જયપુરમાં ગડકરીનો કટાક્ષ:MLA મંત્રી ન બન્યા તેથી દુઃખી, મંત્રી મુખ્યમંત્રી ન બની શકવાથી દુઃખી; CM એટલા માટે દુઃખી કેમકે ખબર નથી ખુરસી ક્યાં સુધી રહેશે

જયપુરમાં ગડકરીનો કટાક્ષ:MLA મંત્રી ન બન્યા તેથી દુઃખી, મંત્રી મુખ્યમંત્રી ન બની શકવાથી દુઃખી; CM એટલા માટે દુઃખી કેમકે ખબર નથી ખુરસી ક્યાં સુધી રહેશે

રાજસ્થાન વિધાનસભામાં એક સેમિનારને સંબોધન કરતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાની પાર્ટી ભાજપ સહિત તમામ નેતાઓ પર કટાક્ષ કર્યો છે. તેઓએ કહ્યું કે સમસ્યા બધાંને હોય છે. દરેક લોકો દુઃખી છે. MLA એટલા માટે દુઃખી છે કેમકે તે મંત્રી ન બની શક્યા. મંત્રી બની ગયા તો તેઓ એટલા માટે દુઃખી છે કે સારો પોર્ટફોલિયો ન મળ્યો અને જે મંત્રીઓને સારું ખાતું મળ્યું છે તો તેઓ એટલા માટે દુઃખી છે કેમકે મુખ્યમંત્રી ન બની શક્યા. મુખ્યમંત્રી પણ દુઃખી છે તે એટલા માટે દુઃખી છે કેમકે તેમને ખબર નથી કે તેઓ આ પદ પર ક્યાં સુધી રહેશે.

ગડકરી સોમવારે વિધાનસભામાં સંસદીય લોકતંત્ર અને જન અપેક્ષાના વિષય પર સેમિનારને સંબોધન કરી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે જાણીતા વ્યંગકાર શરદ જોશીએ લખ્યું હતું કે જે રાજ્યોમાં કામના ન હતા તેઓને દિલ્હી મોકલી દીધા. જેઓ દિલ્હીમાં કામના ન હતા, તેમને ગવર્નર બનાવી દીધા અને જેઓ ત્યાં પણ કામના ન હતા તેઓને એમ્બેસેડર બનાવી દીધા. ભાજપ અધ્યક્ષ હતો ત્યારે મને એવું કોઈ ન મળ્યું જે દુઃખી ન હોય.

ગડકરીએ કહ્યું- મને એક પત્રકારે પૂછ્યું હતું કે તમે ખુશ કઈ રીતે રહી શકો છે. ત્યારે મેં કહ્યું હતું કે ભવિષ્યની ચિંતા નથી કરતો જે ભવિષ્યની ચિંતા નથી કરતો તે ખુશ રહે છે. વનડે ક્રિકેટની જેમ રમતા રહો. મેં સચિન તેડુંલકર અને સુનિલ ગાવસ્કરને છગ્ગા-ચોગ્ગા લગાડવાનું સિક્રેટ પૂછ્યું તો તેઓએ કહ્યું હતું કે આ તો સ્કિલ છે. આ રીતે રાજકારણ પણ એક સ્કિલ છે.

વધુ સમય સુધી વિપક્ષમાં રહેતા લોકો સત્તામાં આવ્યા બાદ પણ વિપક્ષ જેવું જ વર્તન કરે છે
ગડકરીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને વોટરગેટ કૌભાંડ પછી પદ છોડવું પડ્યું હતું. રાષ્ટ્રપતિ પદ પરથી હટ્યા બાદ લોકોએ કોલોનીમાં રહેવા માટે ઘર પણ આપ્યું ન હતું. નિક્સને લખ્યું હતું કે માણસ હારવાથી કે લડાઈ ન લડવાથી સમાપ્ત નથી થઈ જતો. આપણે તો જીવનભર લડવાનું છે. ક્યારેક-ક્યારેક અમે સત્તામાં હોઈએ છીએ, તો ક્યારેક વિપક્ષમાં. આ તો ચાલતું જ રહે છે. જેઓ વધુ પડતો સમય વિપક્ષમાં રહે છે તે સત્તામાં આવીને પણ વિપક્ષ જેવું જ વર્તન કરે છે. મોટા ભાગે સત્તામાં રહેનાર વિપક્ષમાં રહીને પણ સત્તામાં હોય તેવું વર્તન-વ્યવહાર કરે છે. તેવી તેમને આદત પડી ગઈ હોય છે.

ગડકરીને કોંગ્રેસમાં સામેલ થવાની સલાહ આપવામાં આવી હતી
ગડકરીએ કહ્યું- નાગપુરથી કોંગ્રેસના નેતા ડૉ. શ્રીકાંત મારા સારા મિત્ર હતા. તેઓએ 17થી વધુ વિષયોમાં પીજી કર્યું હતું. હું તે સમયે ચૂંટણી હારી ગયો હતો અને તે સમયે ભાજપની સ્થિતિ આજ જેવી નહોતી. તેઓએ મને ત્યારે કહ્યું કે નીતિન તું સારો છે, પરંતુ તારી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી. તું કોંગ્રેસમાં આવી જા. મેં ત્યારે તેમને વિન્રમતાથી ના પાડી દીધી હતી. ઉતાર-ચઢાવ આવતા રહે છે પરંતુ તમારે વિચારધારા પ્રત્યે તો લોયલ જ રહેવું જોઈએ.

ભાજપે હાલમાં જ ગુજરાતના CM બદલ્યા, ગડકરીનો કટાક્ષ તે તરફ પણ હતો
નીતિન ગડકરીએ મંત્રી અને મુખ્યમંત્રી દુઃખી હોવાનું ઉદાહરણ આપીને નામ લીધા વગર પોતાની જ પાર્ટી પર કટાક્ષ કર્યો હતો. રવિવારે જ ગુજરાતમાં મુખ્યમંત્રીને બદલવામાં આવ્યા છે અને ત્યાં વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રમાં પણ કોઈ દાવેદાર મંત્રી ન બની શક્યા. રાજ્યમાં પણ આવી જ સ્થિતિ છે. રાજસ્થાનમાં પણ મંત્રીમંડળ વિસ્તરણને લઈને ખેંચતાણ લાંબા સમયથી ચાલી રહી છે.