કોરોનાકાળમાં મસીહા બનેલા સોનુ સૂદની ઓફિસ પર IT ટીમ ત્રાટકી, એક્ટર 19 દિવસ પહેલાં કેજરીવાલને મળ્યો હતો

કોરોનાકાળમાં મસીહા બનેલા સોનુ સૂદની ઓફિસ પર IT ટીમ ત્રાટકી, એક્ટર 19 દિવસ પહેલાં કેજરીવાલને મળ્યો હતો

સોનુ સૂદની ઓફિસમાં ITના અધિકારીઓ આવ્યા, અકાઉન્ટ બુકમાં ગડબડ કરી હોવાના આરોપો બાદ પ્રોપ્રર્ટી સર્વે કર્યો

સોનુ સૂદની ઓફિસ પર ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ લખાય છે ત્યારે પણ સોનુની મુંબઈ સ્થિત ઓફિસમાં IT (ઇન્કમ ટેક્સ)ના અધિકારીઓ હાજર છે. સોનુની પ્રોપ્રર્ટીની અકાઉન્ટ બુકમાં ગડબડ થઈ હોવાના આરોપો બાદ ટીમ પ્રોપ્રર્ટીનો સર્વે કરે છે. ITની ટીમે સોનુ સૂદ તથા તેની કંપનીઓ સાથે જોડાયેલી છ જગ્યા પર સર્વે હાથ ધર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સર્વે ત્યારે કરવામાં આવી રહ્યો છે જ્યારે ગયા મહિને સોનુ સૂદ દિલ્હી સરકારના એક પ્રોગ્રામનો બ્રાન્ડ-એમ્બેસેડર બન્યો છે. આ સમયે ચર્ચા હતી કે સોનુ સૂદ આમ આદમી પાર્ટી જોઇન કરશે. જોકે સોનુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આ અંગે કોઈ વાત થઈ નથી.

ઓગસ્ટના લાસ્ટ વીકમાં મુલાકાત કરી હતી
સોનુ સૂદે શુક્રવાર, 27 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. સોનુ સૂદ તથા અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન દિલ્હીના ડેપ્યુટી CM (ચીફ મિનિસ્ટર) તથા એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ સોનુ સૂદની સાથે પ્રેસ-કોન્ફરન્સ પણ કરી હતી.

સોનુ સૂદને મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં બાળકો માટે દેશમાં મેન્ટર કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આ મેન્ટર કાર્યક્રમનો બ્રાન્ડ-એમ્બેસેડર સોનુ સૂદ છે. કેજરીવાલે કહ્યું હતું કે આજે તે પૂરા દેશ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો છે. આજે આટલી બધી સરકારો જે નથી કરી શકતી એ સોનુ સૂદ કરી રહ્યો છે. જે પણ સોનુ સૂદ પાસે મદદ માગે છે તે તેની મદદ કરે છે. ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવેલાં બાળકો ઘણુંબધું કરવા માગે છે, પરંતુ તેમને ગાઇડ કરનારું કોઈ નથી.

​​​​​​તેમણે વધુમાં કહ્યું હતું કે આવાં બાળકો માટે આપણે દેશમાં મેન્ટર કાર્યક્રમ શરૂ કરીશું. સોનુ સૂદ આ કાર્યક્રમ માટે બ્રાન્ડ-એમ્બેસેડર બનવા માટે તૈયાર થઈ ગયો છે. સોનુ સૂદે દિલ્હીના એજ્યુકેશન મોડલનાં વખાણ કર્યાં હતાં. તેણે કહ્યું હતું કે તમે બાળકોને સારું શિક્ષણ તો આપી દેશો, પરંતુ તેમને યોગ્ય દિશા આપનારું પણ જોઈએ. આ બાળકોને ગાઇડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. વધુમાં સોનુએ કહ્યું હતું, અન્ય લોકોએ પણ બાળકોના મેન્ટર બનવા માટે આગળ આવવું જોઈએ.

પંજાબ વિધાનસભામાં ચૂંટણીમાં સોનુ સૂદની કોઈ ભૂમિકા રહેશે?
પ્રેસ-કોન્ફરન્સમાં સોનુ સૂદને પંજાબ ઇલેક્શન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તો તરત જ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું, 'કોઈ રાજકારણની વાતો થઈ નહોતી.' તો સોનુએ જવાબ આપ્યો હતો કે આ (દેશના મેન્ટર) વાત એનાથી પણ ઘણી જ મોટી છે. મને લાગે છે કે આનાથી કોઈ મોટો મુદ્દો હોઈ શકે નહીં.'

પંજાબમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે?
સોનુને પૂછવામાં આવ્યું કે તે રાજકારણમાં ઝંપલાવશે? તો તેણે કહ્યું હતું કે હાલમાં તેનો આવો કોઈ ઈરાદો નથી. સોનુએ કહ્યું હતું, 'જે સારું કામ કરશે તેની પાછળ-પાછળ આવી જશે.' સોનુએ એમ પણ કહ્યું હતું કે લાંબા સમયથી રાજકીય પાર્ટીઓની ઑફર આવે છે.

કોરોના તથા લૉકડાઉનમાં 'મસીહા' બન્યો
સોનુ સૂદે કોરોનાકાળમાં લગાવવામાં આવેલા લૉકડાઉનમાં સૌ પહેલા પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે મોકલવાનું અભિયાન શરૂ કર્યું હતું. ત્યાર બાદ તે દેશભરના લોકોને વિવિધ રીતે મદદ કરતો રહ્યો છે. પંજાબ તથા દિલ્હી સરકારે સોનુ સાથે મળીને કામ કર્યું છે. આ ઉપરાંત સોનુએ ગુડવર્કર જોબ એપ, સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચલાવ્યા છે. સોનુ સૂદ દેશનાં 16 શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે.