ડ્રગ્સનો કાળો કારોબાર:પોરબંદરમાં પકડાયેલું 150 કરોડનું હેરોઈન ઈરાની-પાકિસ્તાની માફિયાનું; શ્રીલંકાને બદલે પંજાબ લઈ જવાનો મેસેજ મળતાં બોટ ઊભી રહેતાં પકડાઈ

ડ્રગ્સનો કાળો કારોબાર:પોરબંદરમાં પકડાયેલું 150 કરોડનું હેરોઈન ઈરાની-પાકિસ્તાની માફિયાનું; શ્રીલંકાને બદલે પંજાબ લઈ જવાનો મેસેજ મળતાં બોટ ઊભી રહેતાં પકડાઈ

ગુજરાતના દરિયાઈ માર્ગેથી પંજાબમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્લાન ATS અને કોસ્ટ ગાર્ડે ફેઈલ કર્યો

ગુજરાત ATSએ સેટેલાઇટ ફોનનો મેસેજ આંતરી અત્યાર સુધીનો સૌથી વધુ જથ્થો ઝડપ્યો

ઈરાનથી હેરોઈન લઈને નીકળેલી બોટ ભારતીય જળ સીમામાંથી ઝડપી લેવાઈ

બોટમાં સવારે 7 ઈરાની નાગરિકોની પણ અટકાયત કરવામાં આવી

ગુજરાત એટીએસે પોરબંદરના મધદરિયેથી પકડેલા 150 કરોડના હેરોઇનના જથ્થાના મામલે ઈરાન અને પાકિસ્તાન સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની સંડોવણી બહાર આવી છે. આ પહેલાં પકડાયેલા હેરોઇનની વેલ્યુએશન 250 કરોડ ચર્ચાઈ હતી. હાલ પકડાયેલા સાત ઈરાનીઓની પૂછપરછ ચાલી રહી છે. શ્રીલંકા લઈ જવાઈ રહેલો ડ્રગ્સનો જથ્થો છેલ્લી ઘડીએ પંજાબ મોકલવાનો ડ્રગ માફિયાનો મેસેજ મળતા એટીએસે તેમને મધદરિયે ઝડપી લીધા હતા.

એટીએસએ રવિવારે પોરબંદરના દરિયામાંથી જુમ્મા નામની બોટ સાથે 30 કિલો હેરોઇન કબજે કરી સાત ઈરાની નાગરિક ઇબ્રાહીમ બક્ષી ઉર્ફે યીરી કિયા બક્ષી, ઇસ્માઇલ પ્રીદાદી ખુદા બક્ષી, અબ્દુલ સત્તાર માહલુમ બક્ષી, રહીમ બક્ષી કાદર બક્ષી, ખાલીદ જદગાલ નઝર મોહંમદ, દુરમોહંમદ ફૈઝ મોહંમદ તથા હમીદુલ્લાહ બક્ષી મહલૂમ બક્ષીની ધરપકડ કરી હતી. એટીએસના નાયબ પોલીસ અધિકારી ભાવેશ રોજિયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાન ડ્રગ્સ માફિયા ગુલામ, ઈરાની ડ્રગ્સ માફિયા ઈમામ બક્ષ ભેગા મળી દરિયાઈ માર્ગે પ્રતિબંધિત હેરોઇનની શ્રીલંકામાં ડિલિવરી કરવાના છે, જે માટે ઈરાનના કોનાર્ક પોર્ટથી ફિશિંગની આડમાં ઈમામ બક્ષે પોતાની જુમ્મા નામની બોટમાં હેરોઇન રવાના કર્યું છે.

બાતમીના પગલે એટીએસના એસપી. ઈમ્તિયાઝ શેખ અને ટીમને પોરબંદર રવાના કરાઈ હતી અને પોરબંદર કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની સાથે મળીને સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

બોટમાં સવાર 7 ઈરાની નાગરિકો પકડાયા
બાતમીના આધારે હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન શનિવારે મોડી રાત્રે બાતમીદારે જણાવ્યા મુજબની ઈરાનની બોટ નજરે પડતાં એટીએસ તથા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સર્ચ ટીમોએ બોટને ચારે તરફથી ઘેરી લઈ હિંમતભેર બોટમાં પ્રવેશ્યા હતાં. બોટમાં સવાર સાત ઈરાની નાગરિકોને કોર્ડન કરી બોટની તલાશી લેતા તેમાં ગુપ્ત રીતે સંતાડેલા હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 150 કરોડ જેટલી કિંમત ધરાવતું હેરોઈન મળી આવતા પોલીસે બોટમાં સવાર સાત લોકોની અટકાયત કરી હતી.

મસ્કત, યમનમાં પણ ડ્રગ્સ ઘૂસાડયું હતું
આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, ઈરાની ડ્ર્ગ માફિયા ઈમામ બક્ષની જુ્મ્મા નામની બોટમાં અગાઉ મસ્કત, યમન, તાન્ઝાનિયા ઝાંઝીબાર દેશોમાં ડ્રગ્સની હેરાફેરી કરાઈ હતી.

ડ્રગ્સની હેરાફેરીમાં સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરાતો હતો
જુમ્મા નામની બોટના ક્રૂ મેમ્બરને ઈરાની ડ્રગ માફિયા ઈમામ બક્ષ દ્વારા થુરાયા સેટેલાઈટ ફોન અપાયો હતો, જેમાં તેમને ચેનલ નંબર 62 પર સંપર્કમાં રહેવાનું કહેવાયું હતું. આ બોટને ઈરાનથી નીકળી શ્રીલંકા જવાનંુ કહેવાયું હતંુ, પરંતુ ત્યાર બાદ સેટેલાઇટ ફોનથી ગુજરાત કે મહારાષ્ટ્રના દરિયાઈ માર્ગે પંજાબમાં ડિલિવરી કરવાનું કહી દરિયામાં રોકાઈ જવાની સૂચના અપાઈ હતી.

શ્રીલંકા જવા નીકળેલી બોટ ભારતીય જળસીમામાં પહોંચી
માછીમારી માટે ઉપયોગમાં લેવાતી આ બોટ હેરોઈનનો જથ્થો લઈ શ્રીલંકાની જળસીમામાં જવાની હતી પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેને ભારત તરફ લાવવામાં આવી હતી. બોટ ભારતીય જળસીમામાં પ્રવેશતા જ બોટની ગતિવિધિ ઉપર બાજ નજર રાખી રહેલા એટીએસ તથા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે બોટને આંતરવા માટેની કાર્યવાહી હાથ ધરી દીધી હતી તથા બોટમાં સવાર લોકોને સહેજ પણ ખ્યાલ ન આવે તે રીતે બોટને ઘેરી લેવામાં આવી હતી. બોટ દરિયાકાંઠે આવી ગયા બાદ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

2018થી 2021 સુધીમાં રૂ.3500 કરોડનું ડ્રગ્સ પકડાયું
ગુજરાત એ.ટી.એસ. દ્વારા ઓગસ્ટ 2018થી સપ્ટેમ્બર 2021 દરમિયાન વિવિધ ઓપરેશનો પાર પાડી દરીયાઇ માર્ગે થતી પ્રતિબંધક માદક પદાર્થોની હરાફેરી અટકાવી આશરે 700 કિલોના માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂ. 3500 કરોડ જેટલી થાય છે. જેમાં વિવિધ પાકિસ્તાની, ઇરાની તથા અફઘાની ઇસમોની ધરપકડ કરેલી છે તથા તેમને મદદ કરતા ભારતીય ઇસમોની પણ ધરપકડ કરવામામાં આવેલી છે.