ચેતવણી:કોરોના વેક્સિન લીધી છે એવો ફોન આવે તો ચેતજો, ફોન પર મળેલી સૂચનાનો અમલ કરવાથી ઓનલાઈન આર્થિક નુકસાન થઈ શકે

ચેતવણી:કોરોના વેક્સિન લીધી છે એવો ફોન આવે તો ચેતજો, ફોન પર મળેલી સૂચનાનો અમલ કરવાથી ઓનલાઈન આર્થિક નુકસાન થઈ શકે

કોરોના વેક્સિનેશનના નામે કરાતા ફોનથી પૈસા ગુમાવ્યા હોવાની એક પણ ફરિયાદ મળી નથીઃ ક્રાઈમ બ્રાન્ચ

 

કોરોનાકાળમાં લોકો સાથે ઓનલાઈન ચિટિંગના કિસ્સાઓમાં મોટો વધારો થયો છે. સાયબર ક્રાઈમના ગુનાઓનો ગ્રાફ પણ ઉંચે જઈ રહ્યો છે. ત્યારે હવે કોરોના વેક્સિનેશનના નામે લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. લોકોને ફોન કરીને કોરોના વેક્સિન લીધી છે કે કેમ એવો સવાલ કરીને રસી લીધી હોય તો એક નંબર દબાવો એમ કહેવામાં આવે છે. જો એક નંબર દબાવવામાં આવે તો ફોન હેક થઈ જાય છે.

1 નંબર દબાવતાં જ ફોન હેક થઈ જાય છે
કોરોના રસીકરણના રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત ચાર અંકના નંબર પરથી નાગરિકોને ફોન કરી રેપિડ એસેસમેન્ટ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી નાગરિકોના પ્રતિભાવ જાણી આવશ્યક બદલાવ લાવવા રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં છે. પરંતુ આ પધ્ધતિનો ગેરલાભ લઈ નાગરિકોને પરેશાની કરતાં ફોન પણ શરૂ થઈ ગયાં છે. લોકોને ફોન ઉપર પૂછવામાં આવે છે કે, તમે કોરોના વેક્સિન લીધી છે? જો કોરોના વેક્સિન લીધી હોય તો 1 નંબર દબાવો. 1 નંબર દબાવતાં જ ફોન હેક થઈ જાય છે. આ પછી ફોન ફરી ચાલુ કરાવવા માટે દોડધામ થઈ પડે છે.

પૈસા સેરવી લેવાયાના કિસ્સા ભૂતકાળમાં બનેલાં છે
સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે, આ પ્રકારે ફોન હેક કે બ્લોક કરીને લોકોના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેવાયાના કિસ્સા ભૂતકાળમાં બનેલાં છે. જો કે, કોરોના વેક્સિનેશનના નામે કરાતા ફોનથી પૈસા ગુમાવ્યા હોવાની ફરિયાદ હજૂ સુધી નહીં મળ્યાનું અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ કહે છે. જો કે, આર્થિક નુકસાની કે પરેશાની ટાળવા ફ્રોડ કોલ જણાય તો રિપ્લાય કે રિસ્પોન્સ ન આપવો જ હિતાવહ છે તેમ સાયબર નિષ્ણાતો કહે છે. કોરોના વેક્સિનેશન કર્યું છે કે કેમ? તેવા સવાલ કરી ફોન છેતરપિંડી કરતા શખ્સોથી બચવા સતર્ક રહેવાની સલાહ કેન્દ્ર સરકાર દ્વારા પણ અપાઈ છે.