વર્લ્ડકપ 2019ના ડ્રામાના 3 મહિના પછી બાઉન્ડ્રીથી જીત નક્કી કરનારો સુપર ઓવર નિયમ ICCએ બદલ્યો

વર્લ્ડકપ 2019ના ડ્રામાના 3 મહિના પછી બાઉન્ડ્રીથી જીત નક્કી કરનારો સુપર ઓવર નિયમ ICCએ બદલ્યો

ફાઇનલ અને સેમિફાઇનલમાં સુપર ઓવર ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી કોઇ વિજેતા નક્કી ન થઇ જાય

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ન્યૂઝીલેન્ડ અને ઇન્ગ્લેન્ડ વચ્ચેની મેચમાં એક કરતા વધુ વખત અલગ અલગ ડ્રામા થયા હતા. છેલ્લે સુપર ઓવરમાં પણ બાઉન્ડ્રીની સંખ્યાના આધારે ઇન્ગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. જોકે હવે ICCએ આ નિયમમાં ફેરફાર કર્યો છે. ઇન્ગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 50 ઓવર અને સુપર ઓવર ગણીને સૌથી વધારે બાઉન્ડ્રી(ફોર અને સિક્સર) મારવાના નિયમથી હરાવ્યું હતું.

આ ઘટના બાદ ICC પર પ્રશંસકો અને ભૂતપૂર્વ ખેલાડીઓનો ગુસ્સો ઠલવાયો હતો. હવે જોકે નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે જો ટાઇની પરિસ્થિતિમાં સુપર ઓવર રમાડવામાં આવે અને તે સુપર ઓવર પણ ટાઇ થાય તો ફરી પાછી સુપરઓવર રમાડવામાં આવશે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી કોઇ વિજેતા જાહેર થઇ જાય.

બોર્ડ મિટીંગ બાદ ICCએ એક નિવેદનમાં કહ્યું, ”આઇસીસી ક્રિકેટ કમિટીની ભલામણોના આધારે ચીફ એક્ઝીક્યૂટીવ્સ કમિટીએ નક્કી કર્યું છે કે આઇસીસી ઇવેન્ટમાં સુપર ઓવર દ્વારા પરિણામ નક્કી કરવાનું ચાલુ રાખવામાં આવશે. ગ્રુપ સ્ટેજમાં જો સુપર ઓવર ટાઇ થાય તો મેચ ટાઇ ગણાશે. સેમિફાઇનલ અને ફાઇનલમાં સુપરઓવરના નિયમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. સુપર ઓવર ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી એક ટીમ બીજી ટીમ કરતા વધુ રન નથી કરી લેતી. ”