ભારતની ઓલિમ્પિક્સ યાત્રા : દેશે 4 ઓલિમ્પિક્સમાં 20 મેડલ જીત્યા; તેમાં 11 હરિયાણાના, કારણ-સ્કૂલથી જ તૈયારી

ભારતની ઓલિમ્પિક્સ યાત્રા : દેશે 4 ઓલિમ્પિક્સમાં 20 મેડલ જીત્યા; તેમાં 11 હરિયાણાના, કારણ-સ્કૂલથી જ તૈયારી

આ વર્ષે 1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 બ્રોન્ઝ સાથે પૂર્ણ, જે 121 વર્ષનો સર્વશ્રેષ્ઠ દેખાવ

હરિયાણામાં 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ લાવે તેને સરકારી નોકરી મળે છે, ટ્રેનિંગ માટે વિદેશ મોકલે છે

...આ કારણ છે કે આ વખતે પણ દેશમાં 50% ઓલિમ્પિક્સ મેડલ હરિયાણાના ખેલાડીએ જીત્યા, એશિયન ગેમ્સમાં 33% જીત્યા હતા

2000ની ઓલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ મેડલ જીત્યો એટલે ત્યારથી જ હરિયાણાએ ઓલિમ્પિક્સ માટે ખેલાડીઓને તૈયાર કરવાનું શરૂ કર્યું. આ તેનું પરિણામ છે.

 

ઓલિમ્પિક્સના દેખાવમાં સૌથી મોટું યોગદાન હરિયાણાનું રહ્યું. અહીંના ખેલાડીઓએ એક ગોલ્ડ સહિત 3 મેડલ જીત્યા. દેશના 7 મેડલમાંથી એક હોકીનો છે. તેમાં હરિયાણાના 2 ખેલાડી છે. 6 વ્યક્તિગત મેડલમાંથી અડધા હરિયાણાના ખેલાડીઓએ જીત્યા. દેશની વસતીમાં હરિયાણાની હિસ્સેદારી 2% છે, 127 ખેલાડીઓની આ ટુકડીમાં હરિયાણાની હિસ્સેદારી 24% (30)ની રહી. હરિયાણાએ આવો સરસ દેખાવ કેવી રીતે કર્યો? જવાબ છે કે 2000ની ઓલિમ્પિક્સ પછી ખેલાડીઓને પ્રોત્સાહન અને સૌથી વધુ આર્થિક મદદ આપવી શરૂ કરી.

ખેલાડીઓને હરિયાણા આ રીતે પ્રોત્સાહન આપે છે, શાળા-કોલેજ સ્તરે લાખોના કેશ એવોર્ડ, કોચની ટ્રેનિંગ પણ વિદેશમાં

  • પાયો: હરિયાણામાં સ્પોર્ટ્સ નર્સરી છે. ટ્રેનિંગની સાથે પ્રોત્સાહન અપાય છે. શાળા-કોલેજ સ્તરે નેશનલ મેડલિસ્ટને 6 લાખ રૂપિયા સુધી કેશ એવોર્ડ મળે છે. માત્ર અઢી કરોડની વસતીવાળા રાજ્યમાં સાઈના 22 કેન્દ્ર છે જ્યારે 23 કરોડની વસતીવાળા યુપીમાં 20 સેન્ટર, 8 કરોડની વસતીવાળા મ.પ્ર.માં 16, એટલી જ વસતી ધરાવતા રાજસ્થાનમાં 10, છત્તીસગઢ અને ગુજરાતમાં માત્ર 3-3 સેન્ટર છે.
  • બજેટઃ હરિયાણાનું છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ સ્પોર્ટ્સ બજેટ 300 કરોડથી વધુનું રહ્યું છે. આ વખતે 394 કરોડનું છે. રાજસ્થાનમાં માત્ર 100 કરોડ.
  • કોચિંગ: હરિયાણા ઇન્ટરનેશનલ મેડલવાળા ખેલાડીના કોચને 20 લાખ રૂપિયા સુધી ઇન્સેન્ટિવ. કોચને ટ્રેનિંગ માટે વિદેશ મોકલાય છે. મ.પ્ર., રાજસ્થાન, ગુજરાત, બિહાર, છત્તીસગઢમાં સુવિધા નથી.
  • પ્રોત્સાહનઃ ઓલિમ્પિક્સ ગોલ્ડ જીતનારને 6 કરોડ, સિલ્વર માટે 4 કરોડ અને બ્રોન્ઝ માટે 2.5 કરોડ આપે છે. તૈયારી માટે 15 લાખ મળે છે.

એક્સપર્ટ વ્યૂઃ ઇન્સેન્ટિવની જાહેરાત જીત્યા પછી નહીં, પહેલા કરો
સરકારો જીત્યા પછી ઇન્સેન્ટિવની જાહેરાત કરે છે. આ પહેલા કરવું જોઈએ. આથી ખેલાડીઓની માનસિકતામાં સુધારો થાય છે. વિચાર સકારાત્મક બને છે. આપણે રમતને ગામ સુધી લાવવી જોઈએ. એ પણ જોવું જોઈએ કે કેટલા ટકા બાળકો રમે છે. દરેક સેન્ટરમાં યુથ, જુનિયર, સિનિયર એકેડેમી બને. જે રાજ્યમાં જે રમત પ્રખ્યાત હોય તે અનુસાર ખેલાડીઓની પસંદગી કરો અને ટ્રેનિંગ આપો.