જૂની મિલકત ટ્રાન્સફર કરવા હજારો રૂપિયાની સ્ટેમ્પ ડયૂટી : લોકો ત્રસ્ત

જૂની મિલકત ટ્રાન્સફર કરવા હજારો રૂપિયાની સ્ટેમ્પ ડયૂટી : લોકો ત્રસ્ત

એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડયૂટીના પત્રથી હજારો દસ્તાવેજો અટવાયા 

જૂની મિલકતોમાં એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડયૂટી ભરાઈ છે કે નહિ તે સ્પષ્ટતા કરો પછી જ હોમ લોન માટેની અરજી પ્રોસેસ થશે : બેન્ક

અમદાવાદ : જૂની મિલકતના સોદા કરનારાઓ પાસે પહેલીવાર મિલકતનો સોદો થયો ત્યારે તેના એલોટમેન્ટ  લેટર પર સ્ટેમ્પ ડયૂટી ન ભરી હોય તો તે ભરી દેવાની સૂચના સાથે તેમના માથે હજારો રૂપિયાની સ્ટેમ્પ ડયૂટીની જવાબદારી ઊભી કરવામાં આવી હોવાથી સમગ્ર ગુજરાતમાં એપ્રિલ 1982થી સપ્ટેમ્બર 2001ના સમયગાળામાં થયેલા મિલકતના સોદાઓ આજે પડે અને આ સોદાના દસ્તાવેજની નોંધણી કરાવવા જાય તો તેમની પાસેથી હજારો રૂપિયાની સ્ટેમ્પ ડયૂટીના માગણી કરવામાં આવી રહી છે. 

ઉદાહરણ આપીને વાત કરીએ તો 1993માં રૂા. 2.5 લાખની કિંમતમાં ખરીદેલી મિલકતના એલોટમેન્ટ લેટર પર આજે તે વખતના 8 ટકા સ્ટેમ્પ ડયૂટીના દર તથા 25 ટકા સરચાર્જ સાથે રૂા. 25000ની સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફીને 1.5 ટકાના રૂા. 2750 મળીને 28,750ની માગણી કરવામાં આવી રહી છે.

તદુપરાંત ફોટો કોપીને પણ ફી લેવાતી હતી. આ  ફી ન જમા કરાવનારાઓના  દસ્તાવેજ રીલીઝ કરવાનું અટકાવી દેવાયું છે. પરિણામે જૂની મિલકત ખરીદનારાઓના હજારો દસ્તાવેજો નાયબ કલેક્ટરની કચેરીમાં અટવાઈ ગયા છે.

એલોટમેન્ટ લેટર પર પક્ષકારે સ્ટેમ્પ ડયૂટી ભરીને પક્ષકારે તેમનો દસ્તાવેજ પરત લેવો હોય તો રૂા. 300ના સ્ટેમ્પ પર એલોટમેન્ટ ડિક્લેરેશન નાયબ કલેક્ટરની કેચરીના અધિકારીઓ માગી રહ્યા છે. આ ડિક્લેરેશનમાં શરતચૂકથી સ્ટેમ્પ ડયૂટી ભરવાની રહી ગઈ હોવાની કબૂલાત પણ કરાવી રહ્યા છે.

આ દસ્તાવેજની નોંધણી સબરજિસ્ટ્રારની કચેરીમાં કરવા જણાવવામાં આવે છે. ત્યારબાદ તે દસ્તાવેજની સબરજિસ્ટ્રાર સમક્ષ સ્ટેમ્પ ડયૂટી વસૂલી નોંધણી કરવા માટે મોકલી આપવામાં આવે છે. આમ એલોટમેન્ટના પત્ર પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી ભરી દેવામાં આવે તો જ જૂના દસ્તાવેજો પરત કરવામાં આવે છે. 

નાયબ કલેક્ટરની કચેરીમાં દસ્તાવેજો મોકલી આપવામાં આવ્યા હોવાથી બેન્કો પણ લોન આપવાની અટકાવીને બેસી ગઈ છે. બેન્કો પણ લોન માટે અરજી કરનારાઓને કહે છે કે એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડયૂટી ભરી છે કે નહિ તે સ્પષ્ટ કરાવી લાવો તે પછી લોનના કાગળો પ્રોસેસ કરવામાં આવશે. 8મી એપ્રિલ 1992થી 31મી માર્ચ 2003 સુધી મિલકતની ખરીદી પર 8 ટકા સ્ટેમ્પ ડયૂટી અને 25 ટકા સરચાર્જ વસૂલવામાં આવતો હતો. 

