ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળાઓમાં નવરાત્રિ વેકેશન કરાયું રદ્દ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળાઓમાં નવરાત્રિ વેકેશન કરાયું રદ્દ

ઉનાળું વેકેશન પુરું થવાના આરે છે ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસ બાદ શાળા અને કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. સાથો સાથ ગયા વર્ષથી શરૂ કરવામાં આવેલું નવરાત્રી વેકેશન રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટની મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું. આમ હવેથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રાબેતા મુજબ જ આપવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમમાંએ જણાવ્યું હતું કે, આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠ મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વિકેશન લંબાવાનું નથી. 

બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું છે. પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે જ્યારે બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્રમાં 8 દિવસનું વેકેશન રહેશે જે કેબિનેટના નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે.