જગન્નાથજીની નગરચર્યા:પુરીની જેમ અમદાવાદમાં માત્ર ત્રણ રથ સાથે રથયાત્રા યોજાશે

જગન્નાથજીની નગરચર્યા:પુરીની જેમ અમદાવાદમાં માત્ર ત્રણ રથ સાથે રથયાત્રા યોજાશે

 
  • રથયાત્રા ભક્તો, ટ્રક, અખાડા, મંડળીઓ વિના કાઢવા તૈયારી

કોરોનાને કારણે આ વર્ષે જગન્નાથ પુરીમાં રથયાત્રા દર્શનાર્થીઓ વિના માત્ર ત્રણ રથ સાથે કાઢવાનું નક્કી કરાયું છે. એ જ પ્રમાણે અમદાવાદની રથયાત્રા પણ માત્ર ત્રણ રથ સાથે જ કાઢવા તૈયારીઓ ચાલી રહી છે, જે માટે રથયાત્રાના રૂટ પરના વિસ્તારોમાં કર્ફ્યૂ લાદીને લોકો ઘરથી જ રથયાત્રાનાં દર્શન કરે તેવી વ્યવસ્થા ઊભી કરવા વિચારણા ચાલી રહી છે.

આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં નીકળે તેને લઈને અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. જોકે હવે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ જોતાં રથયાત્રા નીકળશે જ. આથી પોલીસે રથયાત્રા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ તો આ વર્ષે રથયાત્રા ટ્રક, અખાડા, ભજન મંડળીઓ, ભક્તો વગર માત્ર ત્રણ રથ સાથે જ કાઢવાની દિશામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

ગયા વર્ષે પણ માત્ર ત્રણ રથ સાથે રથયાત્રા કાઢવાની પ્રપોઝલ સરકારે મંદિર ટ્રસ્ટી મંડળ સમક્ષ મૂકી હતી, પરંતુ તે પ્રમાણે રથયાત્રા કાઢી શકાઈ ન હતી અને મંદિર પરિસરમાં જ ત્રણેય રથની પરિક્રમા કરાવવામાં આવી હતી. તાજેતરમાં જ પોલીસે રથયાત્રાના રૂટમાં આવતા ભયજનક મકાન, ઝાડ તથા ધાબા પોઇન્ટ્સની સમીક્ષા કરી હતી. જળયાત્રા પણ મર્યાદિત લોકો સાથે યોજાવાની છે.

3 જ રથ હશે તો જગન્નાથજીની રથયાત્રા માત્ર 4 કલાકમાં જ નિજ મંદિર પરત ફરશે
જો માત્ર ત્રણ રથ સાથે જ રથયાત્રા નીકળે તો જગન્નાથજીની નગરચર્યા માત્ર 4 કલાકમાં જ પૂરી થશે. બીજી તરફ દર વર્ષે રથયાત્રામાં પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ મળીને 20-25 હજાર જવાનો બંદોબસ્તમાં તહેનાત રહે છે. જોકે ચાલુ વર્ષે પણ પોલીસના બંદોબસ્તમાં કોઇ જ ફરક નહીં પડે તેવું પોલીસ અધિકારીઓનું કહેવું છે. તેનું કારણ એ છે કે રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર નીકળશે તો આખા રૂટ પર પોલીસ બંદોબસ્ત તો રહેશે જ .

રથયાત્રા પહેલાં થતી તમામ વિધિ પણ થશે
રથયાત્રા પહેલાની તમામ ધાર્મિક વિધિ મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવશે. જોકે મંદિર ટ્રસ્ટી મંડળે પોલીસ કમિશનરને જે અરજી કરી છે તેમાં જળયાત્રા-રથયાત્રા સહિતના કાર્યક્રમો યોજવા માટે મંજૂરી માગવામાં આવી હતી.

સ્થાનિક આગેવાનો સાથે મીટિંગો શરૂ કરાઈ
રથયાત્રાના રૂટ પર આમ પણ દુકાનો, બજારો બંધ જ રહે છે. જોકે ચાલુ વર્ષે કોરોનાના કારણે રથયાત્રા રૂટના વિસ્તારોમાં કર્ફ્યૂ લાદીને રથયાત્રા કાઢવી કે પછી જનતા કર્ફ્યૂ રાખવો તે નક્કી કરવા માટે પોલીસે સ્થાનિક આગેવાનો સાથે મીટિંગો શરૂ કરી છે.

( Source - Divyabhaskar )