અગાઉના કોઈપણ સુપરિન્ટેન્ડન્ટ ઑફ સ્ટેમ્પે આ પ્રકારના પત્ર નથી કર્યા તેમ છતાંય જૂની મિલકતોમાંથી સ્ટેમ્પ ડયૂટીની આવક ઊભી કરવા માટે આ પત્ર કરીને લોકોની હાલાકી સુપરિન્ટેન્ડન્ટ ઑફ સ્ટમ્પે વધારી  હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતના સુપરિન્ટેન્ડન્ટ ઑફ સ્ટેમ્પ દિનેશ પટેલે સમ્યક-સમતોલ વિચાર કર્યા વિના જ 13મી જુલાઈ 2021ના દિવસે 1982ની 27મી એપ્રિલથી 2000ની સાલ સુધીમાં તમામ હાઉસિંગ કોઓપરેટીવ સોસાયટીઓમાં આપવામાં આવેલા એલોટમેન્ટ લેટર પર મિલકતની કરવામાં આવેલી તબદિલી પર સ્ટેમ્પડયૂટી ભરવાની થતી હોવાનું જણાવ્યું હતું.

પરિણામે જૂની મિલકતની લે વેચ કરનારાઓના દસ્તાવેજો રીલીઝ કરવામા ંકચેરીના અધિકારીઓ ગલ્લાંતલ્લાં કરી રહ્યા છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની કલમ 33ની જોગવાઈ હેઠળ તેમના દસ્તાવેજો અટકાવવામાં આવી રહ્યા છે. આ મિલકતના પહેલા એલોટમેન્ટ પર સ્ટેમ્પ ડયૂટી જમા કરાવી છે કે નહિ તેવો સવાલ ઊભો કરીને તે દસ્તાવેજ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયૂટીને મોકલી આપે છે. 

સ્ટેમ્પડયૂટી ભર્યા પછી કોર્ટ પત્રને  ખોટો ઠેરવે તો પણ ભરેલી ડયૂટી પાછી ન મળે

સુપરિન્ટેન્ડન્ટ ઑફ સ્ટેમ્પના પત્ર સામે કોઈ પક્ષકાર કોર્ટમાં જાય અને કોર્ટ પત્રને અયોગ્ય ઠેરવી રદ બાતલ કરી દે તો પણ એકવાર તેના પર જમા કરાવી દીધેલી સ્ટેમ્પ ડયૂટી પક્ષકારને પરત મળતી નથી. તેથી દસ્તાવેજ નોંધાવવા જનારાઓ સ્ટેમ્પ ડયૂટી ભરતાં ખચકાઈ રહ્યા છે. 

સ્ટેમ્પ વેન્ડરના રૂા.3300 કરોડના રિફંડ બે વર્ષે પણ પરત નથી મળ્યા

કાગળના સ્ટેમ્પ સરેન્ડર કરાવનારા સ્ટેમ્પ વેન્ડરોને બે વર્ષ થયા તેમ છતાંય તેમના પૈસા આજ સુધી પાછા મળ્યા જ નથી. એક સમયે નાસિકના પ્રીન્ટિંગ પ્રેસમાં છપાઈને વેચાતા પેપર સ્ટેમ્પ કાઢી નાખવાનો ગુજરાત સરકારે 17મી સપ્ટેમ્બર 2019ના નિર્ણય કર્યો તે વખતે રૂા.3300 કરોડના કાગળના સ્ટેમ્પ હતા. આ સ્ટેમ્પ વપરાઈ જાય તે પછી જ ઓનલાઈન ઇ-સ્ટેમ્પ ચાલુ કરવાની સ્ટેમ્પ વેન્ડરોએ વિનંતી કરી છતાં સુપરિન્ટેન્ડન્ટે તે કાગળના સ્ટેમ્પનો નાશ કરાવી તેની પાછળ કરેલો પ્રિન્ટિ, પેપર, ટ્રાન્સપોર્ટેશન તથા સિક્યોરિટીના ખર્ચનું કરોડોનું નુકસાન કરાવ્યું છે.