ઓમ, શ્રીફળ, લાડુનો પ્રસાદ, ફૂલોનો હાર, ટાયરમાં લીંબુ… આ રીતે થઈ અવકાશી યોદ્ધાની શસ્ત્રપૂજા

ઓમ, શ્રીફળ, લાડુનો પ્રસાદ, ફૂલોનો હાર, ટાયરમાં લીંબુ… આ રીતે થઈ અવકાશી યોદ્ધાની શસ્ત્રપૂજા

સંરક્ષણ મંત્રીએ રફાલમા 30 મિનિટ ઉડાન ભરી, ‘રફાલ’નો અર્થ ‘આંધી’ થાય છે અને આ વિમાન આંંધી જેવું જ કામ કરશે : રાજનાથ 

મેરિનેક (ફ્રાન્સ), તા. 8 ઓક્ટોબર, 2019, મંગળવાર

ફ્રાન્સની યાત્રાએ પહોંચેલા ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહને આજે ફ્રાન્સે ફાઈટર વિમાન રફાલ સોંપ્યુ હતું. અલબત્ત, આ એક ઔપચારિક વિધિ હતી. અત્યારે વિમાન સોંપી દેવાયું, પરંતુ પ્રથમ ચાર વિમાનનો જથ્થો ભારતને મે-2020માં મળશે. આજે ભારતીય વાયુસેનાનો સ્થાપના દિવસ છે.

આ પ્રસંગ સાચવીને ફ્રાન્સે દસોલ એવિએશને બનાવેલું ફાઈટર વિમાન રફાલ રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપ્યું હતું. રાજનાથ સિંહે ભારતીય પરંપરા પ્રમાણે વિમાનને વધાવ્યું હતું. વિમાન સોંપણીની આ વિધિ દસોલ એવિએશનના મેરિનેક ખાતે આવેલા કારખાનામાં થઈ હતી. એ તકે ફ્રાન્સના મહિલા સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી પણ ઉપસ્થિત રહ્યાં હતા. 

રાજનાથ સિંહે આ વિમાનની કોકપીટ પર સૌથી પહલા કંકુ વડે ઓમ લખ્યો હતો. એ પછી વિમાન પર પુષ્પ અને નાળિયેર ચડાવ્યાં હતા. જ્યારે વિમાનના લેન્ડિંગ ગિયર (પૈડાં) પાસે લિંબુ મુક્યાં હતા. ભારતીય પરંપરા પ્રમાણે દશેરાના દિવસે શસ્ત્રપૂજા કરવામાં આવે છે. ફ્રાન્સમાં પણ ભારતને મળી રહેલા આ અતી ઘાતક શસ્ત્ર રફાલની પૂજા કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજનાથ સિંહે કહ્યું હતું કે ફ્રેન્ચ ભાષાના શબ્દ રફાલનો અર્થ આંધી એવો થાય છે. મને આશા છે કે આ વિમાન આંધી જેવું જ કામ કરશે. તેમણે એમ પણ કહ્યું હતુ કે રફાલ વિમાન આપણે કોઈ પર આક્રમક વલણ અખત્યાર કરવા માટે નથી ખરીદી રહ્યાં પરંતુ ભારતીય વાસુ સિમાની રક્ષા માટે ખરીદી રહ્યાં છીએ.

એટલે કે રફાલનો રોલ આક્રમક નથી, સંરક્ષણાત્મક છે. વિમાનની શસ્ત્રપૂજા પછી રાજનાથ સિંહે આ વિમાનમાં 30 મિનિટની ટૂંકી ઊડાન (શોર્ટી) કરી હતી. એ વખતે તેઓ પાછળની સિટમાં બેઠા હતા અને વિમાન ફ્રાન્સના પાઈલટ ફિલિપ ડશેટે ઊડાવ્યું હતું.

ડશેટ દસોલના ચીફ પાઈલટ ટ્રેઈનર છે.  ઊડાન વખતે રાજનાથ સિંહે કહ્યું હતુ કે ભારતીય વાયુસેના દુનિયામાં ચોથી મોટી વાયુસેના છે. એમાં પણ ‘મિડિયમ મલ્ટી રોલર કોમ્બેક્ટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ)’ રફાલના સમાવેશ પછી વાયુસેના વધારે શક્તિશાળી બની જશે. 

સામાન્ય રીતે સંરક્ષણ સોદાઓ વર્ષો સુધી ચાલ્યા કરતાં હોય છે અને ડિલિવરી મોડી થતી જતી હોય છે. પરંતુ રફાલ સમયસર મળી રહ્યાં છે, તેનો આનંદ પણ રાજનાથ સિંહે વ્યક્ત કર્યો હતો. 

ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સે કહ્યું હતું કે વિજયાદશમીના આ પ્રસંગે વિમાન આપતા અમને આનંદ થાય છે. આ વિમાનો અમે ખાસ ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા છે. આ સોદાથી બન્ને દેશ વચ્ચેના સબંધો પણ મજબૂત થશે.

ભારતે ફ્રાન્સ પાસેથી 36 રફાલ ફાઈટર જેટ ખરીદવાનો સોદો કર્યો છે. એ પૈકીનું પ્રથમ વિમાન આજે ફ્રાન્સમાં જ રક્ષા મંત્રીને અપાયું હતું. પરંતુ પ્રથમ ચાર વિમાન ભારતને મે-2020માં મળશે. 

