમાં લગ્ન હોવાથી અને આ લગ્નનો ખર્ચ ઉપાડવા માટે એ પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોવાથી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપે પરિવારની દીકરીને દાતાઓના સહયોગથી કરિયાવર આપવાનું નક્કી કર્યુ હતું. દરેક માતા-પિતાનું એક સપનું હોય છે કે પોતાની દીકરીને ખુબ જ ધામધૂમથી અને જરૂરી કરિયાવર આપીને હસતા મોઢે વિદાય આપે. પરંતુ આ દીકરીના માતા-પિતા આર્થિક રીતે સક્ષમ ન હોવાની વાત ગ્રુપના ધ્યાને આવતા આ દીકરીને કરિયાવર આપવામાં આવ્યું હતું. આ કરિયાવર મેળવીને દીકરીના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો.