હોઈકોર્ટનું કડક વલણ:1948માં સાબરમતીમાંથી સીધું એક ગ્લાસ પાણી લઈને પી શકાય એવું હતું, શું આજે એ સ્થિતિ છે?

હોઈકોર્ટનું કડક વલણ:1948માં સાબરમતીમાંથી સીધું એક ગ્લાસ પાણી લઈને પી શકાય એવું હતું, શું આજે એ સ્થિતિ છે?

1948માં સાબરમતીમાંથી સીધું એક ગ્લાસ લઈને પી શકાય તેવું હતું, પરંતુ શુ આજે 2021માં એ સ્થિતિ છે?

પ્રદૂષણ જાહેર કરનારના નામ જાહેર કરો તો લોકોને ખબર પડે કે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોણ છે?

 

સાબરમતી નદીના પ્રદૂષણ મામલે થયેલ સુઆમોટો જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે સુનાવણીના સમયથી, એટલે કે 12.17 કલાકેથી જ ટ્રેડ એફલ્યુઅન્ટને સુએજમાં છોડવા માટે ઓથોરિટીઝ તરફથી અપાયેલી તમામ પરવાનગીને રદ કરવાની જાહેરાત કરી. સાથે સાથે કોર્ટે એ પણ ટકોર કરી કે 1948માં સાબરમતીમાંથી એક ગ્લાસ પાણી સીધુ લઈને પી શકાય તેવું હતું, પરંતુ શું આજે 2021માં એ સ્થિતિ છે? તેમજ હાઈકોર્ટે કહ્યું કે, પ્રદૂષણ ફેલાવતા એકમોના માલિકો અને પરિવારજનોના નામ જાહેર કરો.

પ્રદૂષિત પાણી સિંચાઈ માટે ન વાપરવા માટે સૂચના આપી
સાબરમતી નદીનું પાણી 3 જેટલા ગામોમાં સિંચાઈ માટે પણ જતું હોવાથી હાઇકોર્ટે મિરોલી પિયત સહકારી મંડળી સાબરમતી નદીનું પ્રદૂષિત પાણી ખેતી કે સિંચાઈ માટે ન વાપરવા માટે સૂચના આપી છે. સરકારી વકીલે આ પાણી સિંચાઈ માટે વપરાતું હોવાની વાત કહી ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

ઈન્ડસ્ટ્રીઝનો ડેટા તાત્કાલિક ભેગો કરી રજૂ કરો
આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશન અને GPCB(ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ)ને હાઇકોર્ટે સુએઝમાં ટ્રેડ એફલૂએન્ટ ઠાલવતી ઈન્ડસ્ટ્રીઝનો ડેટા તાત્કાલિક ભેગો કરી કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. માત્ર એટલું જ નહિ પરંતુ આવા એકમો અને કર્તાહર્તાઓ અને તેમના પરિવારજનોના નામ પ્રજાજોગ જાહેર કરવા પણ કોર્ટે કહ્યું છે. જેથી લોકોને ખબર પડે કે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોણ છે? ગુજરાત હાઇકોર્ટ પોતાનો વિસ્તૃત હુકમ આગામી દિવસોમાં જાહેર કરશે.

વાસણાથી ખંભાતના દરિયા કિનારા સુધીનો હિસ્સો મોટા પ્રમાણમાં પ્રદૂષિત
આ બાબતે ગુજરાત હાઈકોર્ટે અગાઉ સાબરમતી નદીનાં પ્રદૂષણને મામલે એક કમિટી બનાવી હતી જે કમિટીના સભ્ય પ્રયાવરણ એક્ટિવિસ્ટ રોહિત પ્રજાપતિએ પણ કમિટી વચ્ચે સાબરમતી નદીના પ્રદૂષણ અને હકીકતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. દિવ્યભાસ્કર સાથે વાત કરતાં રોહિત પ્રજાપતિએ જણાવ્યું કે વાસણાથી લઈને ખંભાતના દરિયા કિનારા સુધીનો હિસ્સો મોટા પ્રમાણમાં પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કર્યો. એટલું નહિ પરંતુ હવે રિવરફ્રન્ટ તરફનો હિસ્સો પણ પ્રદૂષિત થઈ રહી હોવાની વાત કોર્ટ સમક્ષ કરી છે. આ સિવાય આગામી દિવસોમાં સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમો સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે અંગે લેખિતમાં કોર્ટને સૂચનો પણ આપશે.

બે રાજ્યોના 7 જિલ્લા, 6 નદીઓને સમાવતી સાબરમતી નદી
ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની એવી સાબરમતી નદીની રાજસ્થાનના ઉદેપુરના ઢેબર લેકથી નીકળી અને ગુજરાતના અખાતથી મહાસાગરને મળતી આ નદી 371 કિલોમીટર લાંબી છે. સાબરમતી નદીના ઉદ્દભવ સ્થાન વિશે જાણીને આપને નવાઇ લાગશે કે ઇ.સ.1687 થી 1691 વચ્ચે તે સમયના મહારાણા જયસીંહે ઢેબર લેકનું નિર્માણ કર્યું હતું. જે એશિયાની સૌથી મોટું કૃત્રિમ રીતે બનાવેલું મીઠા પાણીનું સરોવર છે. 371 કિલોમીટર લાંબી આ નદી રાજસ્થાનમાં 48 કિલોમીટરનું અંતર કાપી ગુજરાતમાં 323 કિલોમીટરનું અંતર ખંભાતના અખાતમાં પૂર્ણ કરે છે.

સાત જિલ્લાને સ્પર્શતી આ નદી રાજસ્થાનના ઉદેપુર તેમજ ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાંથી પસાર થાય છે. તેના આ સફરમાં વાકલ, સેઇ, હરણાવ, હાથમતી, વાત્રક અને મધુમતી જેવી 6 નદીઓ તેના મુળ સ્થાનથી નિકળી સાબરમતી નદીમાં ભળી જાય છે.

2 સપ્ટેમ્બર 1972માં નદીનું સૌથી રૂદ્ર રૂપ દેખાયું હતુ
સાબરમતી નદીમાં અત્યાર સુધીનું સૌથી ભયાનક પૂર 2 સપ્ટેમ્બર 1972 માં આવ્યું હતું. આ દિવસે નદીમાં સાડા પાંચ લાખ ક્યુસેક પાણી એટલે કે પ્રતિ સેકન્ડે 1.48 કરોડ લિટરની ઝડપે પાણી વહી રહ્યું હતું.