જીવવા માટે વેક્સિન જરૂરી:સરકારે કહ્યું- વેક્સિનના બંને ડોઝ લેવાથી કોરોનાને કારણે મોતનો ખતરો 97% ઓછો, એક ડોઝ પણ 96% સુરક્ષા આપે છે

જીવવા માટે વેક્સિન જરૂરી:સરકારે કહ્યું- વેક્સિનના બંને ડોઝ લેવાથી કોરોનાને કારણે મોતનો ખતરો 97% ઓછો, એક ડોઝ પણ 96% સુરક્ષા આપે છે

વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ મોતની શક્યતા 96.6% સુધી ઓછી થઈ જાય છે. તો બીજા ડોઝ પછી શક્યતા 97.5% સુધી ઘટી જાય છે. સરકારે ગુરૂવારે આ જાણકારી સાર્વજનિક કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે આ જાણકારી એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ડેટા પર થયેલા રિસર્ચના આધારે જાહેર કરાયા છે.

ડેટાનું અધ્યયન કર્યા બાદ એવી વાત સામે આવી છે કે બીજી લહેરમાં એપ્રિલથી મે વચ્ચે સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના તે લોકો હતા જેઓએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હતો. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ વીકે પૉલે કહ્યું કે વેક્સિનેશન સંક્રમણ વિરૂદ્ધ એક મોટું હથિયાર છે. દેશમાં વેક્સિનનો પૂરતો સ્ટોક છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ વેક્સિન જરૂરથી લે.

સ્કૂલને ફરી ખોલવા માટે વેક્સિનેશન જેવી કોઈ જ શરત નથી
નીતિ આયોગના સ્વાસ્થ્ય વિભાગના સભ્ય ડૉ. વીકે પોલે મીડિયા બ્રીફમાં જણાવ્યું કે સ્કૂલને ફરીથી ખોલવા માટે બાળકોના વેક્સિનેશન અંગેની કોઈ જ શરત નથી. પૉલે કહ્યું કે સ્કૂલ સ્ટાફને વેક્સિન લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે સરકાર બાળકોની વેક્સિનને લઈને ગંભીર છે અને તે અંગે તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.

દેશમાં વેક્સિનેશનનો આંકડો 72 કરોડને પાર
પૉલે વધુમાં જણાવ્યું કે દેશમાં વેક્સિનેશન આંકડો 72 કરોડને પાર થઈ ગયો છે. 18 વર્ષથી વધુની ઉંમરના 58% લોકોને સિંગલ ડોઝ આપી દેવાયો છે. તેને 100 ટકા પર લઈ જવી જરૂરી છે. આ હર્ડ ઈમ્યૂનિટી માટે પણ જરૂરી છે. આપણે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે વેક્સિનેશન બધાંનું જ થાય.

તહેવારને લઈને આપી ચેતવણી
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર ખતમ નથી થઈ. તહેવારની સીઝન શરૂ થાય તે પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે ફરી એક વખત લોકોને સતર્ક રહેવા અને બેદરકારી ન કરવાની ચેતવણી આપી છે.

સરેરાશ 78 લાખ લોકોનું થઈ રહ્યું છે વેક્સિન
ભૂષણે વધુમાં જણાવ્યું કે દેશમાં વેક્સિનેશન ઝડપથી વધી રહ્યું છે. મેમાં જ્યાં સરેરાશ 20 લાખ લોકોને દરરોજ વેક્સિન લગાડવામાં આવતી હતી તે સપ્ટેમ્બરમાં 78 લાખ થઈ ગઈ છે. અમે મેની 30 દિવસની તુલનામાં સપ્ટેમ્બર પહેલાં 7 દિવસોમાં વધુ વેક્સિન આપી છે. છેલ્લાં 24 કલાકમાં 86 લાખ ડોઝ અપાયા છે. અમારે તહેવાર પહેલાં વેક્સિનેશનની સ્પીડ વધારવી છે. આશા છે કે હજુ વધુ ગતિ વધશે.

કુલ સંક્રમિતના 68% કેસ એકલા કેરળમાં
ભૂષણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં સંક્રમણના 43,263 કેસ નોંધાયા છે. કેરળમાં 32 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દેશમાં ગત સપ્તાહે કુલ સંક્રમિતોના 68% કેસ કેરળમાં જ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે કોરોનાની પહેલી લહેર દરમિયાન કેસમાં ઘટાડાનો દર 50% હતો જે આ લહેરમાં તેનાથી ઓછો થયો છે. અમે હજુ પણ કેસમાં વધારો જોઈએ છીએ, આ વધારો હજુ ખતમ નથી થયો.