યુપીનો ‘જેવર’થી શણગાર:યુપીના જેવરમાં વિશ્વનું ચોથુ સૌથી મોટું એરપોર્ટ બનશે

યુપીનો ‘જેવર’થી શણગાર:યુપીના જેવરમાં વિશ્વનું ચોથુ સૌથી મોટું એરપોર્ટ બનશે

યુપીમાં મોદીએ ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો

એરક્રાફ્ટ મેન્ટેનન્સનું સૌથી મોટું સેન્ટર પણ બનશે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તરપ્રદેશના જેવરમાં બનનારા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ એરપોર્ટ સાઉદી અરેબિયા, ડેનવર અને ડલાસ (અમેરિકા) બાદ વિશ્વનું ચોથું સૌથી મોટું એરપોર્ટ અને યુપીનું 5મું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. તેનાથી આગરા, મથુરામાં પ્રવાસનમાં વધારો થશે. આ એરપોર્ટ દિલ્હી એરપોર્ટથી 72 કિમી, નોઇડાથી 40 કિમી અને ગુરુગ્રામથી 65 કિમીના અંતરે બનશે. ઝીરો કાર્બન ઉત્સર્જન ધરાવતું આ દેશનું પ્રથમ એરપોર્ટ હશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા માટે રાજકારણ નહીં: મોદી
યુપી અને કેન્દ્રમાં અગાઉ જે સરકારો રહી તેમણે પશ્ચિમ યુપીના વિકાસની અવગણના કરી હતી. જેવર એરપોર્ટ તેનું ઉદાહરણ છે. હવે ડબલ એન્જિન સરકારના પ્રયાસથી અમે એ જ એરપોર્ટના શિલાન્યાસના સાક્ષી બન્યા છીએ. સાત દાયકામાં પહેલીવાર ઉત્તર પ્રદેશને એ મળવાનું શરૂ થયું છે જેનું એ હંમેશા હકદાર રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા માટે રાજકારણ નહીં પણ રાષ્ટ્રનીતિનો હિસ્સો છે. > નરેન્દ્ર મોદી, શિલાન્યાસ કાર્યક્રમમાં

સ્વિત્ઝર્લેન્ડની કંપનીને એરપોર્ટનું સંચાલન સોંપાશે
જેવર એરપોર્ટ સ્વિત્ઝર્લેન્ડના ઝુરિચ ઇન્ટરનેશનલ એરપોર્ટ એજીની સબસિડિયરી યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડેવલપ કરવામાં આવશે. આ એરપોર્ટનું સંચાલન પણ આ જ કંપની કરશે. પ્રથમ ફેઝનું નિર્માણ 1300 હેક્ટરમાં ફેલાયેલું છે. જ્યારે કુલ ખર્ચ 10 હજાર કરોડ રૂપિયા થશે.

એરપોર્ટના કાર્યક્રમમાં યોગીનો ચૂંટણી પ્રચાર: ‘ગન્ના કે જિન્ના બે વિકલ્પ છે’

  • શિલાન્યાસના કાર્યક્રમમાં પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથે લોકો પાસે ‘ગન્ના’ (શેરડી) કે ‘જિન્ના’ એમ બે વિકલ્પ હોવાનું જણાવીને અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો હતો. અગાઉ સપાના નેતા અખિલેશ યાદવે સ્વતંત્રતા સેનાનીઓમાં જિન્નાને પણ ગણાવ્યા હતા.​​​​​​​

અખિલેશનો જવાબ: એરપોર્ટ એટલે બનાવે છે કે જેથી બાદમાં વેચી શકાય

  • યોગીના ‘ગન્ના, જિન્ના’ કટાક્ષના જવાબમાં અખિલેશે ‘ભાજપ હટાવો, પ્રદેશ બચાવો’ રેલીમાં કહ્યું હતું કે ભાજપ એરપોર્ટ એટલે બનાવે છે જેથી બાદમાં કંપનીઓને વેચી શકાય. ભાજપનો સફાયો નહીં થાય તો તે એકએક કરીને બધુ જ વેચી દેશે. ​​​​​​​

178 વિમાન પાર્ક થશે, સપ્ટેમ્બર 2024માં પહેલી ફ્લાઇટ

  • 10,050 કરોડ રૂપિયાના ખર્ચે પ્રથમ ફેઝ તૈયાર થશે. કુલ 4 ફેઝ રહેશે.
  • 1300થી વધારે હેક્ટરમાં એરપોર્ટ ફેલાયેલું રહેશે.
  • 2024 સપ્ટેમ્બરમાં અહીંથી પહેલી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી.
  • 40 વર્ષ માટે સંચાલન ઝુરિચ એરપોર્ટને સોંપાયું.
  • 34 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે.
  • 1.2 કરોડ પ્રવાસીઓની વર્ષે અવરજવર રહેવાની આશા.
  • 01 લાખથી વધારે લોકોને રોજગાર મળવાની સંભાવના.
  • 01 કાર્ગો સેન્ટર પણ તૈયાર થશે.