એક નશો આવો પણ:મોબાઈલ ફોન વગર જીવન અધૂરું લાગે છે તો તમે 'મોબાઈલ એડિક્શન'નો શિકાર બની ચૂક્યા છો, જાણો તેનાં લક્ષણો અને બચવાની રીત
મોબાઈલની લત ડ્રગ્સ અને આલ્કોહોલ જેવી
વૉશરૂમમાં પણ ફોન લઈ જવાની આદત મોબાઈલ એડિક્શન
કોરોના આવ્યા બાદ નાનાં ભૂલકાંઓથી લઈને મોટેરાઓનો સ્ક્રીન ટાઈમ વધી ગયા હોવાની વાત રિસર્ચમાં પુરવાર થઈ છે. સોશિયલ મીડિયા પર મજા લેવાના ચક્કરમાં તમે તમારાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છો. મોબાઈલ ફોન સાથે હંમેશાં બિઝી રહેવાથી તમે મોબાઈલ ફોન એડિક્શન વધારી રહ્યા છો. ગુજરાતની GCS મેડિકલ કોલેજમાં થયેલા એક રિસર્ચ પ્રમાણે 15થી 24 વર્ષના યુવાનો એક દિવસમાં 5થી 6 કલાકનો સમય મોબાઈલ પર પસાર કરી રહ્યા છે.
સ્માર્ટફોન નશો બન્યો
દક્ષિણ કોરિયાના એક રિસર્ચ પ્રમાણે, છોકરીઓમાં સ્માર્ટફોન એડિક્શન વધારે છે. ચીનની વન્નાન મેડિકલ કોલેજની સ્ટડી પ્રમાણે છોકરા અને છોકરીઓમાં એકસરખું મોબાઈલ એડિક્શન હોય છે. રિસર્ચમાં સામેલ કુલ યુવાનોમાંથી 29.8% મોબાઈલ એડિક્શનનો શિકાર થયા હતા.
મણિપાલ હોસ્પિટલના સાઈક્યાટ્રિસ્ટ ડૉ. ભાગવત નારાયણ રાજપૂત જણાવે છે કે, મોબાઈલની લત ડ્રગ્સ અથવા આલ્કોહોલ જેવી જ છે. તેની ખરાબ અસર આખા પરિવાર પર થાય છે. મોબાઈલનું અસ્તિત્વ નહોતું તે સમયે લોકો પરિવાર સાથે મેક્સિમમ સમય પસાર કરતા હતા, પરંતુ મોબાઈલને કારણે દરેક ઉંમરના લોકો હવે બિઝી બન્યા છે. તેની અસર તેમના સ્વભાવ પર પણ થઈ છે. તેઓ જલ્દી ગુસ્સે થઈ જાય છે.

છોકરીઓ ચેટિંગમાં અને છોકરાઓ ગેમિંગમાં બિઝી
2201 યુવાનો પર થયેલાં રિસર્ચ પ્રમાણે મોબાઈલનો ઉપયોગ સામેવાળી વ્યક્તિ સાથે ખબર અંતર પૂછવા, મસ્તી મજાક કરવા અને અન્ય કારણોસર કોલ કરવા માટે થાય છે. રિસર્ચમાં યુવક અને યુવતીઓને વીડિયો કોલિંગમાં ઓછો રસ જોવા મળ્યો હતો. માત્ર 11% છોકરાઓ અને 2% છોકરીઓને જ વીડિયો કોલિંગમાં રસ હતો.
મોબાઈલ એડિક્શનથી બચવા માગો તો
મનસા ગ્લોબલ ફાઉન્ડેશન ફોર મેન્ટલ હેલ્થના ફાઉન્ડર ડૉ. શ્વેતા શર્મા પાસેથી જાણો મોબાઈલ ફોન એડિક્શનના લક્ષણો અને ઉપાયો
લક્ષણો
- મોબાઈલ ન મળવા પર બેચેની
- કોઈ પણ કામમાં હંમેશાં મોબાઈલ સાથે રાખવો
- ફોન વગર સમય પસાર ન થવો
- વૉશરૂમમાં પણ ફોન લઈ જવો
બચવાના ઉપાયો
- બાળકોનું હોમવર્ક, પતિ સાથે વાત કરતા સમયે, માતા-પિતા સાથે વાતચીત કરતા સમયે મોબાઈલ ફોન દૂર રાખો.
- રાતે સૂતા સમયે મોબાઈલ ફોન ચેક કરવાની આદત સુધારો. આ એડિક્શન દૂર કરવા માટે સેલ્ફ કેર રૂટિન ફોલો કરો. સૂતા પહેલાં આંખો બંધ કરી ધ્યાન કરી પ્રાર્થના કરો.
- દિવસે ફ્રી ટાઈમમાં મોબાઈલ ચેક કરવાની આદતને બદલે મેગેઝિન અથવા બુક વાંચો.
- ફેમિલી ટોક્સ અને ખાતા સમયે મોબાઈલનો ઉપયોગ ન કરવાનો ફેમિલી રુલ્સ બનાવો.