જ્યારે તમામ 36 વિમાનો સપ્ટેમ્બર 2022 સુધીમાં ભારતને મળી જાય એવી શક્યતા છે.  રફાલની વિધિ પહેલા રાજનાથ સિંહ ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોન સાથે મુલાકાત પણ કરી હતી. 

રફાલની વિશિષ્ટતા શું છે?

રફાલ ‘મિડિયમ મલ્ટી રોલર કોમ્બેક્ટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ)’ પ્રકારના વિમાન છે. એટલે કે તેનું કામ એકથી વધુ પ્રકારનો રોલ ભજવવાનું છે.  ભારતીય હવાઈ સીમાનું સંરક્ષણ કરવું અને હવાઈ ક્ષેત્રમાં પ્રભુત્વ સ્થાપવું એ તેની મુખ્ય આવડત છે. એકથી વધુ સ્થળને ટાર્ગેટ કરવા, હવામાંથી જમીન પર ચોકક્સ નિશાન સાધવું, અન્ય હવાઈ જહાજોને સંરક્ષણ આપવું, હવામાંથી નૌકાજહાજ પર પ્રહાર કરવો વગેરે રોલ રફાલ એક સાથે ભજવી શકે છે. ભારત આ વિમાન દસોલ એવિએશન નામની ફ્રાન્સની કંપની પાસેથી ખરીદી રહ્યું છે. પરંતુ દસોલ ઉપરાંત ફ્રાન્સની અન્ય બે કંપનીઓને પણ પેટા કોન્ટ્રાક્ટ અપાયો છે. તો વળી ભારતમાંથી ડીઆરડીઓ રફાલના ઉત્પાદનમાં શામેલ છે. રફાલની પ્રથમ બેચ સદી જૂના અંબાલા એર ફોર્સ સ્ટેશનમાં ગોઠવાશે. બીજી બેચ પશ્ચિમ બંગાળના હાશિમારા એરબેઝ પર ગોઠવાશે. ફ્રાન્સની વાયુસેના આ વિમાનો વાપરે છે. જ્યારે ભારત ઉપરાંત કતાર અને ઈજિપ્તે પણ 2015માં જ રફાલ ખરીદ્યાં હતા. વર્તમાન વાયુસેના પ્રમુખ આરએસકે ભદૌરિયા સહિતના વાયુસેનાના નિષ્ણાતો કહી ચૂક્યા છે કે રફાલની હાજરીથી ભારતીય હવાઈ સુરક્ષાને બહુ મોટો લાભ થશે. 

રફાલ: આંકડાકિય ઓળખાણ

મહત્તમ સ્પીડ 2200 કિલોમીટર

મહત્તમ વજન 24,500 કિલોગ્રામ

શસ્ત્રોનું વજન 9,500 કિલોગ્રામ

રેન્જ 3700 કિલોમીટર

મહત્તમ ઉડ્ડયન ઊંચાઈ 50,000 ફીટ

દસોલ-ફ્રાન્સ સાથેનો નાતો સાડા છ દાયકા જૂનો

દસોલ એવિએશન સાથેનો ભારતનો નાતો 66 વર્ષ જૂનો છે. 1953માં ભારતે દસોલ એવિએશને બનાવેલા ઓરેગન નામના ફાઈટર બોમ્બર વિમાનો ખરીદ્યા હતા. ભારતે એ વખતે કુલ 71 ઓરેગન ખરીદ્યા હતા.  ભારતે એ વિમાનનું ભારતીય નામ ‘તૂફાની’ રાખ્યું હતું. દીવ-ગોવાના મુક્તિ સંગ્રામ તથા 1965ના યુદ્ધ વખતે સક્રિય રહેલા આ વિમાનોને 1965માં ભારતે નિવૃત્ત કરી દીધા હતા.

રફાલના શસ્ત્રો

* એર ટુ એર લોન્ગ રેન્જ મિસાઈલ

* મિટિઅર મિસાઈલ

* હેમર મિસાઈલ

* એન્ટિ શિપ મિસાઈલ

* લેસર ગાઈડેડ બોમ્બ

* નોન ગાઈડેડ બોમ્બ

રફાલનો રાજકિય વિવાદ

રફાલ શરૂઆતથી અત્યાર સુધી રાજકીય વિવાદનો ભોગ બનતા આવ્યા છે. અત્યારે ભારતે 36 વિમાનનો સોદો 59,000 કરોડ રૂપિયામાં કર્યો છે. અગાઉ યુપીએ સરકાર 126 વિમાનો ખરીદવા માટે તૈયારી કરી હતી. એ વખતે કુલ સોદો 1,86,000 કરોડનો થવાનો હતો. પરંતુ સોદો થાય એ પહેલા જ સરકાર બદલી ગઈ હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે અત્યારની ભાજપ સરકાર ઓછા વિમાનો વધુ કિંમતે ખરીદી રહી છે. માટે ક્યાંક ભ્રષ્ટ્રાચાર થઈ રહ્યો છે. સરકારનું કહેવું છે કે આ વિમાનો સાથે આવતી ટેકનોલોજી વધારે સજ્જ થઈ છે, માટે કિંમત વધી છે. રફાલનો વિવાદ સતત ઉગ્ર બનતો રહ્યો હતો અને એક તબક્કે આક્ષેપ થયો હતો કે અનિલ અંબાણીને ફાયદો થાય એ માટે ખુદ વડા પ્રધાન ઓફિસ આ ડીલમાં દખલ કરી રહી છે. સરકારે એ બધી વાતોને રદીયો આપીને ડીલ આગળ ધપાવી હતી.