કલંકિત નેતાઓને લાખોનું પેન્શન:જેલમાં બંધ નેતાઓને બિહાર સરકાર મહિને રૂ. 54.72 લાખ આપે છે;

કલંકિત નેતાઓને લાખોનું પેન્શન:જેલમાં બંધ નેતાઓને બિહાર સરકાર મહિને રૂ. 54.72 લાખ આપે છે;

હત્યા, બળાત્કાર કેસમાં જેલમાં સજા કાપી રહેલા નેતાઓને પેન્શન મળી રહ્યું છે

 

બિહારની જુદી જુદી જેલોમાં બંધ નેતાઓનો ખર્ચ પણ બિહાર સરકાર ઉઠાવે છે. રાજ્યમાં લગભગ અડધો ડઝન એવા નેતાઓ છે, જે એક સમયે બિહાર વિધાનસભાના સભ્ય હતા, પરંતુ હવે જેલમાં બંધ છે. ભ્રષ્ટાચારથી લઈને બળાત્કાર અને હત્યા સુધીના કેસમાં તેઓ જેલમાં સાજા ભોગવી રહ્યા છે. આમાંના ઘણા પર આરોપી સાબિત થઈ ગયા છે અને ઘણા સજા પણ ભોગવી રહ્યા છે, જ્યારે કેટલાક જામીન પર જેલની બહાર છે.

સરકાર આ પૂર્વ ધારાસભ્યો પર વાર્ષિક કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. ઘાસચારાકૌભાંડમાં દોષિત ઠરેલા લાલુ પ્રસાદ, પૂર્વ સાંસદ જગદીશ શર્મા, હત્યાના કેસમાં સજા ભોગવી રહેલા પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહ, આનંદ મોહન, વિજય કૃષ્ણ અને બળાત્કાર કેસમાં જેલમાં બંધ રાજવલ્લભ યાદવને સરકાર દર મહિને પેન્શન આપી રહી છે. એકંદરે કલંકિતોને દર મહિને 54.72 લાખ રૂપિયા પેન્શન તરીકે ચૂકવવામાં આવે છે.

લાલુ પ્રસાદ યાદવને દર મહિને મળે છે 89 હજાર રૂપિયાનું પેન્શન
ઘાસચારાકૌભાંડ કેસમાં સજા ભોગવનાર બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ હાલમાં જામીન પર છે. તેમને દર મહિને 89 હજાર પેન્શન બિહાર વિધાનસભા દ્વારા મળી રહ્યું છે. આ ઉપરાંત લોકસભાથી પણ પેન્શન મળે છે. 1996માં 950 કરોડના ઘાસચારાકૌભાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં પશુ આહાર, દવાઓ અને પશુપાલનને લગતાં સાધનો માટે નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. 1994માં બિહાર પોલીસે ડોરંડા, દેવઘર, ચાઇબાસામાં નકલી બિલ દ્વારા કરોડો રૂપિયા ગેરકાયદે ઉપાડવાના કેસ નોંધ્યા હતા. ચારાકૌભાંડના 6 અલગ-અલગ કેસમાં 4માં લાલુ પ્રસાદને 13.5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

હત્યાના કેસમાં સજા કાપી રહેલા પ્રભુનાથ સિંહને 62 હજાર પેન્શન મળી રહ્યું છે
આરજેડીના બાહુબલી નેતા પ્રભુનાથ સિંહ હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પ્રભુનાથ સિંહ દોષિત ઠર્યા બાદ ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર થયા છે. તેની સામે 40 ગંભીર કેસ નોંધાયેલા છે, પરંતુ અત્યારસુધી તેને માત્ર 1995ના અશોક સિંહ હત્યા કેસમાં સજા થઈ છે.

બળાત્કાર કેસમાં જેલમાં બંધ રાજવલ્લભ પ્રસાદને 71 હજાર રૂપિયા મળે છે
2016માં સગીરા પર બળાત્કાર કરવા બદલ ડિસેમ્બર 2018થી જેલમાં રહેલા રાજવલ્લભ પ્રસાદને બિહાર વિધાનસભામાંથી દર મહિને 71 હજાર પેન્શન મળી રહ્યું છે. રાજવલ્લભ બિહારના આવા પ્રથમ ધારાસભ્ય હતા, જેઓ પદ પર હતા ત્યારે તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેની દાદાગીરીની ઘણી ઘટનાઓ છે. આમાંથી એક કેસ 2005નો છે. એ સમયે નીતીશ સરકાર બની, પછી નવાદાનો પર્વત એક ખાનગી કંપનીને લીઝ પર આપવામાં આવે છે. રાજવલ્લભનો દબંગાઈ એવી હતી કે પથ્થરો લઈને પસાર થતાં વાહનોમાંથી પૈસા વસૂલવા લાગ્યા, જેના પરિણામે કંપનીએ લીઝ છોડી દીધી હતી.

