ફિલ્મ દિવસમાં 120 કરોડ કમાય છે, દેશમાં મંદી ક્યાં છે? : રવિ શંકર પ્રસાદ
દેશમાં મંદીને લઇને કેન્દ્રીય પ્રધાનનો વિચિત્ર બચાવ
દેશમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી અને શું સ્થિતિ છે તેની ચકાસણી ચાલી રહી છે, વિકાસ થઇ રહ્યો છેનો દાવો
નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર, 2019, શનિવાર
કેન્દ્રીય કાયદા પ્રધાન રવી શંકર પ્રસાદે હાલ દેશમાં જે મંદીનો માહોલ છે તેને લઇને સરકારનો વિચિત્ર રીતે બચાવ કર્યો હતો. રવી શંકર પ્રસાદે કહ્યું હતું કે ફિલ્મો કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે આવી સિૃથતિમાં મંદી છે તે કહેવું યોગ્ય નથી.
કેન્દ્રીય પ્રધાનનું કહેવું છે કે લોકો ફિલ્મો પાછળ આટલો ખર્ચ કરી શકતા હોય તો તેનો મતલબ એ છે કે દેશમાં મંદી નથી. જોકે રવી શંકર પ્રસાદે ફિલ્મોને મંદી સાથે જોડી દેતા લોકોએ સોશિયલ મીડિયા પર તેમની હાંસી પણ ઉડાવી હતી.
હાલ દેશમાં મંદી હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં પણ ભારતમાં મંદી હોવાના અહેવાલો જાહેર થયા છે. આ સિૃથતિ વચ્ચે હવે મોદી સરકારના મંત્રીઓ લુલો બચાવ કરી રહ્યા છે અને વિચિત્ર પ્રકારના કારણ આપી રહ્યા છે.
મુંબઇમાં પત્રકારોની સાથે વાતચીત દરમિયાન રવી શંકર પ્રસાદે કહ્યું હતું કે દેશમાં મોબાઇલ, મેટ્રો અને રસ્તાઓ બની રહ્યા છે. જેમાં લોકોને રોજગારી મળી રહી છે. આપણી આૃર્થવ્યવસૃથાનો પાયો મજબૂત છે અને મોંઘવારી પણ કાબુમાં છે.
એફડીઆઇ હાલ સૌથી ઉંચા સ્તર પર છે. જીડીપીનો વિકાસ દર પણ જળવાઇ રહ્યો છે. દેશમાં મોબાઇલ મેન્યૂફેક્ચરિંગની 268 ફેકટરીઓ છે. મેટ્રોનું નિર્માણ થઇ રહ્યું છે અને રોડ બની રહ્યા છે.
લોકોની પાસે નોકરી છે, જોકે ખુદ એનએસએસઓ દ્વારા જે આંકડા જારી કરવામાં આવ્યા હતા તેને જ પ્રસાદે નકારી દીધા હતા. દેશમાં બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધુ છે. જોકે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તેને લઇને શું કહેવું છે તો તેમણે જણાવ્યું હતું કે આંકડા અને અન્ય હકીકતોની અમે ચકાસણી કરી રહ્યા છીએ.
પ્રસાદે બાદમાં કહ્યું કે એક દિવસમાં ફિલ્મ 120 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે, દેશમાં મંદી જેવું કઇ જ નથી. ત્રણ ત્રણ ફિલ્મો કરોડો રૂપિયાનો વ્યાપાર કરી રહી છે. તો પછી દેશમાં મંદી છે જ ક્યાં?
બીજી ઓક્ટોબરથી લઇને અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મોએ 120 કરોડની કમાણી કરી જે પુરવાર કરે છે કે દેશમાં મંદી નથી. જોકે પ્રસાદ એ ભુલી ગયા કે દેશનો આમ ગરીબ નાગરીક માટે આજે મોંઘી ટિકિટો ધરાવતી ફિલ્મો જોવી પણ મુશ્કેલ છે.