વેક્સિનેશન સર્ટીફિકેટ થોડી સેકન્ડ્સમાં મળશે:વોટ્સએપ પર મંગાવી શકાશે વેક્સિનેશન સર્ટીફિકેટ, એક મોબાઈલ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે

વેક્સિનેશન સર્ટીફિકેટ થોડી સેકન્ડ્સમાં મળશે:વોટ્સએપ પર મંગાવી શકાશે વેક્સિનેશન સર્ટીફિકેટ, એક મોબાઈલ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે

સર્ટીફિકેટ મેળવવા માટે +91 9013151515 નંબરને મોબાઈલમાં સેવ કરવાનો રહેશે

covid certificate લખી આ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે

 

દેશ-વિદેશમાં ટ્રાવેલર્સને પ્રવેશ આપતા પહેલા વેક્સિનેશન સર્ટીફિકેટ દેખાડવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ અનેક રાજ્યો આ અંગે સહમતિ દર્શાવી ચુક્યા છે. દરમિયાન સરકારે વેક્સિન સર્ટીફિકેટ મેળવવાની પ્રક્રિયાને સરળ કરવા માટે પગલા ભર્યાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે હવે કોરોના વેક્સિનેશન સર્ટીફિકેટ વોટ્સએપ મારફતે થોડી સેકન્ડોમાં જ હાંસલ કરી શકાશે. સરકારના આ નિર્ણયથી એવા લોકોને સુવિધા મળશે કે જેમને કોવિડ પોર્ટલ અથવા એપથી વેક્સિન સર્ટીફિકેટ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સ્વાસ્થ્ય મંત્રીએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જે વ્યક્તિ વેક્સિનેશન સર્ટીફિકેટ પ્રાપ્ત કરવા માગે છે તેમણે મોબાઈલથી એક વોટ્સએપ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ કેટલીક સેકન્ડમાં જ વેક્સિન સર્ટીફિકેટ મોકલવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પર આ પગલાને સામાન્ય નાગરિકો માટે શાનદાર નિર્ણય ગણાવ્યો હતો.

રજિસ્ટર્ડ નંબર પર આવશે OTP
સર્ટીફિકેટ મેળવવા માટે +91 9013151515 નંબર મોબાઈલમાં સેવ કરવાનો રહેશે. ત્યારબાદ covid certificate લખી આ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. જે નંબરથી વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરવામાં આવશે તે નંબર પર OTP આવશે. તેને પણ વોટ્સએપના મેસેજ બોક્સમાં લખીને મોકલવાનો છે. ત્યારબાદ થોડી સેકન્ડમાં કોવિડ સર્ટીફિકેટ આવી જશે.

કોંગ્રેસ સાંસદ થરુરે પણ પ્રશંસા કરી
સ્વાસ્થ્ય મંત્રાલય ઉપરાંત કોંગ્રેસ સાંસદ શશિ થરુરે પણ સર્ટીફિકેટ પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયાને સમજાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી શેર કરતા કહ્યું કે જ્યારે પણ સરકારે કોઈ સારું કામ કર્યું છે, મે હંમેશા તે કામની પ્રશંસા કરી છે. કોવિડ એપના ટીકાકાર હોવા છતા હું સરકારનું આ એક શાનદાર પગલું ગણાવું છું. હવે વેક્સિનેશન સર્ટીફિકેટ પ્રાપ્ત કરવા માટે તમારે ફક્ત એક નંબર પર વોટ્સએપ મેસેજ મોકલવાનો છે અને થોડીવાર બાદ તમને સર્ટીફિકેટ મળી જશે.

અગાઉ કોવિડ અને ઉમંગ એપ પર મળતુ હતુ સર્ટીફિકેટ
આ અગાઉ વેક્સિનેશન સર્ટીફિકેટ ડાઉનલોડ કરવા માટે કોવિડ એપ અથવા પોર્ટલ, આરોગ્ય સેતુ અને ઉમંગ એપની મદદ લેવી પડતી હતી. આ પ્રક્રિયાથી હજુ પણ સર્ટીફિકેટ મેળવી શકાય છે. વેક્સિનનો એક ડોઝ લીધા બાદ પ્રોવિઝનલ અને બન્ને ડોઝ બાદ ફાઈનલ સર્ટીફિકેટ આપવામાં આવે છે.