ડીએમના હત્યા કેસમાં સજા ભોગવી રહેલા આનંદ મોહનને 47 હજાર રૂપિયા મળી રહ્યા છે
બિહારના રાજકારણમાં બાહુબલીઓના કિસ્સા ચર્ચામાં રહ્યા છે. આમાંથી એક નામ પૂર્વ સાંસદ આનંદ મોહનનું છે. આનંદ મોહન ગોપાલગંજના તત્કાલીન ડીએમ જી. કૃષ્ણૈયાની હત્યા કેસમાં જેલમાં બંધ છે. જિલ્લા મેજિસ્ટ્રેટની હત્યા માટે હાઇકોર્ટે આનંદ મોહનને આજીવન કેદની સજા ફટકારી છે. આનંદ મોહનને બિહાર વિધાનસભામાંથી 47 હજાર રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે. આ પેન્શન 14 વર્ષથી મળે છે.

હત્યા કેસમાં સજા ભોગવી રહેલા વિજય કૃષ્ણનું પેન્શન 62 હજાર રૂપિયા
પૂર્વ સાંસદ વિજય કૃષ્ણ 8 વર્ષથી જેલમાં બંધ છે. વિજય કૃષ્ણ ટ્રાન્સપોર્ટર સત્યેન્દ્ર સિંહની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. મે 2009માં સત્યેન્દ્ર સિંહની હત્યા કરવામાં આવી હતી. ક્યારેક વિજય કૃષ્ણની ખૂબ જ નજીક રહેલા સત્યેન્દ્ર સિંહનો મૃતદેહ એક પેટીમાં બંધ કર્યા બાદ ગંગામાં ફેંકી દેવામાં આવ્યો હતો. હત્યાના 20 દિવસ બાદ ગંગા ઘાટ પરથી મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં વિજય કૃષ્ણ દોષિત ઠર્યા હતા. તેને 62 હજાર રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે.

જગદીશ શર્માને 1.25 લાખ મળી રહ્યા છે
ઘાસચારાકૌભાંડમાં ચાઇબાસા તિજોરીમાંથી ઉચાપત કરવાના કેસમાં પૂર્વ સાંસદ જગદીશ શર્મા દોષિત સાબિત થયા હતા. કોર્ટે તેને આ કેસમાં 5 વર્ષની સજા ફટકારી હતી. 2019માં તેની સજા અડધી પૂરી કરવા પર જામીન મળી ગયા હતા. બિહાર વિધાનસભાના રેકોર્ડ મુજબ, જગદીશ શર્માને દર મહિને 1.25 લાખ રૂપિયા પેન્શન મળી રહ્યું છે, એટલે કે વાર્ષિક 15 લાખ રૂપિયા પેન્શન મળી રહ્યું છે.

રાજવલ્લભ પ્રસાદ ઉપરાંત તમામ પૂર્વ સાંસદ તરીકે મળી રહ્યું છે પેન્શન
લાલુ પ્રસાદ યાદવ, આનંદ મોહન, જગદીશ શર્મા, પ્રભુનાથ સિંહ અને વિજય કૃષ્ણને પૂર્વ સાંસદ તરીકે પેન્શન મળી રહ્યું છે. જેલમાં બંધ આ પૂર્વ નેતાઓના પેન્શનનો જાણકારી RTI દ્વારા સામે આવી છે. RTI એક્ટિવિસ્ટ શિવ પ્રકાશનું કહેવું છે કે આ મામલો ભલે નિયમો વિરુદ્ધનો ન હોય, પરંતુ સામાન્ય જનતાના રૂપિયાની બરબાદી જ છે. શિવપ્રકાશ વધુમાં કહે છે કે જ્યારે નોકરી કરનારા લોકોને ભ્રષ્ટાચારના કેસમાં સજા થવા પર બધી સુવિધાઓ મળતી નથી તો પછી આ નેતાઓને આ વિશેષ અધિકાર કેમ મળી રહ્યો છે?

ધારાસભ્યોને પ્રથમ વર્ષે 35 હજાર રૂપિયાનું પેન્શન મળે છે
પૂર્વ ધારાસભ્યો માટે પેન્શન નક્કી કરવા માટે ખાસ નિયમ છે. આ મુજબ, 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ધારાસભ્યને પ્રથમ વર્ષ માટે દર મહિને 35 હજાર રૂપિયા મળે છે. આ પછી દર વર્ષે 3-3 હજાર રૂપિયા વધે છે. આનો મતલબ એ છે કે ધારાસભ્યો જેટલાં વધુ વર્ષ રહેશે, તેમ તેમ તેમનું પેન્શન પણ વધશે. આ જ કારણ છે કે જગદીશ શર્માને 1.25 લાખ રૂપિયાનું પેન્શન મળે છે.