UK હાઇકોર્ટે નિઝામના 306 કરોડ રૂ.ના ફંડ પર પાકિસ્તાનનો દાવો ફગાવ્યો, ભારતના પક્ષમાં નિર્ણય

UK હાઇકોર્ટે નિઝામના 306 કરોડ રૂ.ના ફંડ પર પાકિસ્તાનનો દાવો ફગાવ્યો, ભારતના પક્ષમાં નિર્ણય

  • 1948માં તત્કાલીન નિઝામે લંડનની બેન્કમાં 1 મિલિયન પાઉન્ડ મોકલ્યા હતા, તેની માલિકીના હક અંગે કેસ ચાલી રહ્યો હતો
  • એ સમયે જે 1 મિલિયન પાઉન્ડ મોકલવામાં આવ્યા હતા તે અત્યારે 35 મિલિયન પાઉન્ડ (લગભગ 306 કરોડ રૂપિયા) બની ગયા છે

ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇન્ગ્લેન્ડ અને વેલ્સની હાઇકોર્ટે હૈદરાબાદના તત્કાલીન નિઝામથી જોડાયેલા 71 વર્ષ જૂના કેસમાં બુધવારે ભારત અને હૈદરાબાદના સાતમાં નિઝામના બે ઉત્તરાધિકારીઓના પક્ષમાં ચૂકાદો આપીને પાકિસ્તાનનો દાવો ફગાવી દીધો હતો. 1948માં તત્કાલીન નિઝામે લંડનની બેન્કમાં 1 મિલિયન પાઉન્ડ જમા કરાવ્યા હતા. આ પૈસાની માલિકી અંગે કેસ ચાલી રહ્યો હતો. એ સમયની રકમ અત્યારે 306 કરોડ રૂપિયા સુધી થઇ ગઇ છે. આ પૈસા લંડનની નેશનલ વેસ્ટમિન્સ્ટર બેન્ક પાસે સુરક્ષિત છે.

યૂકે હાઇકોર્ટે પાકિસ્તાનના દાવાને ફગાવ્યો – વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદન પ્રમાણે, ”બુધવારે તેમના ચૂકાદામાં યૂકે હાઇકોર્ટે પાકિસ્તાનના એ દાવાને ફગાવી દીધો છે કે આ પૈસા મોકલવાનો ઉદ્દેશ્ય હથિયારો ખરીદવાનો અથવા કોઇ ગિફ્ટ તરીકે આપવાનો હતો. કોર્ટે 1948માં આ ફંડનો હક સાતમા નિઝામ પાસે હોવાનું કહ્યું અને તેમના ગયા બાદ તેમના વારસદારો અને ભારતનો હક જણાવ્યો છે. ”

71 વર્ષ પહેલાનો મામલો

આ વિવાદની શરુઆત ભારતના વિભાજન સમયે થઇ હતી. 1948માં હૈદરાબાદના તત્કાલીન નિઝામે લંડનમાં તત્કાલીન પાકિસ્તાન ઉચ્ચાયુક્ત રહિમતુલ્લાહ પાસે લગભ એક મિલિયન પાઉન્ડની રકમ સુરક્ષિત રીતે રાખવા માટે મોકલી હતી. આ સમયે હૈદરાબાદમાં નિઝામનું શાસન હતું. તે ભારત સરકાર આધીન ન હતું. જોકે અમુક દિવસો બાદ નિઝામે કહ્યું કે આ રકમ તેની મંજૂરી વગર મોકલવામાં આવી છે તેથી બેન્ક તે પાછી આપે. જોકે બેન્કે પૈસા આપવાનો ઇનકાર કરીને કહ્યું કે તે રકમ અન્ય ખાતામાં છે. બેન્કનું કહેવું હતું કે આ ફંડ પાકિસ્તાનના ખાતમાં જતી રહી છે તેથી તેમની મંજૂરી વિના આ પૈસા પાછા આપી શકાય તેમ નથી.

નિઝામે કેસ દાખલ કર્યો

બેન્કના પૈસા આપવાથી ઇનકાર બાદ 1950ના દાયકામાં નિઝામે બેન્ક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરુ કરી દીધી. આ મામલો હાઉસ ઓફ લોર્ડ્સ સુધી પહોંચી ગયો. ત્યાં આ પૈસાની માલિકીના હક્ક અંગે નિર્ણય ન થઇ શક્યો કારણ કે પાકિસ્તાને સંપ્રભુ પ્રતિરક્ષાનો દાવો કરી દીધો. ત્યારબાદથી આ પૈસા યૂકેની નેટવેસ્ટ બેન્કમાં ફ્રીઝ પડ્યા હતા. જે આજસુધીમાં વધીને 306 કરોડ રૂપિયા થઇ ગયા છે.

6 વર્ષ પહેલા ફરી શરુ થઇ સુનવણી
2013માં પાકિસ્તાને આ ફંડ પર તેનો દાવો કરીને કેસની કાર્યવાહી આગળ વધારવા માટે તેની સંપ્રભુ પ્રતિરક્ષાને પરત ખેંચી લીધીત. કેસમાં ફરી પ્રક્રિયા શરુ થયા બાદ નિઝામ પરિવાર અને ભારત સરકાર વચ્ચે આ મામલાને લઇને એક કરાર થયો અને ભારતે આ પૈસા પર નિઝામ પરિવારના દાવા પર સમર્થન કર્યું. યૂકે હાઇકોર્ટમાં પાકિસ્તાન સરકારનો દાવો ફગાવી દેવામાં આવ્યો. આ ફંડ પર નિઝામ પરિવારનો હક્ક હોવાનું જણાવવામાં આવ્યું છે.

1954માં હાઉસ ઓફ લોર્ડ્સે આ વિવાદિત રકમ ફ્રીઝ કરી દીધી હતી
1954માં સાતમા નિઝામ અને પાકિસ્તાન વચ્ચે કાયદાકીય લડાઈ શરૂ થઈ. નિઝામે પૈસા પાછા લેવા લંડન હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં. હાઈકોર્ટમાં આ મામલો પાકિસ્તાનની તરફેણમાં ગયો, જેથી નિઝામે કોર્ટ્સ ઓફ અપીલમાં જવું પડ્યું. ત્યાં નિઝામની જીત થઈ, પરંતુ ત્યાર પછી પાકિસ્તાને આગળ વધીને યુકેની સુપ્રીમકોર્ટ હાઉસ ઓફ લોર્ડ્સમાં અપીલ કરી. પાકિસ્તાનની દલીલ હતી કે નિઝામ પાકિસ્તાન પર કોઈ પ્રકારનો કેસ ના કરી શકે કારણ કે પાકિસ્તાન એક સાર્વભૌમત્વ ધરાવતો દેશ છે. હાઉસ ઓફ લોર્ડ્સે પાકિસ્તાનની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેમની દલીલ યોગ્ય ઠેરવતા કહ્યું કે નિઝામ પાકિસ્તાન પર કેસ ના કરી શકે, પરંતુ આ સાથે કોર્ટે 10 લાખ પાઉન્ડની વિવાદિત રકમ પણ ફ્રીઝ કરી દીધી હતી.