SC/ST એક્ટઃ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પાછો ખેંચ્યો

SC/ST એક્ટઃ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પાછો ખેંચ્યો

નવી દિલ્હી, તા. 1 ઓક્ટોબર 2019 મંગળવાર

SC/ST એક્ટ અંગેના પોતાના જ અગાઉના ચુકાદાને સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે સવારે બદલાવીને સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

આ કાયદામાં એવી જોગવાઇ હતી કે SC/ST કેસમાં તરત સંબંધિત વ્યક્તિની ધરપકડ કરવી અને એને આગોતરા જામીન ન આપવા. અગાઉ સુપ્રીમ કોર્ટે આ બંને જોગવાઇ પર સ્ટે આપ્યો હતો. આજે સવારે સુપ્રીમ કોર્ટે એ સ્ટે ઊઠાવી લીધો હતો.

ત્રણ જજોની બનેલી બેન્ચે ગયા વરસે આ સ્ટે આપ્યો હતો. આજે બે જજની બનેલી બેન્ચે એ સ્ટે રદ કર્યો હતો. ગયા વરસે સુપ્રીમ કોર્ટે આ સ્ટે આપ્યો ત્યારે કેન્દ્ર સરકારે એ નિર્ણય બદલવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

આ સ્ટે આપતી વખતે સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે તરત ધરપકડની જોગવાઇથી નિર્દોષ વ્યક્તિ પણ SC/STની ખોટી ફરિયાદનો ભોગ બની શકે છે. ખાસ કરીને સરકારી કર્મચારીની ધરપકડ પહેલાં સંબંધિત ખાતાના વડાની પરવાનગી લેવાની જોગવાઇ સુપ્રીમ કોર્ટે સૂચવી હતી.

કેન્દ્ર સરકારે આ નિર્ણયનો પુનઃવિચાર કરવાની અરજી કોર્ટમાં દાખલ કરી હતી. આજે એ અરજીની સુનાવણીમાં કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ગયા વર્ષના માર્ચની 20મીએ ત્રણ જજોની બેન્ચે આપેલો ચુકાદો રદ કર્યો હતો.